કોરોનામાં ડેલ્ટા વેરિયન્ટ ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા 1 મહિના કરતાં પણ ઓછા સમયમાં 900થી વધુ કેસ નોંધાયા બાદ 30થી વધુ બેદરકાર અધિકારીઓને સજા આપવામાં આવી છે.
રાજ્ય મીડિયા ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, સરકારે દેશભરમાં 30થી વધુ અધિકારીઓ, મેયર અને હેલ્થ ડિરેક્ટર્સને સજા આપી છે. આ સિવાય હોસ્પિટલો અને એરપોર્ટ ડિરેક્ટરોને પણ બેદરકારી અને સ્થાનિક સ્તરે સંક્રમણ ફેલાવવા બદલ સજા કરવામાં આવી છે.
હાલમાં કેસની શરૂઆત મોસ્કોથી આવેલી એક ફ્લાઇટથી થઈ
રિપોર્ટ અનુસાર, ચીનમાં કોરોનાનો તાજેતરનો કેસ મોસ્કોથી ફ્લાઇટ દ્વારા શરૂ થયા છે. જુલાઈના મધ્યમાં, મોસ્કોથી એક પેસેન્જર પ્લેન ચીનના પૂર્વીય શહેર નાનજિંગના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઊતર્યું હતું. આ વિમાનમાં સવાર 7 લોકો કોરોનાના ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત મળ્યા હતા. આ મુસાફરોથી એરપોર્ટની સફાઈ કરતા સફાઈ કામદારોમાં કોરોના વાઇરસ ફેલાયો, જેણે ધીમે ધીમે અન્ય શહેરોને પણ ઝપેટમાં લેવાનું શરૂ કર્યું.
નાનજિંગ ડેલ્ટા વેરિયન્ટનું હોટસ્પોટ
પૂર્વ ચીનના યાંગઝોઉમાં 5 અધિકારીને કોરોના સંક્રમણની તપાસમાં બેદરકારી બદલ ચેતવણી આપવામાં આવી છે. તેઓ વાયઇસના ફેલાવા માટે જવાબદાર હોવાનું કહેવાય છે. નવા કેસો વધારવાના મામલે યાંગઝોએ નાનજિંગને પાછળ છોડી દીધું છે. નાનજિંગ એ શહેર છે, જ્યાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના દર્દીઓ પ્રથમ વખત મળવાનું શરૂ થયું છે.
સોમવાર સુધીમાં ચીનના સૌથી મોટા હોટસ્પોટ નાનજિંગમાં 308 કેસની પુષ્ટિ થઈ છે, જ્યારે 6 દર્દી ગંભીર રીતે બીમાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો અહીં એકપણ દર્દી મૃત્યુ પામે છે, તો ચીનમાં 6 મહિનામાં કોરોનાને કારણે આ પ્રથમ મૃત્યુ હશે.
વુહાન સહિત 15 વિસ્તારમાં ફરી ફેલાઈ રહી છે મહામારી
ડિસેમ્બર 2019માં વુહાનમાં સૌપ્રથમ ઊભરેલા કોરોના વાઇરસને કચડી નાખ્યા પછી, ચીન ફરી એકવાર ગંભીર પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશના 31 પ્રદેશોમાં વુહાન સહિત અડધાથી વધુ પ્રદેશોમાં કોરોનાના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા છે.
જોકે ચીનની વિશાળ જનસંખ્યાના મોટા ભાગને વેક્સિન આપવામાં આવી ગઈ છે છતાં પણ અધિકારી વેક્સિનેશન પર ભરોસો ન કરવાને બદલે વાઇરસને બહાર કાઢવા માટે મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ અને લોકડાઉનની નીતિ લાગુ કરવાની તૈયારીમાં છે.
જો વુહાનમાં કેસ વધશે તો ફરી ચીન ઘેરાઈ જશે
ચીન વુહાનમાં કેસોમાં વધારાથી સૌથી વધુ ચિંતિત છે. હકીકતમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો વારંવાર આરોપ લગાવી રહ્યા છે કે કોરોના વાઇરસની ઉત્પત્તિ ચીનમાં વુહાનની લેબમાંથી જ થઈ છે. અને એ ઝડપથી અન્ય દેશોમાં ફેલાયો ગયો.
આવી સ્થિતિમાં ચીન ક્યારેય ઈચ્છશે નહીં કે વુહાન વિશે જૂની ચર્ચા વૈશ્વિક સ્તરે ફરી શરૂ થાય. ચીને વુહાનમાં ટેસ્ટિંગ વધાર્યું છે. અત્યારસુધીમાં 1.3 કરોડ લોકોનું અહીં ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. એને ઝડપથી આગળ વધારી રહ્યું છે. સોમવારે વુહાનમાં બે કેસ નોંધાયા છે.
હેનાનમાં પૂર પછી હવે સંક્રમણનું જોખમ
ચીનનો હેનાન પ્રદેશ જુલાઇમાં આવેલા ભયંકર પૂરમાંથી હજુ સુધી સ્વસ્થ થયો ન હતો કે કોરોનાના નવા કેસોએ અહીંના વહીવટી તંત્રની ચિંતા વધારી દીધી છે. પૂરને કારણે આ પ્રદેશમાં 300થી વધુ લોકો માર્યા ગયા હતા. અહીંની રાજધાની ઝેંગઝોઉની એક હોસ્પિટલ નવા કેસોનું હોટસ્પોટ બન્યું છે. હવે એ અન્ય વિસ્તારોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.