દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો 4 કરોડથી વધુ થયો છે. એમાં અત્યારસુધીમાં 2 કરોડ 99 લાખ 35 હજાર 601 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે સંક્રમણથી અત્યારસુધીમાં 11.15 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. આ આંકડા www.worldometers.info/coronavirusના અનુસાર છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર, અમેરિકામાં 24 કલાકમાં 72,000 નવા કેસ સામે આવ્યા છે. જુલાઈ પછી આ એક દિવસમાં સંક્રમણનો સૌથી મોટો આંકડો છે. એક દિવસ અગાઉ પણ 68 હજાર કેસ મળ્યા હતા. નવા કેસો મુખ્યત્વે ફ્લોરિડા, ન્યૂ જર્સી, કેલિફોર્નિયા, કનેક્ટિકટ રાજ્યોમાં વધુ જોવા મળ્યા છે. રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી હવે માત્ર બે સપ્તાહ દૂર છે, એવામાં વધતા કેસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.
આ 10 દેશમાં કોરોનાની અસર સૌથી વધુ
દેશ | સંક્રમિત | મોત | સ્વસ્થ થયા |
અમેરિકા | 83,46,244 | 2,24,284 | 54,32,457 |
ભારત | 74,94,551 | 1,14,064 | 65,97,209 |
બ્રાઝિલ | 52,24,362 | 1,53,690 | 46,35,315 |
રશિયા | 13,99,334 | 24,187 | 10,70,576 |
સ્પેન | 9,82,723 | 33,775 | ઉપલબ્ધ નથી |
આર્જેન્ટિના | 9,79,119 | 26,107 | 7,91,174 |
કોલંબિયા | 9,52,371 | 28,803 | 8,47,467 |
ફ્રાંસ | 8,67,197 | 33,392 | 1,04,696 |
પેરુ | 8,65,549 | 33,702 | 7,74,356 |
મેક્સિકો | 8,47,108 | 86,059 | 6,15,680 |
સ્લોવાકિયાઃ ટેસ્ટિંગ નહીં થાય તો પીએમ રાજીનામું આપશે
સ્લોવાકિયાની ન્યૂઝ એજન્સી ટીએએસઆરએ જણાવ્યું હતું કે સ્લોવાકિયાના વડાપ્રધાન ઈગોર માટોવિકે દેશમાં 10 વર્ષથી વધુ વયના તમામ લોકોના ટેસ્ટિંગ કરવાની ઘોષણા કરી છે. હાલમાં સ્લોવાકિયામાં સંક્રમણના કેસોમાં વધારો થયો છે. એને જોઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
માટોવિકના મતે કોરોનાને રોકવા માટેનો આ એકમાત્ર ઉપાય છે. માટોવિકે વચન આપ્યું છે કે જો માસ ટેસ્ટિંગ નહીં થાય તો તેઓ રાજીનામું આપશે. સ્લોવાકિયામાં કોરોનાના 29835 કેસ છે અને 88 લોકોનાં મોત થયાં છે.
અમેરિકાનાં 29 રાજ્યમાં કેસ વધી રહ્યા છે
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર, અમેરિકામાં વર્મોંટ અને મિસૌરી માત્ર બે રાજ્ય છે, જ્યાં ગત એક સપ્તાહમાં સંક્રમણના મળેલા કેસોમાં 10%થી વધુ સુધારો થયો છે. આ દરમિયાન કનેક્ટિકટ, કેલિફોર્નિયા, ન્યૂ જર્સી અને ફ્લોરિડામાં 50 ટકા કે તેથી વધુ કેસ વધ્યા છે. અન્ય 27 રાજ્યમાં 10%થી 50% વચ્ચે વધ્યા.
લંડનમાં વિરોધપ્રદર્શન
બોરિસ જોહ્ન્સન સરકારે સંક્રમણને રોકવા માટે નવા પ્રતિબંધોનું એલાન કર્યું હતું. લંડનમાં તેની વિરુદ્ધ શનિવારે વિરોધપ્રદર્શન પણ શરૂ થઈ ગયાં. જોકે પોલીસના કહેવા પ્રમાણે, દેખાવકારોની સંખ્યા ઘણી ઓછી હતી અને તેમાંથી મોટા ભાગના નશામાં હતા.
સરકાર અગાઉ જ સ્પષ્ટ કરી ચૂકી છે કે યુરોપમાં બગડતી સ્થિતિને જોતાં કડકાઈ સિવાય હવે કોઈ ઉપાય બચ્યો નથી. બ્રિટનના અનેક હિસ્સામાં રાતે જ કર્ફ્યુ લગાવી દેવાયો છે. અહીં તમામ બાર, પબ અને રેસ્ટોરાં આગામી આદેશ સુધી બંધ કરી દેવાયાં છે.
યુરોપિયન દેશોમાં દહેશત
યુરોપિયન દેશોમાં સંક્રમણની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. ફ્રાંસમાં તો પરેશાની અત્યંત વધુ છે. અહીં ત્રણ સપ્તાહમાં લગભગ ચાર લાખ નવા સંક્રમિત મળ્યા છે. સ્થિતિ એ છે કે હોસ્પિટલોમાં 70 ટકા આઈસીયુ ફુલ છે. પ્રથમવાર જોવા મળ્યું છે કે યુવાનો પણ વાઇરસની ઝપટમાં આવી રહ્યા છે.
પેરિસ સહિત દેશનાં 9 મોટાં શહેરમાં રાતને જ કર્ફ્યુ લગાવી દેવાયો છે. ચેક રિપબ્લિક, બેલ્જિયમ, જર્મની, ઈટાલી અને નેધરલેન્ડ્સમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. ઈટલી સરકારે સ્પષ્ટ કર્યું છે કે સ્થિતિને કાબૂમાં લેવા માટે દરેક પ્રકારના ઉપાય કરવામાં આવશે. સરકારે લોકોનો પણ સહયોગ માગ્યો છે.
વિરોધ પછી રાહત
ઈઝરાયેલમાં નેતન્યાહુ સરકાર માટે મુસીબત સર્જાઈ છે. સરકારે સંક્રમણ પર અંકુશ મેળવવા માટે દેશના કેટલાક હિસ્સામાં લોકડાઉન લગાવ્યું છે, પણ લોકો એનું પાલન કરવા તૈયાર નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈઝરાયેલનાં અનેક શહેરોમાં લોકોએ લોકડાઉન વિરુદ્ધ દેખાવો કર્યા.
આ લોકોનો આરોપ છે કે માર્ચ પછીથી તેમના જીવન પર ખરાબ અસર પડી છે. કેટલાંક સામાજિક સંગઠનોએ કહ્યું છે કે સરકાર પોતાની નિષ્ફળતાનો દોષ દેશના લોકો પર ઢોળવા માગે છે. સરકારે દબાણમાં કેટલીક રાહત આપવાનો નિર્ણય કર્યો છે. કેટલાક ઉપાયોની ઘોષણા આજે થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.