- Gujarati News
- International
- On America’s 20 Years Of Hard Work The Taliban Turned The Tide In Just 10 Days; Due To These Reasons, The Afghan Front Of Jagat Jamadar Was Defeated
કટ્ટરતા સામે બળશાળીએ શસ્ત્રો હેઠાં મૂક્યાં:અમેરિકાની 20 વર્ષની મહેનત પર તાલિબાને ફક્ત 10 દિવસમાં પાણી ફેરવ્યું; આ કારણોથી જગત જમાદારની અફઘાન મોરચે થઈ ધોબીપછાડ
- નિષ્ણાતોના મતે સેંકડોની સંખ્યામાં ભૂતિયા સૈનિકો ફક્ત કાગળ પર હતા. સૈનિકોની સંખ્યાને લઈ વ્યાપક કૌભાંડ થયેલું
- અફઘાનિસ્તાનમાં મોટી સંખ્યામાં ભૂતિયા સૈનિકો ફક્ત પગાર લેતા પણ ફરજ બજાવતા ન હતા, છૂપી કે પરોક્ષ રીતે તાલિબાન તરફી રહેલા
- અમેરિકા અફઘાનિસ્તાનના ઈતિહાસ અને એની સંસ્કૃતિને સમજવામાં થાપ ખાઈ ગયું
અમેરિકાએ વર્ષ 2001 બાદ આશરે બે દાયકા સુધી અફઘાનિસ્તાનમાં યુદ્ધ-પુનર્વસન પાછળ કરોડો ડોલરનો ધુમાડો કર્યા બાદ છેવટે બિસ્ત્રા-પોટલાં બાંધીને પરત ફરવું પડ્યું છે. અમેરિકાએ સૈન્ય મોરચે અને આર્થિક મોરચે અફઘાનિસ્તાનમાં જે ખુવારી સહન કરવી પડી છે એ અભૂતપુર્વ છે.
અમેરિકાએ છેલ્લાં 20 વર્ષમાં અફઘાનિસ્તાન પાછળ 2.26 ટ્રિલિયન ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે રૂપિયા 148.64 લાખ કરોડનું આંધણ કર્યું છે. આ ઉપરાંત છેલ્લા બે દાયકામાં 6,000થી વધારે અમેરિકી સૈનિકો, આશરે 1,00,000 અફઘાન નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.
અમેરિકાએ તાલિબાન સામે લડવા અને અફઘાનિસ્તાન પર પ્રભુત્વ જમાવી રાખવા આશરે 3.5 લાખ અફઘાન સૈનિકૌને તાલીમ આપી હતી. તેમને અમેરિકી બનાવટના લડાકુ વિમાનો, હેલિકોપ્ટર્સ, સશસ્ત્ર વાહનો, રાઈફલ્સ તથા અન્ય અત્યાધુનિક સશ્ત્રોથી સજ્જ કરવામાં આવ્યા હતા.
ભૂતિયા સૈનિકો (Ghost Soldiers) અમેરિકાને છેતરી ગયા
- નિષ્ણાતોના મતે એવા કેટલાક ભૂતિયા સૈનિકો (Ghost Soldiers)ફક્ત કાગળ પર હતા. સૈનિકોની સંખ્યાને લઈ વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થયું હતું અને એવા અસંખ્ય ભૂતિયા સૈનિકો હતા કે જેઓ તેઓ ફરજ પર ન હતા, પણ વેતન લેતા હતા.
- બીજું, અફઘાનિસ્તાન તથા અમેરિકી ગુપ્તચર એજન્સીઓ તાલિબાનની પ્રહાર ક્ષમતાનું ખરું આંકલન કરી શક્યા નહીં. તાલિબાનોએ વ્યૂહાત્મક રીતે કામ કર્યું. તેમણે સૌપ્રથમ તેમની બાજુના સરહદી વિસ્તારોમાં રહેલા સ્થાનિક કમાન્ડરો પર જીત હાંસલ કરી. આ માટે તેમણે સ્થાનિક ટ્રાઈબલ સાથે જોડાયેલી કડીઓને જોડી.
- બીજી બાજુ, અફઘાન સૈનિકોમાં વ્યાપક પ્રમાણમાં અસમંજસભરી સ્થિતિ જોવા મળતી હતી. ફક્ત કમાન્ડોને જ યોગ્ય તાલીમ આપવામાં આવી હતી જ્યારે બાકીના સૈનિકો ફક્ત રાઈફલ્સ લઈને ફરતા હતા અને યુદ્ધ લડવા માટેની કોઈ જ ટેકનિક જાણતા ન હતા.
- આ સંજોગોમાં સૈનિકોનું મનોબળ (Morale) ખૂબ જ નીચું હતું. તેઓ સારી રીતે વાકેફ હતા કે અમેરિકાની મદદ વગર તાલિબાનને હરાવવું ખૂબ જ મુશ્કેલ બની જશે.
