અમેરિકાની જેલોમાં કેદીઓ બદથી બદતર હાલતમાં છે. જેલોમાં કેદ દસ્તાવેજો વગરના કેદીઓ પાસે બળજબરીથી મજૂરી કરાવાઈ રહી છે. તેની મદદથી જેલને મોટી આવક પણ થઈ રહી છે પણ તેમને નજીવું વળતર ચૂકવાઈ રહ્યું છે.
એક માનવાધિકાર તપાસમાં ખુલાસો થયો હતો કે અમેરિકી જેલો ઉદ્યોગ બની ગઈ છે. કેદીઓ પાસે કામ કરાવી દર વર્ષે 11 બિલિયન ડૉલર એટલે કે 91 હજાર કરોડ રૂ.ની કમાણી કરે છે. જોકે કેદીઓને ફક્ત એક કલાકના કામનો પગાર ચૂકવાય છે. તેમની વર્ષની લઘુત્તમ મજૂરી 450 ડૉલર નક્કી કરાઈ છે જે બહારની દુનિયાના લઘુત્તમ પગાર સામે શૂન્ય બરાબર છે.
અમેરિકાની જેલોમાં 20 હજાર દસ્તાવેજ વગરના કેદીઓ કેદ છે. તપાસકાર જેનિફરે ભાસ્કરને જણાવ્યું કે તેમની સ્થિતિ દયનીય થઈ ચૂકી છે. જેલ વતી દાવો કરાયો છે કે તેમની પાસે એટલું ફંડ નથી હોતું કે તે આ કેદીઓને યોગ્ય પગાર ચૂકવી શકે. પણ અમારી તપાસ જણાવે છે કે તે અબજો ડૉલરની કમાણી કરે છે તેમ છતાં કેદીઓનું શોષણ કરે છે.
કેટલીક વખત તો તેમની પાસે જેલમાં સાબુ ખરીદવા અને એક ફોન કરવાના પૈસા પણ નથી હોતા. ખરેખર અમેરિકામાં ખાનગી કંપનીઓ જેલ ચલાવે છે. આ જેલોમાં જેટલા વધુ કેદી હશે કંપનીઓ દ્વારા સરકારને એટલું જ વધારે ફંડ મળશે. જેલોનું 80% કામ તેમાં રહેતા કેદીઓ પાસે કરાવાય છે. તેમાં સફાઈકામ, સમારકામ, લોન્ડરી અને અન્ય કામો પણ સામેલ છે.
શાકાહારીઓએ જેલમાં માંસ ખાવું પડે છે
મેક્સિકો દ્વારા અમેરિકાની સરહદમાં ઘૂસેલા ભારતીય મૂળના પંજાબીએ કહ્યું કે હું કેલિફોર્નિયાની જેલમાં એક વર્ષ સુધી કેદ રહ્યો. આ મારા માટે એક ભયાવહ સપના સમાન છે. અમને પાઘડી કે કડું પહેરવાની પણ છૂટ ન મળી. શાકાહારી ભોજન જમે છે તેમને બળજબરીપૂર્વક માંસ ખાવું પડી રહ્યું છે.
જે વકીલને ફી ચૂકવી શકતા નથી તે જેલોમાં કેદ
સરહદ પાર કરી ઘૂસણખોરી કરવાના મોટા ભાગના કેસમાં કેદીઓને એક વર્ષમાં જામીન મળી જાય છે. પણ અનેકવાર કેદી વકીલનો ખર્ચ ભોગવી શકતા નથી એટલા માટે તે જેલમાં જ સબડે છે. આ વર્ષે ધરપકડ કરાયેલા 60 હજારમાંથી 40 હજાર ભારતીયોને જામીન મળી ગયા પણ 20 હજાર હજુ જેલોમાં કેદ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.