નેપાળમાં 20 નવેમ્બરે ચૂંટણી:નેપાળમાં રાષ્ટ્રવાદી નક્શેબાજી, ઓલી ભારતીય ક્ષેત્રોના મુદ્દા ઊઠાવી રહ્યા છે

કાઠમંડુ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ પીએમ ઓલીની સ્વિંગ વૉટરોને સાધવાની વ્યૂહરચના

નેપાળમાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે. રાજકારણ પણ ગરમાયું છે. મુખ્ય મુકાબલો સત્તારુઢ નેપાળી કોંગ્રેસના વડા અને વર્તમાન વડાપ્રધાન શેર બહાદુર દેઉબા તથા પૂર્વ વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીની નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે છે. પડકાર ફેંકનારા ઓલી રાષ્ટ્રવાદી મુદ્દાને ઉછાળી સ્વિંગ વૉટરોને પોતાની તરફેણમાં કરવા પ્રયાસ કરી રહ્યા છે.

ઓલી તેમની રેલીઓમાં ભારત-નેપાળ વચ્ચેના કાલાપાની ક્ષેત્રનો વિવાદ ઊઠાવી રહ્યા છે. તે કહે છે કે હું દેશની એક ઈંચ જમીન પણ જવા નહીં દઉં. તેમણે કહ્યું કે પીએમ બનતા જ હું ભારત સાથેના સરહદી વિવાદનો ઉકેલ લાવી દઈશ. રાજકીય જાણકારો કહે છે કે 2 વર્ષથી વધુ સત્તામાં રહેવા છતાં ઓલીએ આ વિવાદને ઉકેલવાના કોઈ પ્રયાસો નહોતા કર્યા. પીએમ તરીકે ઓલીએ વિવાદિત ક્ષેત્રોને નેપાળની સરહદમાં દર્શાવતા નવો નક્શો જાહેર કર્યો હતો.

પીએમ દેઉબા વાતચીતથી વિવાદ ઉકેલવા માગે છે
નેપાળી કોંગ્રેસના વડા અને વર્તમાન વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ કહ્યું કે ઉશ્કેરવા કે શાબ્દિક યુદ્ધની જગ્યાએ હું ભારત સાથે કૂટનીતિ અને વાતચીતના માધ્યમથી વિવાદને ઉકેલવા પ્રયાસ કરી રહ્યો છું. ત્રિભુવન યુનિવર્સિટીના પ્રો.પ્રેમ ખનલે કહ્યું કે ચૂંટણીમાં આંતરરાષ્ટ્રીય મુદ્દાને એક મોટી પાર્ટી તરફથી ઉઠાવવા તે યોગ્ય બાબત નથી. તેનાથી પાડોશી દેશો સાથે સંબંધો બગડે છે. સાથે જ દુનિયાભરમાં સારો મેસેજ જતો નથી. ચૂંટણીમાં આ પ્રકારના આંતરરાષ્ટ્રીય મુદ્દાને કોઈપણ પાર્ટી વતી ન ઊઠાવવા જોઈએ.

નવી સરકારની રચનામાં નાના પક્ષોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની શકે
નેપાળમાં નવી સરકારની રચનામાં નાના પક્ષોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બનવાના અણસાર છે. નેપાળમાં ગત અમુક દાયકાનો રાજકીય ઈતિહાસ નાના પક્ષોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે. ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી માટે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. 3 લાખ સુરક્ષાકર્મી અને એક લાખ લોકસેવક ચૂંટણી ડ્યુટી પર તહેનાત કરાયા છે. ભારતે ચૂંટણીપંચને અલગ અલગ પ્રકારના 80 નવા વાહનો આપ્યા છે.

અમેરિકા અને ચીનથી આર્થિક મદદ અંગે પણ રાજકીય પક્ષોમાં મતભેદ
નેપાળના રાજકીય પક્ષોમાં અમેરિકા અને ચીન દ્વારા આર્થિક મદદ અંગે પણ મતભેદો જોવા મળી રહ્યા છે. સત્તારુઢ નેપાળી કોંગ્રેસે અમેરિકી મિલેનિયમ ચેલેન્જ કોઓપરેશન હેઠળ 42 હજાર કરોડની આર્થિક મદદ સ્વીકારી હતી. જોકે કે.પી.શર્મા ઓલીની પાર્ટી ચીન સાથે બીઆરઆઈ કરાર પર વધુ ઉત્સુક દેખાય છે. નાના પક્ષોએ વિદેશી મદદ અંગે ચૂંટણી પ્રચારમાં તેમનું વલણ સ્પષ્ટ નથી કર્યું.

અન્ય સમાચારો પણ છે...