• Gujarati News
  • International
  • Mysterious Death Of Russia's Oil King Who Criticized Putin Over Ukraine Attack, Jumps From Sixth Floor Of Hospice, State Media Claim

ભાસ્કર વિશેષ:યુક્રેન હુમલા અંગે પુટિનની ટીકા કરનારા રશિયાના ઓઇલકિંગનું ભેદી મોત, સરકારી મીડિયાનો દાવો, હોસ્પિ.ના છઠ્ઠા માળેથી કૂદયા

મોસ્કો23 દિવસ પહેલા
  • કૉપી લિંક
રશિયન પ્રેસિડન્ટ પુટિન સાથે ખાનગી ઓઇલ કંપની લુકોઇલના ચેરમેન રાવિલ મેગાનોવ. - Divya Bhaskar
રશિયન પ્રેસિડન્ટ પુટિન સાથે ખાનગી ઓઇલ કંપની લુકોઇલના ચેરમેન રાવિલ મેગાનોવ.
  • યુક્રેન પર હુમલા બાદ રશિયામાં હાઇપ્રોફાઇલ લોકોનાં શંકાસ્પદ મોતમાં વધુ એક નામ જોડાયું

રશિયાની સરકારી ઓઇલ કંપની રોસનેફ્ટ બાદ સૌથી મોટી ખાનગી ઓઇલ કંપની લુકોઇલના ચેરમેન રાવિલ મેગાનોવનું ગુરુવારે મોત થયું હતું. રશિયાના સરકારી મીડિયા અનુસાર 67 વર્ષીય રાવિલે હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદકો માર્યો હતો.

રાવિલ મોસ્કોની સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલમાં હૃદય સંબંધિત બીમારીને કારણે રુટિન ચેકઅપ માટે દાખલ હતા. તેમણે ડિપ્રેશનની પણ ફરિયાદ કરી હતી. જોકે તે હોસ્પિટલની બારીમાંથી કેમ અને કેવી રીતે કૂદયા તે રહસ્ય છે. તપાસ એજન્સીએ હોસ્પિટલના વોર્ડની તપાસ આદરી છે. રાવિલનો વોર્ડ મુખ્ય ઇમારતમાં હતો અને ત્યાં સમારકામ ચાલી રહ્યું છે. જેને કારણે ત્યાં સીસીટીવી કેમેરા બંધ હતા.

રશિયન મીડિયા આ અનુમાન ઝડપી રીતે ફેલાવી રહ્યું છે કે મેગાનોવ ધ્રૂમપાન માટે બહાર નીકળ્યા હતા અને પોતે જ કૂદયા હતા. મોતને સ્યુસાઇડમાં દર્શાવવા માટે બારી પાસે સિગારેટનું પેકેટ મળ્યું હોવાનો પણ દાવો કરાયો છે. જોકે કોઇ સ્યુસાઇડ નોટ મળી નથી. મધ્ય મોસ્કોમાં આવેલી આ હોસ્પિટલ હાઇપ્રોફાઇલ છે. અનેક દર્દીઓ અહીં સારવાર અર્થે આવે છે. સોવિયત સંઘના અંતિમ રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચેવ પણ અહીં જ દાખલ થયા હતા. જેને કારણે અહીં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત હતો.

રાવિલના મોતને એ માટે શંકાસ્પદ મનાય છે કારણ કે તેઓ એકમાત્ર એવા ઉદ્યોગપતિ હતા જેમણે પુટિનની ટીકા કરી હતી. માર્ચમાં લુકોઇલે હુમલાને દુ:ખદ ગણાવતા યુદ્વને ખતમ કરવાની અપીલ કરી હતી. મેગાનોવ લુકોઇલમાં ઓઇલ ઓપરેટર તરીકે 1990થી જોડાયા હતા અને 2020માં ચેરમેન બન્યા. નોકરીમાં જોડાયાનાં કેટલાંક વર્ષોમાં જ તે મેનેજમેન્ટમાં સામેલ થયા હતા. તેમના કૌશલ્યથી જ લુકોઇલ નાના ઓઇલ ગ્રૂપથી દુનિયાની મોટી એનર્જી કંપની તરીકે મશહૂર થઇ હતી.

તેઓ ક્રેમલિન પ્રત્યે પ્રામાણિક મનાતા હતા, પરંતુ હુમલાની નિંદા બાદ સમીકરણો બદલાયાં હતાં. આ જ વર્ષે એપ્રિલમાં સીઇઓ અને અબજપતિ વેગિટ અલેક્પેરોવે ડાયરેક્ટર અને પ્રેસિડેન્ટ પદ છોડ્યું હતું. યુક્રેન યુદ્વને કારણે બ્રિટન દ્વારા લગાવાયેલા પ્રતિબંધના આગલા દિવસે તેમજ પુટિન સાથે સંબંધ તોડ્યાના સાત સપ્તાહ બાદ રાજીનામું આપ્યું હતું. રાવિલને રશિયન સરકાર પાસેથી ત્રણ મેડલ તેમજ ત્રણ ઓર્ડર મળી ચૂક્યા હતા.

રશિયાનું વલણ બદલાયું, યુદ્વ બાદ અનેક અબજપતિનાં શંકાસ્પદ મોત
ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલા બાદ અનેક ઉદ્યોગપતિઓનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયાં છે. એપ્રિલમાં ગેસ કંપની સર્ગેઇ પ્રોટોસેન્યાના પૂર્વ મેનેજર નોવાટેક પત્ની-પુત્રી પાસે મૃત અવસ્થામાં મળ્યાં હતાં. એપ્રિલમાં જ ખાનગી બેન્કના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ વ્લાદિસ્લાવ એવાયેવ પત્ની-પુત્રી સાથે મૃત મળ્યા હતા. મે મહિનામાં લુકોઇલના પૂર્વ સિનિયર મેનેજર એલેક્ઝાન્ડર સુબોટિનનું મોત નીપજ્યું હતું. ઓગસ્ટના મધ્યમમાં ક્રેમલિન સમર્થક પત્રકાર દરિયા દુગિનાની હત્યા તેમજ સૈન્ય ભરતી બાદ દેશનું વલણ બદલાયું છે.

અન્ય સમાચારો પણ છે...