અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો સકંજો મજબૂત બની રહ્યો છે. આ વચ્ચે દુનિયામાં સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ તાલિબાનથી ડરી ગયું હોય એવું લાગી રહ્યું છે. અમેરિકાએ એવું અનુમાન લગાવ્યું હતું કે તાલિબાનની રાજધાની કાબુલ પર કબજો કરવામાં 90 દિવસનો સમય લાગશે. આટલા દિવસોમાં અમેરિકા પોતાના નાગરિકો અને અધિકારીઓને દેશમાંથી બહાર કરી લેશે. જોકે અમેરિકાની આ ધારણા ખોટી પડી છે.
તાલિબાની યોદ્ધાઓ અત્યારસુધીમાં 11 પ્રાંત પર કબજો કર્યા બાદ રાજધાની કાબુલથી લગભગ 150 કિલોમીટર દૂર જ છે. આ વચ્ચે અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક અફઘાનિસ્તાન છોડવાનું કહ્યું છે. ભારતે પણ પોતાના નાગરિકોને કહ્યું છે કે તેઓ તાત્કાલિક અફઘાનિસ્તાન છોડી દે. ભારતે પોતાના તમામ નાગરિકોને કહ્યું છે કે તેઓ તાત્કાલિક ધોરણે અફઘાનિસ્તાન છોડવાની તૈયારી કરે. જે માટે એમ્બેસીની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી લે.
એમ્બેસી મુજબ, ભારતે અફઘાનિસ્તાનના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, પરંતુ અમેરિકી સેના પરત જતાં અહીંની સ્થિતિ રોજબરોજ બગડી રહી છે. હાલમાં જ ભારતીય પત્રકાર દાનિશ સિદ્દિકીની હત્યા કરી દેવાઈ હતી. એમ્બેસીએ ભારતીય પત્રકારોને વિશેષ રીતે સતર્ક રહેવાનું કહ્યું છે.
અમેરિકી દૂત જાલ્મય ખલીલઝાદના નેતૃત્વમાં થઈ રહી છે વાતચીત
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અમેરિકી વાટાઘાટ કરનારાઓએ તાલિબાન સમક્ષ અરજી કરી છે કે જો તેઓ રાજધાની કાબુલ પર કબજો જમાવી લે છે તો તેઓ તેમની એમ્બેસી પર હુમલો નહીં કરે, સાથે જ તેમના નાગરિકો અને એમ્બેસીના અધિકારીઓને પણ કોઈ જ નુકસાન નહીં પહોંચાડે. તાલિબાનની સાથે મુખ્ય અમેરિકી દૂત જાલ્મય ખલીલઝાદના નેતૃત્વમાં વાતચીત ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, અમેરિકા અફઘાનિસ્તાનમાં આવનારી સરકાર (જે તાલિબાનની જ હશે)ને આર્થિક સહયોગ લટકાવવાની ધમકી આપીને પોતાના લોકો સુરક્ષિત રહેશે એવું પાક્કું કરાવવા માગે છે.
કતરમાં ચાલી રહેલી વાતચીતમાં અફઘાન સરકારના વાટાઘાટ કરનારાઓએ તાલિબાનને દેશમાં લડાઈ ખતમ કરવાના બદલામાં સત્તાની વહેંચણી કરવાની રજૂઆત કરી છે.
અમેરિકાએ કહ્યું- એમ્બેસીના 5400 કર્મચારી અફઘાનિસ્તાનમાં જ રહેશે
રાષ્ટ્રપતિ જો બાઈડનના અધિકારીઓને ભાર આપીને કહ્યું હતું કે કાબુલ એમ્બેસીમાં તેમના લગભગ 5400 કર્મચારી છે, જેમાંથી 1400 અમેરિકી છે, જેમને અફઘાનિસ્તાનમાંથી નહીં હટાવવામાં આવે. વિદેશ વિભાગ દ્વારા જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'અમે અફઘાનિસ્તાનમાંથી અમારી સેના પરત ખેંચી રહ્યા છીએ, પરંતુ અમે અફઘાનિસ્તાનમાંથી હટી નથી રહ્યા. સંયુક્ત રાજ્ય અમેરિકા અફઘાનિસ્તાનની સાથે મજબૂત રાજનીકિત સંબંધ બનાવવા માગે છે.'
