લંડનના ગુજરાતી બહુમતી વિસ્તાર ક્વીન્સબેરીમાં રહેતા સૂર્યકાંત જાદવાએ જણાવ્યું હતું કે ક્રિસમસનો તહેવાર સામે હોય અને લંડનના રસ્તાઓ બંધ હોય, બજારો સૂમસામ હોય, જાણે જીવન જ થંભી ગયું હોય. આવું લંડનવાસીઓએ કે યુ.કે.એ ક્યારેય જોયું નથી. હું અત્યારે લંડનના ક્વીન્સબેરી વિસ્તારમાં છું. બધું બંધ. જો કોઇક કારણસર લોકો એકબીજાને મળે તોપણ દૂરથી અભિવાદન કરે છે. કોણી જ હાલમાં તેમના હાથ છે. લંડનના લોકો આ ત્રીજું લૉકડાઉન જોઇ રહ્યા છે. આ વખતે ડર તો છે જ, પણ એક વર્ષથી સતત કોરોના સામે લડવાને કારણે ગભરામણ ઓછી અને સાવચેતી વધારે છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે છે. નોકરી માટે બહાર નીકળી શકાય છે.
બસમાં અડધા જ મુસાફરો બેસાડાય છે
જોકે દરેક રેલવે સ્ટેશને, ટ્રામ સ્ટેશને પોલીસ જોવા મળે છે. નોકરી પર જતા લોકો માટે બસ, ટ્રેન જેવી સુવિધાઓ ચાલુ છે. બસમાં ક્ષમતાથી અડધા મુસાફરોને જ બેસાડવામાં આવે છે. જો કોઇ વ્યક્તિ પર શંકા જાય તો તે લોકો પાસે બહાર નીકળવાનું કારણ અને ઓળખપત્ર પણ માગે છે. રેસ્ટોરાંમાં ટેક-અવે ચાલુ છે. નાતાલ વખતે જે બજારો લોકોથી ઊભરાતાં હતા એ અત્યારે સૂમસામ છે. કેટલાકનું માનવું છે કે સ્કૂલો ખોલવામાં ઉતાવળ થઇ ગઇ કહેવાય. લોકો એકબીજાને નાતાલની શુભેચ્છાઓ આપવા પણ નથી જઇ શકતા. નજીકનાં સગાં હોય તો એક-એક જણ જઇ મળી આવે છે. નથી ક્યાંય જઇ શકાતું કે કોઇ નથી આવી શકતું.
કોરોનાના નવા સ્ટ્રેનની ગુજરાતીઓ પર અસર પડી
બ્રિટનમાં મળી આવેલા કોરોના વાઇરસના નવા સ્ટ્રેનને કારણે આખી દુનિયામાં દહેશત ફેલાઈ છે. કોવિડ-19ના વાઇરસની સરખામણીમાં એનો આ નવો સ્ટ્રેન 70 ટકા વધુ જોખમી છે, આને કારણે આખું વિશ્વ ચિંતિત છે, જેની અસર બ્રિટનમાં રહેતા ગુજરાતીઓ પર પણ પડી છે. જોકે અહીં રહેતા ગુજરાતી કે ભારતીયોને એક બાબતની નિરાંત છે, કારણ કે લોકો એકબીજા સાથે સતત સંપર્કમાં રહે છે. ખબર-અંતર પૂછે છે. કોઇ જરૂર હોય તો મદદે પહોંચી જાય છે. લિસ્ટર, બ્રેન્ટ, હેરો, બાર્નેટ, પ્રેસ્ટન, માન્ચેસ્ટર સહિત ઘણાં સ્થળોએ મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે. એક સર્વે મુજબ, શાળાના વિદ્યાર્થીઓમાં ચોથા નંબરની સૌથી વધુ બોલાતી ભાષા ગુજરાતી છે. બ્રેન્ટના વેમ્બલીમાં લિસ્ટરની સરખામણીએ ગુજરાતીઓની સંખ્યા ઓછી છે, પણ એકસાથે રહેતા હોવાથી અને બજારમાં ગુજરાતીઓના દબદબાને કારણે વેમ્બલી મિની ગુજરાત તરીકે ઓળખાય છે. વેમ્બલીમાં 40 ટકા આસપાસ લોકો ગુજરાતી લોકો બોલનારા છે. 1972માં ઇદી અમીનની સરમુખત્યારીનો ભોગ બનેલા ઘણા ગુજરાતી પરિવારો યુ.કે.માં સેટલ થયેલા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.