ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભાગલા પછી પાકિસ્તાનમાં કોઇ મંદિર નથી બન્યું, જૂનાં મંદિરો પર માફિયાઓએ કબજો જમાવી લીધો

પેશાવર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઐતિહાસિક મંદિરો ખંડેર બની ગયાં, જાળવણી અને જીર્ણોદ્ધાર માટે સરકાર મદદ પણ નથી કરતી

પાકિસ્તાનની કુલ વસતીમાં અંદાજે 2.5% (75 લાખ) હિન્દુ છે. આટલી બધી વસતી છતાં ભાગલાના 74 વર્ષ પછી પણ પાક.માં કોઇ મંદિર નથી બન્યું. દેશમાં હિન્દુઓ અને શીખોના ધર્મસ્થળોની જાળવણીની જવાબદારી સંભાળતા ઇવૅક્યૂઇ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના અધિકારી તારિક વજીરે જણાવ્યું કે આઝાદી બાદ દેશમાં એકેય મંદિર નથી બન્યું.

286 મંદિર કોર્ટ કેસોના કારણે બંધ થઇ ગયા. સ્થિતિ એ છે કે 2 હજાર વર્ષ પ્રાચીન ઐતિહાસિક મંદિર સહિત મોટાભાગનાં મંદિરો પર ભૂમાફિયાઓએ કબજો જમાવી લીધો છે. પાક.માં સૌથી વધુ 275 મંદિર પંજાબમાં છે જ્યારે હિન્દુઓની સૌથી વધુ વસતી ધરાવતા સિંધમાં 53, ખૈબર પખ્તૂનખ્વામાં 25 અને બલૂચિસ્તાનમાં 12 મંદિર છે.

ગોરખનાથ મંદિર: 64 વર્ષ બાદ ખૂલ્યું, રાષ્ટ્રીય ધરોહર છે પણ જાળવણી નહીં
પેશાવરના ગોરઘત્રી વિસ્તારમાં સ્થિત નાથ સંપ્રદાયનું ગોરખનાથ મંદિર 19મી સદીમાં બન્યું. ભાગલા વખતે થયેલા રમખાણો બાદ બંધ કરી દેવાયું. લાંબી કાનૂની લડાઇ બાદ પેશાવર હાઇકોર્ટના આદેશાનુસાર 2011માં ફરી ખોલાયું. પુરાતત્વ વિભાગે મંદિરને રાષ્ટ્રીય ધરોહર તો જાહેર કરી દીધી પણ તેની જાળવણી માટે કંઇ નથી કર્યું.

પંજ તીરથ: હજારો વર્ષ પ્રાચીન મંદિરની જમીન પર પાર્ક બની ગયો

પેશાવરનું સૌથી પ્રાચીન મંદિર પંજ તીરથ 2019માં રાષ્ટ્રીય ધરોહર જાહેર થયું અને તેને પૂજાપાઠ માટે ખોલવાની જાહેરાત થઇ પણ તેવું થઇ ન શક્યું. મહાભારત સહિતના ધર્મગ્રંથોમાં પણ પંજ તીરથનો ઉલ્લેખ છે. મંદિર પરિસરમાં પાંડવોના નામે પાંચ કુંડ હતા. જોકે, હવે ખંડેર બચ્યું છે. મંદિરના મોટા હિસ્સા પર પાર્ક બની ચૂક્યો છે.​​​​​​​