પાકિસ્તાનમાં મરી દુર્ઘટના:બરફવર્ષામાં ગાડીઓ જ બની 26 લોકોની કબર , મંત્રીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું- લોકો ઘરમાં જ હિમ વર્ષા કરી લે, ફરવા ના જાય

11 દિવસ પહેલા
  • ટૂરિસ્ટ સ્પોટ પર સિઝનમાં દોઢ લાખ કાર પહોંચી, પરંતુ બરફ હટાવનાર મશીન માત્ર એક જ હતું

પાકિસ્તાનના ઈસ્લામાબાદથી માત્ર 33 કિમી દૂર આવેલા હિલ સ્ટેશનમાં શુક્રવારે અને શનિવારે બરફવર્ષા થઈ હતી. અહીં પર્યટકોની અંદાજે દોઢ લાખ ગાડીઓ પહોંચી હતી. અહીં ટ્રાફિક જામ અને બરફ વર્ષાનો ઉકેલ લાવવા માટે કોઈ પ્લાન કરવામાં આવ્યો નહતો. અહીં 26 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. ઘટનાના ઘણાં કલાકો પછી પણ અહીંનો રસ્તો સાફ થયો નથી. હાલ હવે અહીં રેસ્ક્યુ માટે સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે. અહીં ભારે હિમવર્ષાના કારણે પોતાની ગાડિઓમાં ફસાયેલા લોકોને ઓક્સિજન અને ખાવા પીવાનું ના મળતા લોકોના મોત થયા છે.

મરીમાં થયેલી દુર્ઘટનામાં વડાપ્રધાન ઈમરાન ખાનની સરકાર લોકોને બચાવવામાં નિષ્ફળ રહી. લોકો કલાકો સુધી અહીં ફસાયેલા રહ્યા પરંતુ તેમને અહીંથી કાઢવાનો ના કોઈ પ્રયત્ન કરાયો અને ના ટ્રાફિક જામ વિશે કોઈ માહિતી પણ આપવામાં આવી નહતી. તે ઉપરાંત પાકિસ્તાની મંત્રી દ્વારા શરમજનક નિવેદન આપવામાં આવી રહ્યા છે.

લોકો ઘરમાં બરફવાળું સ્પ્રે કરી લે, ફરવા ના જાય
પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે, લોકોએ હિમ વર્ષાનો આનંદ લેવો જોઈએ. તેમણે બરફ સ્પ્રે કરવાનું મશીન ખરીદીને ઘરમાં જ એક બીજા પર સ્પ્રે કરી લેવુ જોઈએ. ફવાદ ચૌધરીએ કહ્યું કે, ત્યાં બહુ બધા લોકો આવી ગયા હતા જેના કારણે પ્રશાસન તેમને મદદ ના કરી શક્યું. આટલા પૈસા ખરચવા કરતા સારુ છે કે, ઘરમાં જ રહો અને બરફ સ્પ્રે કરવાનું મશિન ખરીદીને એક બીજા પર સ્પ્રે કરી લેવું જોઈએ. લોકોએ તેમની કોમનસેન્સનો ઉપયોગ કરવાની જરૂર છે.

પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરી
પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરી

આ માત્ર સરકારની બેદરકારી
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શાહિદ અબ્બાસીએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં ઈમરાન ખાન સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે અમુક હકિકતો રજૂ કરી હતી અને તેમાં તેમની દલીલ સાચી પણ લાગતી હતી. અબ્બાસીએ કહ્યું કે, મરીને તમે અંગ્રેજોના સમયનું હિલ સ્ટેશન કહો છો. અહીં દર વર્ષે બરફવર્ષા થાય છે અને દર વર્ષે લાખો ટૂરિસ્ટ આવે છે. 1997માં શહબાજ શરીફ પંજાબ રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમણે નવાઝ શરીફના કહેવાથી અહીં માટે એક પ્લાન બનાવ્યો હતો. ત્યાર સુધીની દરેક સરકારે તેનો અમલ પણ કર્યો છે. પરંતુ ઈમરાન ખાન સરકાર અને અહીંના હાલના મુખ્યમંત્રી ઉસ્માન બુજદારે આ પ્લાન કચરાના ઢગલામાં નાખી દીધો છે.

