વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પપુઆ ન્યૂ ગિનીમાં પેસિફિક દેશો સાથે ભારતના સંબંધો સુધારવા માટે રચાયેલ FIPIC એટલે કે ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ કો-ઓપરેશન ફોરમમાં જોડાયા હતા. બંને દેશો મળીને આનું આયોજન કરી રહ્યા છે. સમિટનું ઉદ્ઘાટન કરતાં પપુઆ ન્યૂ ગિનીના વડાપ્રધાન જેમ્સ મરાપે જણાવ્યું હતું કે ભારત ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ અને ગરીબ દેશોનું લીડર છે. આપણે બધા વિકસિત દેશોના પાવર પ્લેનો ભોગ બનીએ છીએ. આ મુલાકાત દરમિયાન રિપબ્લિક ઓફ પલાઉ અને ફિજીએ પાપુઆ ન્યૂ ગિનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશનો સર્વોચ્ચ અવૉર્ડ આપ્યો છે. પલાઉના પ્રેસિડેન્ટ સુરજેલ એસ વ્હીપે પીએમને ઈબાકલ અવૉર્ડ એનાયત કર્યો છે અને ફિજીએ 'કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી' એનાયત કર્યો છે.
મરાપે બાદ પીએમ મોદીએ પણ વિકસિત દેશોનું નામ લીધા વગર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, 'કોરોનાની સૌથી વધારે અસર ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ દેશો પર પડી છે. ક્લાઈમેટ ચેન્જ, કુદરતી આફતો, ભૂખમરો અને ગરીબી પહેલાંથી જ ઘણા પડકારો હતા, હવે નવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું, 'આ સમય દરમિયાન અમે જેમના પર વિશ્વાસ કર્યો તેઓ મુશ્કેલીના સમયમાં અમારી સાથે ઊભા નહોતા. જ્યારે ભારત મુશ્કેલ સમયમાં પેસિફિક ટાપુઓના દેશો સાથે ઊભું હતું.'
PMએ કહ્યું, 'ભારતે કોરોના રસી દ્વારા તમામ સાથી મિત્રોની મદદ કરી. ભારત માટે પેસિફિકના ટાપુઓ નાના ટાપુ દેશો નથી પરંતુ મોટા દરિયાઈ દેશો છે.
FIPIC ની શરૂઆત 2014માં મોદીની ફિજીની મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. પીએમ મોદી સાથે આ દેશોની આ ત્રીજી મુલાકાત છે.
પપુઆ ન્યુ ગિનીના PMએ મોદીના ચરણ સ્પર્શ કર્યા, પરંપરા તોડી રાજકીય સન્માન આપ્યું
પીએમ નરેન્દ્ર મોદી રવિવારે સાંજે પપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. રાજધાની પોર્ટ મોરેસ્બીમાં વડાપ્રધાન જેમ્સ મરાપે દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મરાપેએ મોદીના ચરણ સ્પર્શ કરીને સ્વાગત કર્યું હતું. આ પછી એરપોર્ટ પર જ વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ ઈન્ડો પેસિફિક ક્ષેત્રની કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પાપુઆ ન્યૂ ગિની સરકારે તેની પરંપરા તોડતા પીએમ મોદીનું સ્વાગત કર્યું. વાસ્તવમાં આ દેશમાં સૂર્યાસ્ત પછી કોઈપણ વિદેશી મહેમાનનું રાજ્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવતું નથી, પરંતુ ભારતનું મહત્ત્વ જોઈને ત્યાંની સરકારે આ નિર્ણય લીધો છે.
જુઓ મોદીના સ્વાગત દરમિયાનની તસવીરો
પીએમ મોદી 25 મેના રોજ ભારત પરત ફરશે
પીએમ મોદી 23 મેના રોજ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. અહીં તેઓ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે. 24મી મેના રોજ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્ટની અલ્બેનીઝને મળશે. 25મીએ સવારે દિલ્હી પરત ફરશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.