કોરોનાનો વધુ એક નવો વેરિયન્ટ:ઓમિક્રોનની આપદા વચ્ચે હવે ફ્રાંસમાં સામે આવ્યો નવા પ્રકારનો IHU વેરિયન્ટ, અત્યારસુધીમાં 46 વખત મ્યૂટેટ થઈ ચૂક્યો છે

16 દિવસ પહેલા
  • ફ્રાંસમાં આ વેરિયન્ટ IHU મેડિટેરિનિયન ઈન્ફેક્શન ઈન્સ્ટિટ્યૂટના નિષ્ણાતોએ શોધ્યો
  • આ વેરિયન્ટે ફ્રાંસમાં અત્યારસુધીમાં 12 લોકોને સંક્રમિત કર્યા

ઓમિક્રોનને લીધે મોટાપાયે કોરોનાના કેસ વધવાથી મુશ્કેલીનો સામનો કરી રહેલા ફ્રાંસમાં આ મહામારી હવે નવું સ્વરૂપ ધારણ કરવા જઈ રહી હોય તેવું જણાય છે, કારણ કે ફ્રાંસમાં હવે કોરોનાનો નવા પ્રકારનો વેરિયન્ટ મળી આવ્યો છે. તેને હંગામી ધોરણે IHU નામ આપવામાં આવ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વેરિયન્ટના સ્પાઈક પ્રોટીનમાં 46 મ્યુટેશન ધરાવે છે, જ્યારે ઓમિક્રોનના સ્પાઈક પ્રોટીનમાં 37 મ્યૂટેશન જ હતા.

એક અભ્યાસ પ્રમાણે આ વેરિયન્ટનો પ્રથમ દર્દી એક વેક્સિન લીધેલ પુખ્ત વ્યક્તિ છે, જે કેમરુનના પ્રવાસથી ફ્રાંસ પરત ફર્યો હતો. કેમરુનથી પરત ફર્યાના 3 દિવસ બાદ તેને શ્વાસ લેવામાં સામાન્ય તકલીફ શરૂ થઈ ગઈ હતી. નવેમ્બરમાં તેના સેમ્પલ લેવામાં આવેલું, જેમાં કોરોના સંક્રમણ અંગે જાણ થઈ હતી. જોકે સંક્રમણ કે જે વેરિયન્ટથી આવ્યો હતો, તે અગાઉથી રહેલા ડેલ્ટા વેરિયન્ટની પેટર્ન સાથે મેળ ધરાવતો ન હતો. ત્યારબાદમાં મળેલા ઓમિક્રોન વેરિયન્ટથી પણ આ સેમ્પલ સાથે પણ કોઈ સમાનતા કે તાલમેલ જોવા મળતો ન હતો. ત્યારબાદ તેને નવા વેરિયન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

શા માટે અપાયું IHUનું નામ?
ફ્રાંસમાં આ વેરિયન્ટને IHU મેડિટેરિનિયન ઈન્ફેક્શન ઈન્સ્ટિટ્યુટના નિષ્ણાતોએ શોધ્યો છે. આ ફાઉન્ડેશનના નામ પર તેને IHU નામ આપવામાં આવ્યું છે. જીનોમ સિક્વેન્સિંગના આધારે કોરોનાનો આ નવો વેરિયન્ટ B.1.640.2 છે. જોકે, WHO તરફથી અત્યારે કોઈ સત્તાવાર નામ આપવામાં આવ્યું નથી.

નવા વેરિયન્ટથી 12 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે
વૈજ્ઞાનિકોના મતે આ વેરિયન્ટે ફ્રાંસમાં 12 લોકોને સંક્રમિત કર્યાં છે. આ વેરિયન્ટમાં 46 મ્યૂટેશન અને 37 ડિલીશન મળ્યા છે. ડિલીશન પણ એક રીતે મ્યુટેશન છે, જેમાં જીનેટીક મટેરિયલ ઘટી જાય છે. ફ્રાંસના માર્સિયલ શહેરમાં IHU મેડિટેરિનિયન ઈન્ફેક્શન ઈન્સ્ટિટ્યુટના ફિલિપ કોલસને જણાવ્યું હતુ કે દક્ષિણ ફ્રાંસના એક જ સ્થળ પર રહેતા 12 કોરોના સંક્રમિતના નમૂનાને મ્યૂટેશનની તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

આ સેમ્પલમાં નવા કોમ્બિનેશન જોવા મળ્યું. ફિલિપનું કહેવું હતું કે અત્યારે આ 12 કેસના આધારે આ IHU વેરિયન્ટના વાયોલોજીકલ, એપિડેમિયોલોજીકલ અથવા ક્લિનિકલ ફિચર અંગે કંઈપણ કહેવું ઉતાવળ હશે. એટલે કે આટલા જલ્દી કહી શકાય નહીં કે વાયરસ કેવું વર્તન કરશે.