લિયોનલ મેસ્સી...વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર એથ્લેટ. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર મેસ્સીએ ગયા વર્ષે 130 મિલિયન ડોલર એટલે કે લગભગ 1000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેમાંથી લગભગ 612 કરોડ રૂપિયા રમતગમત દ્વારા અને બાકીના 449 કરોડ રૂપિયા બ્રાન્ડ પ્રમોશન દ્વારા કમાયા હતા. મેસ્સીની વર્તમાન સંપત્તિ 4800 કરોડ રૂપિયા છે. મેસ્સી હાલમાં Byju’sનો વૈશ્વિક ચહેરો બનવાથી ચર્ચામાં છે. મેસ્સીએ સાત વખત ફૂટબોલમાં સૌથી પ્રતિષ્ઠિત Ballon d’Or એવોર્ડ જીત્યો છે.
આજે લક્ઝરી લાઈફમાં જાણીએ ફૂટબોલના જાદુગર લિયોનલ મેસ્સીની વૈભવી લાઈફ વિશે…
બાર્સેલોનામાં નો ફ્લાય ઝોન સાથેનો લક્ઝરી બંગલો
એક સમયે બાર્સેલોના ક્લબ માટે રમી ચૂકેલા મેસ્સીનો બાર્સેલોનામાં જ આલીશાન બંગલો છે. બંગલો દરિયા કિનારે છે અને તેની અંદાજે કિંમત 519 કરોડ છે. આ બંગલા સાથે જોડાયેલી બે બાબતો ખૂબ જ રસપ્રદ છે. પ્રથમ- આ બંગલામાં પ્રેક્ટિસ કરવા માટે ફૂટબોલનું મેદાન છે. બીજું- આ બંગલાની ઉપરથી ફ્લાઇટ પસાર થવા પર પ્રતિબંધ છે, એટલે કે આ બંગલો નો ફ્લાય ઝોનમાં છે.
10 નંબરની જર્સી પહેરે છે, જેટ પર પણ 10 નંબર
મેસ્સી પાસે કસ્ટમાઈઝ્ડ પ્રાઈવેટ જેટ પણ છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે મેસ્સીના જેટની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે. પ્રાઈવેટ જેટના ટેલ પર મેસ્સીનો જર્સી નંબર 10 પણ લખાયેલ છે. તેમાં એક કિચન, બે બાથરૂમ અને 16 લોકો માટે બેઠક વ્યવસ્થા છે.
10 નંબરની જર્સી મેળવવામાં 11 વર્ષ લાગ્યાં
ફૂટબોલમાં, જર્સી નંબર પ્રતિષ્ઠા સાથે સંકળાયેલ છે. બાર્સેલોનામાં જોડાયા બાદ મેસ્સી 30 નંબરની જર્સી પહેરતો હતો. મેસ્સીએ સિનિયર ખેલાડી તરીકે તેની કારકિર્દીનો પ્રથમ ગોલ આ જર્સીથી થયો હતો. બાદમાં, ટીમમાં નિયમિત બન્યા પછી, તેણે 19 નંબરની જર્સી પહેરવાનું શરૂ કર્યું. 24 જુલાઈ 2008ના રોજ મેસ્સીએ સ્કોટિશ ક્લબ હિબરનિયન સામેની મેચમાં પ્રથમ વખત 10 નંબરની જર્સી પહેરી હતી. અગાઉ બાર્સેલોનામાં મહાન ખેલાડી રોનાલ્ડીન્હો આ જર્સી પહેરતો હતો.
લક્ઝરી કંપનીઓથી વૈભવી કારોનું કલેક્શન
ફૂટબોલનો જાદુગર ઝડપનો પણ શોખીન છે. તેની પાસે ફાસ્ટ મૂવિંગ કારનો મોટો સંગ્રહ છે. આ સંગ્રહમાં મેસ્સીનો ફેવરિટ છે Masserati GranTurismo, ભારતમાં આ કારની વર્તમાન કિંમત 2.50 કરોડ રૂપિયાની આસપાસ છે. આ સિવાય મેસ્સી પાસે Pagani Zonda, Ferrari F43 Spider, Range Rover અને Audi જેવી લક્ઝરી બ્રાન્ડની કાર પણ છે.