ગ્રામીણ વિસ્તારો પર મજબૂત પકડથી તાલિબાને સરળતાથી અફઘાનિસ્તાન ફતેહ કર્યું
- છેલ્લા કેટલાંક વર્ષોમાં તાલિબાનોએ લડાઈ દરમિયાન ગ્રામીણ વિસ્તારો પર અંકુશ મેળવી દેશના લગભગ 50 ટકા હિસ્સા પર પોતાનું પ્રભુત્વ જમાવી લીધુ હતું. આ ઉપરાંત તાલિબાનોએ શહેરી વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં ઘૂસણખોરી કરવા ધમકી અને ડરનો આશરો લીધો હતો.
- કમાન્ડરો અને પાઈલોટ્સને કહેતા કે જો તેઓ આત્મસમર્પણ કરશે તો તેમની તથા તેમના પરિવારનું રક્ષણ કરવામાં આવશે. આ સંજોગોમાં તેમણે ઓછા પ્રમાણમાં પ્રતિકાર કરવો પડ્યો અને વધુ ને વધુ લોકોને વિશ્વાસમાં લઈ તેમની આગેકૂચને જાળવી રાખી.
જુસ્સા અને દમ વગરના અફઘાન સૈનિકો-અધિકારીઓએ યુદ્ધ અગાઉ જ શસ્ત્રો હેઠા મૂકી દીધાં
- જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણપણે હટી જવાની જાહેરાત કરી ત્યારે અફઘાન સૈનિકો અને પોલીસને એવા સંકેત ગયા કે હવે અંત નજીક છે અને કોઈપણ વ્યક્તિ લાંબા સમય સુધી નબળી પ્રેરણાને પોતાના નાશમાં પરિવર્તિત કરવા ઈચ્છતું ન હતું, એટલે કે કોઈપણ વ્યક્તિ ઈચ્છતી ન હતી કે અન્ય કોઈ વ્યક્તિ હાર સ્વીકારી લે ત્યાર બાદ એ મોરચો માંડીને ઊભી રહે.
- જેવા અમેરિકા અને નાટોએ તેના સૈનિકો પાછા ખેંચવાનું શરૂ કર્યું એ સાથે જ અફઘાન સૈનિકો અને અધિકારીઓએ તાલિબાનને ખુશ કરવાનો માર્ગ અપનાવ્યો અથવા તો તેમની જૂની પરંપરાને પુનઃધારણ કરવાનું શરૂ કરી દીધું.
અફઘાની ઈતિહાસ- સંસ્કૃતિ, લોકમાનસને સમજવામાં થાપ ખાઈ ગયું અમેરિકા
- અમેરિકા અફઘાનિસ્તાનના ઈતિહાસ અને એની સંસ્કૃતિને સમજવામાં થાપ ખાઈ ગયું. અફઘાનિસ્તાનમાં ક્યારેય કોઈ કેન્દ્રીય સરકાર રહી જ નથી. આ સંજોગોમાં અફઘાનિસ્તાનમાં એક કેન્દ્રીય સરકારની સ્થાપના કરવા અંગે વિચાર કરવો તે પણ કદાંચ આ પૃથ્વી પરનું સૌથી મુશ્કેલ કામ હોઈ શકે છે. બીજી બાજુ તાલિબાન અફઘાનિસ્તાનની ટોચથી લઈને ગ્રાસરુટ સુધીની તમામ પ્રકારની જાણકારીથી વાકેફ હતું.
- અફઘાનિસ્તાન અનેક જનજાતિઓ, ભાષાઓ, જાતિઓ, ધાર્મિક સાંપ્રદાયિક વૈવિધ્યતા ધરાવતો દેશ છે, આ સંજોગોમાં અમેરિકા અને તેના સહયોગી નાટો તેને વ્યાપક પ્રમાણમાં પશ્ચિમી મૂલ્યોના આધારે એક લોકશાહી વ્યવસ્થામાં બદલવાનો પ્રયત્ન કર્યો.
- આ સંજોગોમાં અફઘાન નાગરિકો શું ઈચ્છે છે તે પાયાની સમજ કેળવવામાં અમેરિકા નિષ્ફળ નિવડ્યું. અમેરિકા શરૂઆતથી એક જ ધારણા પર ચાલી રહ્યું હતું કે અમેરિકા પોતાની પાસે જે પણ વ્યવસ્થા છે તે અફઘાનિ નાગરિકો ઈચ્છે છે અને તેઓ આ નવી વ્યવસ્થામાં આપમેળે જ પરિવર્તીત કરી લેશે. પણ અમેરિકાની આ ધારણા તદ્દન ખોટી સાબિત થઈ.
અફઘાનિસ્તાન મોરચે પાકિસ્તાનની ચાલ સફળ નિવડી
- અફઘાનિસ્તાનની વ્યવસ્થામાં જે નબળાઈઓ હતી તેનો પાકિસ્તાને ભરપૂર લાભ લીધો. જ્યારે અમેરિકાના સૈનિકો અફઘાનિસ્તાન છોડી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સૈનિકોએ તાલિબાનને સંપૂર્ણપણે અને ખૂબ જ ઝડપથી ટેકો આપ્યો હતો. એવા પણ અહેવાલો મળ્યા છે કે ઘણા બધા તાલિબાન યુવકો ખોટા પઠાણ નામો ધરાવતા હતા, હકીકતમાં તેઓ પાકિસ્તાની નાગરિકો હતા.