કોરોના મહામારી દરમિયાન સારવારના ઓનલાઇન પ્લેટફોર્મ ચર્ચામાં આવ્યાં હતાં. દુનિયાભરમાં આવાં પ્લેટફોર્ટ મારફતે તબીબોએ દર્દીઓને સલાહ આપી હતી. ઓનલાઇન તબીબી સલાહ આપનાર પ્લેટફોર્મ સેંકડોની સંખ્યામાં લોન્ચ કરાયાં હતાં પરંતુ મહામારી બાદ હવે ભારત સહિત દુનિયાભરમાં આ બજાર ખતમ થઇ રહ્યાં છે. માનવામાં આવી રહ્યું હતું કે મહામારી બાદ પણ ઓપીડી અને માનસિક બીમારીઓની સારવાર ઓનલાઇન જ થશે.
અમેરિકન સાઇકિયાટ્રિક એસોસિયેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહામારીથી મે 2020માં અમેરિકામાં તબીબી સલાહ માટે ઓનલાઇન બજારનું કદ 85 ટકા સુધી વધ્યું હતું. કોરોનાથી પહેલાં ઓનલાઇન બજારનું કદ માત્ર બે ટકા હતું. ડિજિટલ હેલ્થ કંપની રોક હેલ્થના રિપોર્ટ મુજબ વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગયા વર્ષે 2021ની સરખામણીમાં આ બજારનું કદ 32 હજાર કરોડ ઘટી ગયું હતું. હવે તબીબો પણ તેનાથી ખચકાટ અનુભવી રહ્યા છે. કેટલીક એપ્સ અને હેલસિયોન , અહેડ જેવી ઓનલાઇન સલાહ આપનાર સ્ટાર્ટ અપ બંધ થઇ ગયાં છે.
ટાઇમે ઓનલાઇન સલાહ આપનાર કેટલાક તબીબો સાથે વાતચીત કરી હતી. તેમને લાગે છે કે ઓનલાઇન સારવારમાં કેટલીક વ્યવહારિક સમસ્યા છે. તેઓ કહે છે કે આનાથી દર્દી અને તબીબો વચ્ચે સારા સંબંધ બનતા નથી. આવાં પ્લેટફોર્મ પર પૂરતો સમય મળતો નથી. જેના કારણે દર્દીઓની મૂળભૂત સમસ્યા અંગે માહિતી મળતી નથી. કેટલાક દર્દી ભાષા કરતાં વધારે વર્તનથી પોતાની બીમારીને સારી રીતે સમજાવી શકે છે. આને ઓનલાઇન સમજવાની બાબત મુશ્કેલ હોય છે. ઓનલાઇન દવા સમજવાની બાબત પણ મુશ્કેલ હોય છે.
સારવારના ઓનલાઇન પ્લેટફોર્મ ડોનમાં કામ કરનાર નર્સ હેબાહ એરોય કહે છે કે આ પ્રકારની કંપનીઓના બિઝનેસ મોડલ એવાં છે જેમાં તેઓ પોતાના પ્લેટફોર્મ પર વધુ ને વધુ દર્દીઓને લાવવા ઇચ્છે છે. પરંતુ સુવિધા કઇં જ નથી. સારવારમાં ભેદભાવ પણ થયા હતા. અમેરિકામાં ઓનલાઇન સારવારમાં શ્વેત લોકોને પ્રાથમિકતા આપવામાં આવી હતી. એંગ્જાઇટી અને ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓનો સામનો કરી રહેલા એક તૃતિયાંશ લોકોને સારવાર મળી ન હતી.
બોસ્ટનમાં બેથ ઇઝરાયલ ડિકોનિસ મેડિકલ સેન્ટરના ડિજિટલ સાઇકિયાટ્રીસ્ટના નિર્દેશક ડોક્ટર જોન ટોરસ કહે છે કે ડિજિટલ થેરપીએ સારવારનો ખર્ચ ઓછો કર્યો છે. સુવિધા વધી છે. નવી ટેકનોલોજીનો વધારે સારી રીતે ઉપયોગ કર્યો અને કંપનીઓએ જો વચનો પાળ્યાં તો આવનાર સમયમાં આ ઇન્ડસ્ટ્રીઝ ખુબ વિકસિત થશે. બોસ્ટન હેલ્થકેરમાં શોધ કરનાર સામંથા કોનોલી કહે છે કોરોનામાં ટેલિહેલ્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેની પહેલા માહિતી ન હતી.
ભણેલા-ગણેલા અને સમૃદ્ધ લોકો ઓનલાઇન સારવારનો વધુ ઉપયોગ કરે છે
અમેરિકાના ફેડરલ ડેટા મુજબ ઓનલાઇન સારવારનો સૌથી વધારે ઉપયોગ કોલેજ સ્તર સુધી ભણેલા ગણેલા લોકો અને અમીર લોકો વધારે કરી રહ્યા છે. શ્વેત લોકો ઉપરાંત અમેરિકન ઇન્ડિયન અને અલાસ્કામાં રહેતા લોકો સૌથી વધારે ઓનલાઇન સારવાર લઇ રહ્યા છે. સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ મારફતે યુઝર ઓનલાઇન સલાહના પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.