રેસ્ક્યુ કરવા પહોંચેલી પાકિસ્તાની સેના પાસે કોઈ સાધનો પણ નહતા, હાથ ખાલી હતા
રેસ્ક્યુ કરવા પહોંચેલી પાકિસ્તાની સેના પાસે કોઈ સાધનો પણ નહતા, હાથ ખાલી હતા

દર વર્ષે આટલી જ ગાડીઓ આવે છે
અબ્બાસીએ કહ્યું કે, આવું પહેલીવાર નથી થયું કે, મરીમાં દોઢ લાખ ગાડીઓ પહોંચી છે. 2015 પછીથી દર વર્ષે અહીં સરેરાશ આટલી જ ગાડીઓ આવે છે. પરંતુ આ પહેલાં કદી આવી દુર્ઘટના નથી થઈ. આનું કારણ એ છે કે, આ વખતે લોકલ એડ્મિનિસ્ટ્રેશન એલર્ટ નહતું. આ માટે રાજ્ય પાસે એક અલગ વિભાગ પણ છે. 30 સ્નો બ્લોઈંગ અથવા સ્નો રિમૂવલ મશીન અને 6 ક્રેન્સ હોય છે. સવાલ એ છે કે, શુક્રવારે અહીં આટલી તકલીફ શરૂ થઈ ત્યારે આ વિભાગના લોકો અને સરકાર શું કરતી હતી. અહીં જ્યારે પણ 2 ઈંચ બરફ થવા લાગે છે ત્યારે ક્રેન અને સ્નો રિમૂવલ મશીન કામ કરવા લાગે છે. રસ્તાઓ પર મીઠું નાખવામાં આવે છે. પરંતુ આ વખતે આવી કોઈ તૈયારી કરવામાં આવી નથી.

રેસ્ક્યુ ટીમ પર આરોપ છે કે તેમણે પહેલાં અમીર લોકોને બચાવ્યા
રેસ્ક્યુ ટીમ પર આરોપ છે કે તેમણે પહેલાં અમીર લોકોને બચાવ્યા

કારના હિટર જીવલેણ બન્યા
અબ્બાસીએ કહ્યું કે, જ્યારે હિમવર્ષા શરૂ થઈ ત્યારે લોકોએ કારના કાચ બંધ કરી દીધા અને હિટર ઓન કરી દીધા. તેના કારણે કારમાં કાર્બન મોનોક્સાઈડ શરૂ થયું અને લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો. બહાર નીકળતા તો ઠંડીના કારણે જીવ જતો. અમુક લોકોએ ગાડીમાંથી નીકળીને સુરક્ષીત સ્થાન પર જવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે પણ તેમનો જીવ ગુમાવ્યો. અહીં એક જ સ્નો બ્લોઈંગ મશિન હતું, પરંતુ તેના ડ્રાઈવરે કહ્યું કે, તે ગાડીમાં ડિઝલ નહતું. પહેલાં વૃદ્ધોએ જીવ ગુમાવ્યા અને થોડી વાર પછી બાળકોએ. તેમને બચાવવાની અહીં કોઈ વ્યવસ્થા નહતી. ઈસ્લામાબાદ યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રીના પ્રોફેસર અશરફ હૈદરે અબ્બાસીના આરોપો સાચા ગણાવ્યા છે.

ઈમરજન્સી સર્વિસનો નંબર બંધ થઈ ગયો
પાકિસ્તાનમાં ઈમરજન્સી સર્વિસ માટે ટોલ ફ્રી નંબર 1122 છે. જિયો ન્યૂઝ સાથેની વાતચીતમાં એક ટૂરિસ્ટે કહ્યું કે, અમે ઘણી વાર આ નંબર પર ફોન કર્યો, પરંતુ તે બંધ કરી દેવામાં આવ્યો હતો. મારો પરિવાર 32 કલાક કારમાં ફસાયેલો રહ્યો. બાળકોને ભૂખ લાગી હતી, ફ્યૂઅલ ખતમ થઈ ગયું હતું. તેમની સામે જ એક ગાડીમાં બે લોકોના મોત થયા. બાજુમાં જ એક હોટલ હતી, ત્યાં લાઈટ અને પાણી વગરના રૂમ માટે 25 હજાર માંગવામાં આવતા હતા. મને લાગે છે અમુક લોકો તો ભૂખના કારણે જ મરી ગયા. સેના પણ 24 કલાક પછી પહોંચી. તેમની પાસે પણ બિસ્કિટ અને પાણી સિવાય બીજુ કશુ નહતું.

અન્ય સમાચારો પણ છે...