અમેરિકાના દક્ષીણ કેલિફોર્નિયામાં એક ચર્ચની અંદર રવિવારે બપોરે 1:26 વાગ્યે (અમેરિકાના સમય મુજબ) ફાયરિંગ થયું હતું. લગુના વુડ્સ સિટી ઓફ જીનીવાપ્રેસ્બીટેરિયન ચર્ચ પર થયેલા આ હુમલામાં એક શ્રદ્ધાળુનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે, 5 લોકો ઘાયલ થયા હતા. હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ત્યાં, ઘટનાસ્થળ પરથી હથિયાર પણ મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
રવિવારે લગુના વુડ્સમાં જીનીવા પ્રેસ્બીટેરિયન ચર્ચમાં પ્રાર્થના સભા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જે દરમિયાન આ ઘટના બની હતી. 16,000 ની વસ્તી ધરાવતું લગુના વુડ્સ ડાઉનટાઉન લોસ એન્જલસથી લગભગ 80 કિલોમીટર દૂર છે.
લોકોએ હુમલાખોરને પકડી લીધો
ચર્ચમાં ફાયરિંગ બાદ તરત જ પ્રાર્થના સભા માટે હાજર લોકોએ હુમલાખોરને પકડી લીધો હતો. જે બાદ તેઓએ તેને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે લોકોને અસલી હીરો હોવાનું જણાવ્યું હતુ. તેમણે લોકોની હિંમતની પણ પ્રશંસા કરી હતી.
શેરિફે કહ્યું કે ઘણા લોકોને ગોળી વાગી હતી
કાઉન્ટી શેરિફે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકોને શાંતિ જાળવવા વિનંતી કરી છે. શેરિફે લખ્યું- લગુના વુડ્સમાં અલ ટોરો રોડના 24000 બ્લોકમાંથી એક ચર્ચમાં ગોળીબાર થયો હતો. ઘણા લોકોને ગોળી વાગી છે. અમે આ બાબતે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
શનિવારે ન્યૂયોર્કમાં 10 લોકોના મોત થયા હતા આ પહેલા શનિવારે ન્યૂયોર્કના બફેલો વિસ્તારમાં એક સુપરમાર્કેટમાં ગોળીબારમાં 10 લોકોના મોત થયા હતા, જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા. 13 લોકોને ગોળી વાગી તેમાંથી 11 અશ્વેત હતા. જે વિસ્તારમાં આ ઘટના બની તે પણ અશ્વેતોની વસ્તી ધરાવતો વિસ્તાર છે. પોલીસ વંશીય હુમલાના એંગલથી પણ તપાસ કરી રહી છે. હુમલા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
અમેરિકામાં સતત વઘી રહી છે વંશીય હિંસા
છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં વધી રહેલી વંશીય હિંસા બાદ ગોળીબારની ઘટનાઓ સામે આવી રહી છે. ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ત્યારથી અમેરિકાના ઘણા રાજ્યોની સરકારો મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, કોવિડની પ્રથમ લહેરમાં ગોળી મારીને હત્યાના કેસોમાં 35%નો વધારો થયો છે. આને ઐતિહાસિક વધારો ગણાવવામાં આવી રહ્યો છે, કારણ કે છેલ્લા 25 વર્ષમાં 2020માં સૌથી વધુ હત્યાઓ થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.