રશિયા મુદ્દે રસાકસી:મોદીનો પુટિન સામે યુદ્ધનો વિરોધ, ફ્રાન્સના UNમાં ભારતના વખાણ

ન્યૂયોર્ક/નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના ન્યૂયોર્કમાં ચાલતી યુનાઈટેડ નેશન્સની બેઠકમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ થયા. હકીકતમાં સમરકંદમાં થયેલી શાંઘાઈ સમિટમાં વડાપ્રધાન મોદીએ પુટિનને ખાદ્ય, ઈંધણ સુરક્ષા અને ખાતરની મુશ્કેલીનો ઉપાય શોધવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, ‘આજનો યુગ યુદ્ધનો નથી.’

ભારતનો આ સંદેશ અમેરિકા અને ફ્રાંસે આવકાર્યો. ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને યુએન મહા સભામાં કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી સાચા હતા. આ વાત પૂર્વ વિરુદ્ધ પશ્ચિમનો વિરોધ રજૂ કરવા માટે નથી થઈ રહી.’ બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું કે, ‘પીએમ મોદીના નિવેદનને અમેરિકા આવકારે છે.’ વિશ્વના અગ્રણી દેશો સિવાય વૉશિંગ્ટન પોસ્ટ, ન્યૂયોર્ક ટાઈમ્સ અને સીએનએને પણ વડાપ્રધાન મોદીના આ નિવેદનની પ્રશંસા કરી હતી.

પુટિન ધૂંઆપૂંઆ, રશિયામાં 3 લાખ રિઝર્વ સૈનિક તહેનાત કરશે
મોસ્કો | યુક્રેન પર હુમલાના સાત મહિના પછી પણ યુદ્ધમાં સફળતા ના મળતી જોઈને રશિયન પ્રમુખ વ્લાદિમિર પુટિન ધૂંઆપૂંઆ છે. તેમણે બુધવારે ત્રણ લાખ રિઝર્વ સૈનિક તહેનાત કરવાની જાહેરાત કરી છે. પુટિને કહ્યું કે, ‘રશિયા પશ્ચિમની આખી સૈન્ય મશીનરી સામે લડી રહ્યું છે.’

સાત મિનિટના સંબોધનમાં પુટિને પશ્ચિમી દેશોને ચેતવણી આપતા કહ્યું કે, ‘મારી વાતને ફક્ત ધમકી ના માનો. 1991માં પશ્ચિમ સોવિયેત યુનિયનના ભાગલા કરવામાં સફળ રહ્યું. હવે રશિયા સાથે આવું થઈ રહ્યું છે.’ પુટિનનું આ નિવેદન પરમાણુ શસ્ત્રોના ઉપયોગના સંદર્ભમાં જોવાઈ રહ્યું છે. રશિયાના આ વલણની અમેરિકા-બ્રિટને ટીકા કરી છે. પુટિને વધુ સૈનિકની તહેનાતીનું પગલું એવા સમયે લીધું છે, જ્યારે લુગાંસ્ક અને ડોન્ત્સક પીપલ્સ રિપબ્લિક સાથે રશિયાનું નિયંત્રણ ધરાવતા ખેરસોન અને જાપોરોજેએ પણ રશિયામાં સામેલ થવા જનમત સંગ્રહની જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...