શેરિલ સેન્ડબર્ગે આ સપ્તાહે ફેસબુક-મેટાના મુખ્ય ઓપરેટિંગ અધિકારી પદ પરથી રાજીનામું આપતા પોતાની કંપનીમાં મહિલાઓની પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, મને ગર્વ છે કે આ કંપનીમાં અનેક પ્રતિભાશાળી મહિલાઓ અને વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવેલા લોકો લીડર બન્યા છે. જોકે, વાસ્તવિક્તા કંઈક અલગ જ છે. ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રીમાં સર્વોચ્ચ પદ પર મહિલાઓની સંખ્યા નિરાશાજનક છે. સેન્ડબર્ગની વિદાયથી સિલિકોન વેલી પોતાની સૌથી સ્પષ્ટવાદી અને સક્રિય મહિલા અધિકારી ગુમાવી દેશે. હવે તેના જેવા લોકો ગણતરીના કે શૂન્ય હશે.
52 વર્ષની સેન્ડબર્ગ મુખ્ય ટેક્નોલોજી કંપનીઓમાં મહિલાઓની એક એવી ટીમનો ભાગ હતી જે લેરી પેજ અને માર્ક ઝકરબર્ગ જેવા કંપની સ્થાપકોનાં સ્તર સુધી પહોંચી હતી. તે મોટી બિઝનેસ કોન્ફરન્સમાં ભાગ લેતી અને મુખ્ય ભાષણ આપતી હતી. જોકે, છેલ્લા કેટલાક વર્ષમાં યાહૂની મેરિસા મેયર, હ્યુલેટ પેકાર્ડની મેગ વ્હિટમેન અને આઈબીએમની જિની રોમેટી સહિત આવી અનેક મહિલાઓએ વિદાય લઈ લીધી છે. જેમાંથી કેટલાકની પ્રતિષ્ઠાને ધક્કો પણ લાગ્યો છે. તાજેતરના વર્ષોમાં આલ્ફાબેટ-ગૂગલ, એપલ, એમેઝોન,મેટા અને અન્ય વિરાટ ટેક્ કંપનીઓમાં મહિલાઓ કોઈ વિશેષ પ્રગતિ કરી શકી નથી. ગ્લોબલ અર્થતંત્ર અને લોકોનાં જીવન પર ટેક્નોલોજી વધુ પ્રભાવ નાખે છે, છતાં મહિલા લીડરશિપ બાબતે તે અન્ય ઉદ્યોગોથી પાછળ છે.
2020માં આવકના હિસાબે સિલિકોન વેલીની 150 સૌથી મોટી કંપનીઓમાં માત્ર 4.8%નું નેતૃત્વ મહિલાઓના હાથમાં હતું. જેની તુલનામાં એસએન્ડપી 500 ઈન્ડેક્સ કંપનીઓમાં મહિલા ચીફ એક્ઝીક્યુટીવ 2018ના 4.8થી વધીને 2020માં 6 ટકા થઈ ગઈ છે. ટ્વિટરની જનરલ કાઉન્સિલ વિજયા ગાડે સહિત જાહેર વ્યવસાય સાથે સંકળાયેલી ટેક્ કંપનીઓમાં ઉચ્ચ પદો પર રહેલી મહિલાઓને હેરાનગતિનો ભોગ બનવું પડ્યું છે. પિનટ્રેસ્ટની પૂર્વ મુખ્ય ઓપરેટિંગ અધિકારી ફ્રાન્કોઈસ બ્રાઉગર જેવી અન્ય મહિલા અધિકારીઓએ ભેદભાવના આરોપમાં કેસ પણ દાખલ કરેલા છે. ટેક કંપનીઓમાં મહિલાઓ ભેદભાવ અને હેરાનગતિ વિરુદ્ધ અવાજ ઉઠાવતી રહી છે.
મહિલાઓ સાથે જાતિય અત્યાચાર અને ભેદભાવના અનેક કેસ
કેટલીક કંપનીઓમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળતી હોવા છતાં ટેક્નોલોજી સેક્ટરમાં મહિલાઓને હજુ પણ અવરોધોનો સામનો કરવો પડે છે. વેન્ચર કેપિટલ કંપનીઓમાં પુરુષોનો દબદબો છે. મહિલા ફાઉન્ડરોને ફન્ડિંગમાં ખૂબ ઓછી ભાગીદારી મળે છે. સિલિકોન વેલીમાં મહિલાઓ સાથે ભેદભાવ, હેરાનગતિ અને કામકાજના સ્થળે ખરાબ વાતાવરણની ઘટનાઓ સામે આવતી રહે છે. વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટર એલન પાઓએ 2012માં કંપનીની નિમણૂક કરનારી મહિલા ક્લીનર પાર્કિન્સ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. 2015માં તે કેસ હારી ગઈ હતી, પરંતુ તેના કેસે સિલિકોન વેલીમાં પુરુષોના પ્રભુત્વની ખામીઓ બહાર લાવી હતી. 2017માં સિલિકોન વેલીમાં શક્તિશાળી પુરુષો દ્વારા જાતિય અત્યાચારના મુદ્દે ‘મીટૂ’ આંદોલનમાં અનેક મહિલાઓ આગળ આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.