તાલિબાનને પોતાની માન્યતાનો ડર
તાલિબાન નેતૃત્વ ઈચ્છે છે કે અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ તેને વિશ્વભરના દેશ માન્યતા આપે. જોકે તેમની નજર વિશ્વના શક્તિશાળી દેશ અમેરિકા, ચીન અને રશિયા તરફ વધુ છે. તાલિબાન નેતૃત્વ ઈચ્છે છે કે તેમને આ દેશમાંથી આર્થિક મદદ મળે, જેથી તેઓ પોતાને અફઘાનિસ્તાનના શાસક તરીકે સ્થાપિત કરી શકે. આ એ દેશોના સહયોગની પણ માગ કરી ચૂક્યા છે.
ખલીલજાદના પ્રયાસોને પણ આ માગનો જ એક ભાગ માનવામાં આવે છે. કુલ મળીને અફઘાનિસ્તાનમાં બનનારી નવી સરકારના ભવિષ્ય આ અમીર દેશોની શરતો પર જ તૈયાર થશે. જર્મની જેવા દેશોએ તાલિબાનને પહેલાં પણ ચેતવણી આપી છે કે જો તેઓ અફઘાનિસ્તાનમાં કઠોર ઈસ્લામી કાયદાની સાથે શાસન કરે છે તો બર્લિન તેમને કોઈપણ પ્રકારની સહાય નહીં આપે.
ભારતે પણ એડવાયઝરી જાહેર કરી
આ વચ્ચે ભારતે પણ અફઘાનિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકો માટે સિક્યોરિટી એડવાયઝરી જાહેર કરી છે. આ ત્રીજી એડવાયઝરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે અમે આશા કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે યુદ્ધવિરામ થશે. અમે અફઘાનિસ્તાનમાં તમામ પ્રકારની શાંતિનું સમર્થન કરીએ છીએ. અમારી પ્રાથમિક ચિંતા એ દેશમાં શાંતિ અને સ્થિરતા છે. તેમણે કહ્યું હતું કે તાલિબાનની સાથે ચર્ચા (પ્રશ્ન) પર અમે તમામ હિતધારકો, વિભિન્ન હિતધારકોના સંપર્કમાં છીએ.
ભારત પોતાની એમ્બેસી બંધ નહીં કરે
તેમણે કહ્યું હતું કે ગત વર્ષે કાબુલમાં અમારા મિશનમાં અફઘાનિસ્તાનમાં હિંદુ અને શીખ સમુદાયના 383થી વધુ સભ્યોને ભારત પરત લાવવામાં મદદ કરી હતી. કાબુલમાં અમારું મિશન અફઘાન હિંદુ અને શીખ સમુદાયના સભ્યો સાથે સંપર્કમાં છે અને અમે તેમને તમામ પ્રકારની જરૂરી સહાય આપવાનું સુનિશ્ચિત કરીશું. અફઘાનિસ્તાનમાં કેટલા ભારતીય છે એ સવાલ પર અરિંદમ બાગચીએ કહ્યું હતું કે અમારી પાસે નંબર નથી, પરંતુ અમે તમામને પરત ફરવાની સલાહ આપીશું, સાથે જ એમ પણ કહ્યું હતું કે કાબુલ એમ્બેસીને બંધ કરવામાં નહીં આવે.
તાલિબાન દ્વારા પકડવામાં આવેલા હેલિકોપ્ટર અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે કુંદુઝમાં હેલિકોપ્ટર અંગે વાત થઈ છે, જેને છોડી દેવામાં આવ્યું છે. આ અફઘાનિસ્તાનો આંતરિક મામલો છે, કેમ કે આ ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર નથી. આ એક અફઘાન હેલિકોપ્ટર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.