ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:હવે પૈતૃક ઘર મ્યુઝિયમ બને એ જ તેમને અમારી સાચી શ્રદ્ધાંજલિ હશે

પેશાવર, પાકિસ્તાન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે સવારે હું કિસ્સા ખ્વાની બજારથી થઈને પેશાવરના ખુદાદાદ પહોંચ્યો. દરેક તરફ માતમ છે. લોકો શહેરના મહાન દીકરા દિલીપકુમારના નિધનની વાત કરી રહ્યા છે. ભારતીય સિનેમાના આ સપૂતનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ પાકિસ્તાનના પેશાવરના આ ખુદાદાદ મોહલ્લામાં જ થયો હતો. તેમના પૈતૃક મકાનથી થોડેક દૂર એક નાની દુકાન છે.

અહીં બેઠેલા જાવેદ મોહમ્મદ કહે છે કે દિલીપસાહબ એક મહાન કલાકાર હોવાની સાથે સાથે અમારા નાયક પણ છે. તે ભાવુક થઇને કહે છે કે 12 વર્ષથી દિલીપસાહબના ઘરને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવાની વાત થઈ રહી છે પણ કામ શરૂ થયું નથી. હવે સરકાર તેમની અંતિમ ઈચ્છા પૂરી કરે. આ જ દિલીપસાહેબને અમારી સાચી શ્રદ્ધાંજલિ હશે. સાંસ્કૃતિક વારસા પરિષદ અનેક વર્ષથી પેશાવરમાં 11 ડિસેમ્બરે દિલીપકુમારનો જન્મદિવસ ઉજવે છે. સંગઠનના સચિવ શકીદ વહીદુલ્લાહ ખાન કહે છે કે દિલીપસાહબે પેશાવરના લોકો માટે મુંબઈમાં એક બંગલો ખરીદયો અને તેનું નામ પેશાવર હાઉસ રાખ્યું. આજે તેમના નિધનથી પેશાવર અનાથ થઈ ગયું છે.

પીએમ મોદીની સાથે ઈમરાનની પણ શ્રદ્ધાંજલિ

  • દિલીપકુમારજી લેજન્ડ તરીકે યાદ રહેશે. તેમને અદ્વિતીય પ્રતિભાના આશીર્વાદ પ્રાપ્ત હતા. તેમનું જવું આપણી સાંસ્કૃતિક દુનિયા માટે એક ક્ષતિ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. - નરેન્દ્ર મોદી, વડાપ્રધાન, ભારત
  • હું શૌકત ખાનમ મેમોરિયલ ટ્રસ્ટ હોસ્પિટલ પરિયોજનામાં દિલીપકુમારનું યોગદાન ક્યારેય નહીં ભૂલી શકું. તેમણે ત્યારે મદદ કરી જ્યારે અમારા માટે 10 ટકા ફંડ એકઠું કરવું પણ મુશ્કેલ હતું. - ઈમરાન ખાન, વડાપ્રધાન, પાકિસ્તાન
  • એક સંસ્થાન જતું રહ્યું. હિન્દી સિનેમાનો ઈતિહાસ જ્યારે પણ લખાશે તો હંમેશા દિલીપકુમારથી પહેલા અને તેમના પછી કહેવાશે. એક યુગ પર પરદો પડ્યો. ફરીવાર ક્યારેય ન થવા માટે. - અમિતાભ બચ્ચન, અભિનેતા