ચીને તેના નાગરિકોને રોજિંદા વપરાશની વસ્તુઓનો સ્ટોક કરવા આદેશ કર્યો છે. આ આદેશ એવા સમયે આવ્યો છે કે જ્યારે ચીનમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને વરસાદથી શાકભાજીનો તૈયાર પાક ધોવાઇ ગયો છે. આદેશ બાદ ચીનમાં લોકો પેનિક બાઇંગ કરી રહ્યા છે.
ચોખા, નૂડલ્સ, તેલ અને મીઠા જેવી વસ્તુઓનો સ્ટોક કરી રહ્યા છે. ચીની સોશિયલ મીડિયા વીબો પર લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે તાઇવાન સાથે યુદ્ધની ભીતિના પગલે આ આદેશ જારી કરાયો છે.
કેટલાક લોકો વધુ કડક લૉકડાઉનની કલ્પના કરી રહ્યા છે. આ અફડાતફડી બાદ સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીના સમાચારપત્ર ‘ધ ઇકોનોમિક ડેઇલી’એ લખ્યું કે નાગરિકોએ આ આદેશને વધુ ગંભીરતાથી લીધો છે.
આદેશનો હેતુ એવું સુનિશ્ચિત કરવાનો છે કે લૉકડાઉન જેવી સ્થિતિમાં લોકોને તકલીફ ન પડે. બીજી તરફ ભારે વરસાદથી સપ્લાય ચેન પર અસર થઇ છે. શાકભાજીનો પાક ધોવાતાં કાકડી, બ્રોકોલી, પાલક વગેરેના ભાવ બમણા થઇ ગયા છે.
સાથે જ વાણિજ્ય વિભાગે કહ્યું છે કે જે-તે સ્થાનિક સત્તામંડળોએ લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય તેવા શાકભાજી ખરીદીને ઇમરજન્સી ડિલિવરી નેટવર્ક મજબૂત કરવી જોઇએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.