ટાઇમ પર્સન આૅફ ધ યર:મસ્ક: મંગળ પર જવા 5 વર્ષની ડેડલાઇન રાખી, ક્લાઇમેટ ચેન્જના યોગદાનમાં નંબર-વન

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇલોન મસ્ક ઇલેક્ટ્રિક વ્હીકલ-સ્પેસ ટેક્નોલોજીને નવા મુકામ પર લઇ ગયા, 18.56 લાખ કરોડ રૂ.ની સંપત્તિ સાથે આ વર્ષ મસ્કના નામે રહ્યું...

વિશ્વના સૌથી ધનિક માણસ પાસે પોતાનું ઘર પણ નથી અને તે પોતાની સંપત્તિ વેચી રહ્યો છે. તે ઉપગ્રહોને અવકાશમાં મોકલે છે, પોતાની કંપનીએ બનાવેલી કાર ચલાવે છે, જેને કોઈ ગેસની જરૂર નથી અને ક્યારેક જ ડ્રાઈવરની જરૂર પડે છે. તેમની આંગળીઓના ઈશારે શેરમાર્કેટ અપ-ડાઉન થાય છે. તેમની દરેક વાત પાછળ તેમના ચાહકોનો બહોળો વર્ગ હોય છે. તેમની કાર કંપની ટેસ્લા ઈલેક્ટ્રિક વાહનોના એક તૃતીયાંશ બજારને નિયંત્રિત કરે છે અને તેનું મૂલ્ય એક લાખ કરોડ ડોલરથી વધુ છે.

તેમની પોતાની સંપત્તિ 244 અબજ ડોલરથી વધુ છે. રોબોટ અને સોલર, ક્રિપ્ટોકરન્સી અને ક્લાઈમેટના ખેલાડી ઇલોન મસ્ક મગજમાં ચિપ લગાવવાની પોતાની યોજના પર આગળ વધી રહ્યા છે અને ભૂમિગત વાહનવ્યવહારની જાળ ફેલાવવાની દિશામાં છે, જેથી લોકો સુપર સ્પીડથી અવરજવર કરી શકે. તેઓ વાૅલ સ્ટ્રીટને નિયંત્રિત કરે છે. મસ્કે જીવનમાં ક્યારેય પોતાના ટીકાકારોનું સાંભળ્યું નથી. 2021નુું વર્ષ ઇલોન મસ્કનું રહ્યું.

1971માં સાઉથ આફ્રિકાના પ્રિટોરિયામાં જન્મેલા મસ્કે 1995માં ભાઈ સાથે મળીને જિપ-2 કોર્પોરેશન નામની કંપની બનાવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં તેઓ 8 કંપની બનાવી ચૂક્યા છે. સ્પેસએક્સે મસ્કને લગભગ દેવાળિયા કરી દીધા હતા. તેમનું પહેલું રોકેટ ધ ફાલ્કન 2008માં ઓર્બિટમાં પહોંચતા પહેલાં 3 વખત નિષ્ફળ ગયું છે. ત્યાર બાદ કંપનીએ ફાલ્કન-9 બનાવ્યું અને પછી ફાલ્કન, જેમાં 9 એન્જિનના 3 ક્લસ્ટર હતા.

2008માં એક સમયે ટેસ્લા નાણાભીડમાં હતી. મસ્કે સ્ટાફનો પગાર કરવા સ્પેસએક્સ પાસેથી 2 કરોડ ડોલર ઉધાર લીધા હતા. બાદમાં ટેસ્લા 2010માં પબ્લિક લિસ્ટેડ કંપની થઇ પણ આ તંગી વર્ષો સુધી રહી. કંપનીનું ઉત્પાદન ઓછું હતું. સપ્લાય પૂરો કરવા એક તબક્કે તો મસ્કે ફેક્ટરીની ફર્શ પર સૂઇને ગ્રાહકોને સમયસર કાર પહોંચાડી પણ હવે મસ્ક બધે જ છે. ‘ટાઇમ’ના એડિટર ઇન ચીફ એડવર્ટ ફેલસેન્થ કહે છે કે મસ્ક માત્ર વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ તરીકે નથી ઊભર્યા પણ આપણા સમાજમાં મોટાં પરિવર્તનનું પણ સૌથી મોટું ઉદાહરણ છે. ઓક્ટોબરમાં કાર રેન્ટલ કંપની હર્ટ્ઝે જાહેરાત કરી કે તે તેના કાફલામાં 1 લાખ ટેસ્લા કાર સામેલ કરી રહી છે.

લિથિયમ આયન બેટરીની તાકાત ઓળખનાર પ્રથમ વ્યક્તિ
મસ્ક અને ટેસ્લાએ ઈવી મામલે પરિવર્તનની શરૂઆત કરી હતી. તે શરૂઆતથી જ માનતા હતા કે આધુનિક લિથિયમ-આયન બેટરી ટેક્નોલોજીથી લાંબા સમય સુધી ઈલેક્ટ્રિક વ્હિકલને આગળ લઈ જવું શક્ય થશે. ક્લાઈમેટ ચેન્જનો સામનો કરનારા ખાનગી લોકોમાં મસ્ક દુનિયામાં સૌથી આગળ છે. ટેસ્લાની ગત વર્ષે 8 લાખ કારો વેચાઈ હતી. જો આટલી જ સામાન્ય કારો હોત તો જીવનભર 40 મિલિયન મેટ્રિક ટન કાર્બન મોનોક્સાઈડનું ઉત્સર્જન થાત. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં મસ્કે કાર્બન કેપ્ચરની બેસ્ટ ટેક્નોલોજી શોધનારને 100 મિલિયન ડૉલર એટલે કે લગભગ 730 કરોડ રૂપિયા ડોનેટ કરવાની જાહેરાત કરી હતી. જોકે મસ્કના અનેક પ્રયોગોને કારણે વિવાદ પણ થયા. સોલર રુફ ટાઈલ વિવાદિત રહ્યું. 2016માં શરૂ કરેલી બોરિંગ કંપનીની ભૂમિગત ટનલ પણ ટીકાઓમાં ઘેરાયેલી રહી.

અન્ય સમાચારો પણ છે...