પાકિસ્તાનમાં સરકાર નહીં, પરંતુ સેના અને ગુપ્તચર એજન્સી ISI દેશ ચલાવે છે. તેમના અત્યાચાર સામે અવાજ ઉઠાવનાર કાં તો મોતને ભેટે છે કાં તો ગુમ થઈ જાય છે. તેમનું શું થાય છે તેની ભાળ કોઈને નથી થતી. એક આંકડા મુજબ પાકિસ્તાનમાં લગભગ 14 હજાર લોકો લાપતા છે. મોટા ભાગના મામલાઓમાં તો કેસ જ નથી નોંધાતા.
અહીં વાત છે એક એવા પુત્રની જેમના જર્નાલિસ્ટ પિતા 2018થી ગુમ છે અને મા પણ આ દુનિયામાં હવે નથી. પિતા પાછા આવશે તેવી આશ સાથે આ બાળક સોમવારે 4 વર્ષનો થયો. ઈન્સાફના મંદિરમાં તેને બર્થડે કેક કાપી પણ નજર પિતાને શોધી રહી હતી. જો કે બદનસીબે તે કોઈ નથી જાણતું સેના અને ISIએ તેના પિતા સાથે શું કર્યું.
કેસ શું છે
જે બાળખે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં કેક કાપી તેનું નામ સચન નારુ છે. તેના પિતા મુદસ્સર નારુ પાકિસ્તાનના તે જર્નાલિસ્ટમાંથી એક હતા જેમને બલુચિસ્તાન અને ખૈબર પખ્તૂખ્વામાં સેના અને ISIના જુલમ સામે અવાજ ઉઠાવતાં હતા. 2018માં અચાનક એક દિવસે મુદસ્સરને કેટલાંક અજાણ્યા લોકોએ અપહરણ કરી લીધું, ત્યારથી તેનો કોઈ જ અતોપતો નથી.
મુદસ્સરની રાહ જોતાં જોતાં તેની પત્નીએ પણ જીવ ગુમાવ્યો. સચલના વૃદ્ધ દાદા-દાદી અવારનવાર માસૂમની સાથે હાઈકોર્ટના શરણે આવીને ન્યાય માગી રહ્યાં છે. એવી આશા સાથે કે સચલને તેના અબ્બૂ અને વૃદ્ધ માતા-પિતાને તેમના પુત્રના કોઈ સમાચાર મળે.
સચલનો બર્થડે પણ હેપ્પી નથી
સોમવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં મુદસ્સર નારુ કેસની સુનાવણી હતી. આ કેસને ચીફ જસ્ટિસ અતહર મિન્લ્લાહની બેંચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. અતહર સૌથી ઈમાનદાર અને કડક જજમાંથી એક છે. દરેક સુનાવણી દરમિયાન દાદા-દાદીની સાથે સચલ પણ ન્યાય મેળવવાની આશાએ કોર્ટમાં આવે છે. સોમવારે તેની ચોથી બર્થડે હતી. સચલના વકીલ ઈમાન મઝારી તેના માટે કેક લાવી. અનેક વકીલ એકઠાં થયા અને પછી કોર્ટ રૂમની બહાર કેક કાપવામાં આવી.
દરેક લોકોની આંખ ભીની હતી. જસ્ટિસ અતહરને પણ આ વાતની જાણ હતી. તેમને લાપતા લોકોના મામલાની કથિત તપાસ કરતા કમીશનને કહ્યું- આગામી સુનાવણી સમયે ડિટેઈલ રિપોર્ટ રજૂ કરો. જો કે છેલ્લી સુનાવણી દરમિયાન પણ આવું જ થયું હતું જેનું પરિણામ કંઈજ ન આવ્યું.
સરકાર શું કહે છે
સુનાવણી દરમિયાન અટોર્ની જનરલે કહ્યું- ગુમ થયેલા લોકોના કુલ 8 હજાર કેસ હતા. 6 હજાર કેસનો નિવેડો આવી ગયો છે. કેટલાંક લોકો ઘરે પરત આવી ગયા છે, જ્યારે બીજા લોકોની તપાસ ચાલી રહી છે. કેટલાંક લોકો જેલમાં છે. જસ્ટિસ અતહરે પૂછ્યું- શું તમારી પાસે આ પ્રકારના કેસના ઉકેલ માટે કોઈ નીતિ છે? જો નથી તો આ લોકોને ન્યાય અપાવવા માટે સરકાર શું કરી રહી છે? જવાબદાર લોકો વિરૂદ્ધ એક્શન કેમ નથી લેવાયા? સરકારનું કામ લોકોની સુરક્ષા કરવાનું છે, તેમને ગુમ કરવાનું નહીં.
ઈમરાને વાયદો કર્યો પરંતુ પૂરો ન કર્યો
ગત વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સચલ અને તેમની ફેમિલીની મુલાકાત કરી હતી. ઈમરાને સચલને ખોળામાં બેસાડીને વાયદો કર્યો હતો કે તેઓ તેના પિતા મુદસ્સરને શોધી કાઢશે. જો કે તેમને પોતાનો વાયદો હજુ સુધી પૂરો કર્યો નથી.
સેના અને ISIની તરફદારી કરતા લોકો કહે છે કે મુદસ્સરે આત્મહત્યા કરી હતી. જો કે 'ધ ડોન' અખબારના રિપોર્ટમાં મુદસ્સરના એક મિત્રએ દાવો કર્યો હતો કે તે સેનાની કસ્ટડીમાં છે. આ દોસ્તે કહ્યું- હું પોતે મુદસ્સરને મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.