વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' કરતાં 9 ગણો મોટો એક ઉલ્કાપિંડ પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થવા જઈ રહ્યો છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા (NASA)ના જણાવ્યા પ્રમાણે, 21 માર્ચ (રવિવારે) આ ઉલ્કાપિંડ ધરતીની ખૂબ જ નજીકથી પસાર થશે. આ સાથે એજન્સીએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે આ ઉલ્કાપિંડથી પૃથ્વીને કોઈ જ જોખમ નથી.
આમ છતાં NASAએ એને સંભવિત જોખમવાળો ઉલ્કાપિંડ તરીકે પણ ગણાવ્યો છે. આ ઉલ્કાપિંડની શોધ વર્ષ 2001માં કરવામાં આવી હતી. આ ઉલ્ડાપિંડ પૃથ્વીથી આશરે 12 લાખ કિલોમીટર દૂરથી પસાર થશે.
21 માર્ચના રોજ એ પૃથ્વીની સૌથી નજીક હશે
લાઈવ સાયન્સના એક અહેવાલ પ્રમાણે, આ ઉલ્કાપિંડ આશરે 0.8થી 1.7 કિલોમીટર વ્યાસ ધરાવે છે. એ પૃથ્વીથી આશરે 12 લાખ કિલોમીટર અંતરથી પસાર થશે. અલબત્ત, અવકાશી દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ અંતર ઘણું નજીક માનવામાં આવે છે. આ અંતર ચંદ્ર અને પૃથ્વી વચ્ચે રહેલા અંતર કરતાં 5 ગણું છે. એ પ્રતિ કલાક 1,24,000 કિ.મી ઝડપથી પસાર થશે. NASAના મતે 500 મીટરથી વધારે કદ ધરાવતા અને પૃથ્વીથી 75 લાખ કિલોમીટરથી ઓછા અંતરથી પસાર થતા એસ્ટેરોયડ આપણી પૃથ્વી પર જીવન માટે જોખમની સંભાવના ધરાવે છે.
અપર્ચર દૂરબીનથી જોઈ શકાશે
આ ઉલ્કાપિંડને 8 ઈંચના અપર્ચર ક્ષમતાવાળા દૂરબીનથી જોઈ શકાશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, એ દક્ષિણ ક્ષિતિજ પર સૂર્યાસ્ત બાદ દેખાશે. સૂર્યની પરિક્રમા કરતાં આ પ્રકારના ઉલ્કાપિંડ સામાન્ય રીતે આપણા સૌરમંડળમાં મંગળ અને બુધગૃહ વચ્ચે જોવા મળે છે. કેટલાક એસ્ટેરોયડ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેથી પણ નીકળી જાય છે.
આગામી 100 વર્ષ સુધી પૃથ્વીને કોઈ જ જોખમ નથી
વૈજ્ઞાનિકોના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઉલ્કાપિંડને લીધે ઓછામાં ઓછાં 100 વર્ષ સુધી પૃથ્વીને કોઈ જ જોખમ નથી. વર્ષ 2185માં એસ્ટેરોયડ 410777 પૃથ્વી માટે જોખમ બની શકે છે, જોકે એની સંભાવના પણ 714 પૈકી એક છે. છેલ્લા 6.6 કરોડમાં એવો કોઈ પિંડ પૃથ્વી સાથે અથડાયો નથી કે જે માનવજીવન માટે મુશ્કેલીનું સર્જન કરી શકે.
બ્રિટનમાં ઉલ્કાપિંડનો એક વીડિયો સામે આવ્યો
ગત 28 ફેબ્રુઆરીના રોજ બ્રિટનમાં પડેલા ઉલ્કાપિંડનો એક વીડિયો સામે આવ્યો છે. વૈજ્ઞાનિકોએ આશરે 300 ગ્રામનો આ ઉલ્કાપિંડને વિંચકોમ્બે વિસ્તારમાંથી મેળવ્યો હતો. તે કાર્બનમય કોન્ડ્રાઈટથી બનેલો છે. આ પદાર્થ સૌર વ્યવસ્થાનો સૌથી પ્રાચીન અને પ્રારંભિક પદાર્થ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.