માત્ર મેચ અને બ્રાન્ડ જ નહીં.... હોટેલ ચેઈન પણ કમાણીનો સ્ત્રોત છે
ફૂટબોલ રમવા અને જાહેરાતોમાં અભિનય કરવા ઉપરાંત, મેસ્સી એક હોટેલ ચેઈન MIMનો પણ માલિક છે. તેની આ હોટેલ, તેમનું ઘર અને તે સમુદ્રથી થોડે જ દૂર છે. આ હોટલનું નામ MiM Sitges છે. તેમાં કુલ 77 રૂમ છે. MIM નામ હેઠળ મેસીની આવી જ ઘણી હોટલો અલગ-અલગ શહેરોમાં પણ છે.
પરિવાર સમગ્ર મેનેજમેન્ટ સંભાળે છે
બાળપણમાં મેસ્સીની ઊંચાઈ એવરેજથી ઓછી હતી. હોર્મોન્સ શારીરિક વિકાસમાં અવરોધરૂપ હતાં. જેથી તેની સારવારનો તમામ ખર્ચ બાર્સેલોના ક્લબે પોતે જ ઉપાડ્યો. શરૂઆતમાં તેને દરરોજ પગમાં ઈન્જેક્શન લેવાં પડતાં હતાં. પરિવારમાં મેસ્સી તેની માતાની ખૂબ નજીક રહ્યો છે. તેણે તેના ડાબા ખભા પર તેની માતાના ચહેરાનું ટેટૂ કરાવ્યું છે. મેસ્સીનો આખો પરિવાર મળીને તેનું મેનેજમેન્ટ સંભાળે છે. મેસ્સી જ્યારે 14 વર્ષનો હતો, ત્યારથી તેના પિતા જ્યોર્જ તેના એજન્ટ છે. મોટા ભાઈ રોડ્રિગો મેસ્સીના રોજિંદું શિડ્યુલ અને પ્રચારનું ધ્યાન રાખે છે. માતા અને અન્ય બીજો ભાઈ મૈટિએસ, મેસ્સીના ચેરિટેબલ ફાઉન્ડેશન ધ લીઓ મેસ્સી ફાઉન્ડેશનના કામની દેખરેખ રાખે છે.
મેચના 10 દિવસ પહેલાં ડાયટમાં ફેરફાર કરે છે
મેસ્સી મેચના 10 દિવસ પહેલાં પોતાનો ડાયટ પ્લાન બદલી નાખે છે. તેઓ કાર્બોહાઇડ્રેટનું સેવન ઘટાડે છે અને પ્રોટીનનું સેવન વધારે છે. દિવસમાં ત્રણ પ્રોટીન શેક લે છે અને ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવે છે. મેચના પાંચ દિવસ પહેલાં દરેક ભોજન પહેલાં વેજિટેબલ સૂપ લે છે. મેચના એક દિવસ પહેલાં ફિશ, ચિકન, પ્રોન, બટેટા, લીલાં શાકભાજી અને નારંગી ખાવામાં લે છે. મેસ્સી મેચના 6 કલાક પહેલા ઈંડાની સફેદી, પ્રોટીન અને કાર્બ્સ લે છે. મેચના દોઢ કલાક પહેલાં કેળા, કેરી અને સફરજન ખાય છે.
મેસ્સી ઊર્જા બચાવવા માટે મેદાનમાં દોડે ઓછું અને ચાલે વધુ છે
વિશ્વના સફળ ફૂટબોલ ખેલાડીઓમાંના એક મેસ્સીને ઘણા પ્રસંગોએ ધીમો ખેલાડી કહેવામાં આવે છે. 2014માં ફિફા વર્લ્ડ કપ દરમિયાન પત્રકારોએ કહ્યું હતું કે માત્ર મેસ્સી જ અન્ય ખેલાડીઓ કરતાં ઓછું દોડીને મેચ જીતી શકે છે. એક કોમેન્ટેટરે કહ્યું કે મેસ્સી એક મશીનની જેમ યોગ્ય ક્ષણો માટે પોતાની ઊર્જા બચાવીને રાખે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.