સરહદ વિવાદ:નેપાળ ઉપગ્રહથી વસતીગણતરી કરશે, ભારતે કહ્યું - હદ ન વટાવશો

કાઠમંડુ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતના લિપુલેખ, લિંપિયાધુરા પર નેપાળ દાવો કરે છે

નેપાળમાં ગુરુવારથી 12મી વસતીગણતરી શરૂ થઇ. આ વસતીગણતરી કાર્યક્રમે ભારત સાથેના સરહદી વિવાદને ફરી ચર્ચામાં લાવી દીધો છે. ખરેખર નેપાળ ભારતીય ક્ષેત્ર લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા ક્ષેત્ર પર દાવો કરે છે. આ ક્ષેત્રો પર ભારતનો કાયદો લાગુ પડે છે.

નેપાળના સેન્ટ્રલ સ્ટેટિક્સ બ્યૂરો(સીએસબી)ના મહાનિર્દેશક નેબિન લાલ શ્રેષ્ઠ કહે છે કે અમે દેશના સત્તાવાર મેપમાં સામેલ તમામ જગ્યાઓની વસતીગણતરી કરીશું. જો ભારત સરકાર મંજૂરી આપશે તો અમે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા ક્ષેત્રનાં દરેક ઘરનો ડેટા એકત્રિત કરીશું.

શ્રેષ્ઠ કહે છે કે મંજૂરી નહીં મળે તો અમારી પાસે અનેક અન્ય વિકલ્પો ઉપલબ્ધ છે. સેટેલાઈટ મેપનો ઉપયોગ કરીશું. તેની મદદથી અમે ક્ષેત્રમાં હાજર ઘરો અને તેમાં રહેતા સભ્યોની સંખ્યાનું અનુમાન લગાવીશું. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નેપાળ તરફથી ભારતીય ક્ષેત્રમાં વસતીગણતરીના કોઈ પણ પ્રયાસને સાંખી નહીં લેવાય. નેપાળ તેની હદ ન વટાવે.

વસતીગણતરી અધિકારી પ્રશ્નાવલી ભરવા માટે દરેક ઘરની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મેમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે લિપુલેખથી થઈને જતા કૈલાસ માનસરોવર રોડ લિન્કનું ઉદઘાટન કર્યું તો નેપાળે તેની સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેના પછી નેપાળના તત્કાલીન વડાપ્રધાન કે.પી.ઓલીએ આ ક્ષેત્રને નેપાળનો હિસ્સો ગણાવતા નવો નકશો જાહેર કર્યો હતો.

આ નકશાને માન્યતા આપવા માટે બંધારણમાં સુધારો કર્યો હતો. બંને પક્ષ પોતાના દાવાના સમર્થનમાં ઐતિહાસિક ગ્રંથો તથા દસ્તાવેજોનો હવાલો આપે છે. દિવ્ય ભાસ્કરે નેપાળના સત્તારુઢ ગઠબંધન અને વિપક્ષ સહિત રાજકીય પક્ષોના આ મુદ્દે વલણને જાણવા પ્રયાસ કર્યો તો તેમણે ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.

પૂર્વ વિદેશમંત્રી અને વિપક્ષના પ્રવક્તા યુએમએલ પ્રદીપ ગ્યાવલીએ કહ્યું કે સરકારે આ ક્ષેત્રમાં પૂર્ણ વસતીગણતરી કરવા માટે ભારત સરકાર સાથે સમન્વય કરવાની જરૂર હતી. આ મુદ્દાએ હવે આકાર પામવાની જરૂર નહોતી. અમે ભારતને આ મુદ્દે વાતચીત કરવા આગ્રહ કર્યો પણ એવું કરવાથી તે ખચકાઈ રહ્યા છે.

5 ગામડાંમાં લગભગ 800 લોકો આ ક્ષેત્રોમાં રહે છે
નેપાળ સીએસબીના સૂચના અધિકારી તીર્થ ચુલાગાઈ અનુસાર લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા ક્ષેત્રમાં વસતીગણતરી માટે ભારત સરકાર પાસે મંજૂરી માગી છે. આ ક્ષેત્રોમાં 5 ગામમાં લગભગ 800 લોકો રહે છે. આ ગામનાં ઘરોની વસતીગણતરી માટે ચિહનીત કરાયાં છે. નેપાળમાં દર 10 વર્ષે વસતીગણતરી શરૂ કરવામાં આવે છે. આ 12મી વસતીગણતરી છે.

ભારતે 2019ના તેના નકશામાં પોતાના ક્ષેત્ર ગણાવ્યાં હતાં
ભારતે નવેમ્બર 2019માં તેના સત્તાવાર રાજકીય નકશામાં આ ક્ષેત્રોને પોતાના વિસ્તાર ગણાવ્યા હતા. ભારત આ ક્ષેત્રો પર પોતાનો અધિકાર બતાવે છે. આ ક્ષેત્રોના એક ગામ નાબીના પ્રધાન સનમ નાબિયાલ કહે છે કે વસતીગણતરીમાં સામેલ કરવું નેપાળની રાજકીય ચાલ છે. આ વિસ્તાર ભારતનો હિસ્સો છે. નેપાળને આ ક્ષેત્રોને પોતાની બતાવી વસતીગણતરી કરવાનો કોઈ અધિકાર નથી.

અન્ય સમાચારો પણ છે...