અફઘાનિસ્તાનમાં નવરાત્રિ ઊજવાઈ:તાલિબાનરાજમાં કાબુલનાં મંદિરો 'હરે રામા, હરે કૃષ્ણા'થી ગુંજ્યાં, હિન્દુઓએ મંદિરમાં ઊજવી નવરાત્રિ

16 દિવસ પહેલા

અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા કબજો કર્યા પછી જે ડરનો માહોલ હતો એમાં હવે ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે. એનું તાજેતરનું ઉદાહરણ પાટનગર કાબુલમાં જોવા મળ્યું છે. ત્યાં અલ્પસંખ્યક સમુદાયમાં આવેલા હિન્દુ લોકોએ નવરાત્રિએ મંદિરમાં ભજન-કીર્તન કરીને જાગરણ કર્યું હતું.

મંગળવારે હિન્દુઓએ કાબુલમાં આવેલા અસમાઈ મંદિરમાં કીર્તન અને જાગરણ કર્યું હતું. એના અમુક વીડિયો સામે આવ્યા છે. આ મંદિર અસમાઈ મંદિર હોવાનું જણાવવામાં આવ્યું છે.

સૂત્રો દ્વારા કાબુલમાં આવેલા અસમાઈ મંદિરની મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ રામ શરણ સિંહે કહ્યું છે કે કીર્તન અને જાગરણની સાથે સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એમાં જરૂરિયાતના લોકોને જમાડવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં 150 લોકો ભેગા થયા હતા. એમાં અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુઓની સાથે શીખ સમુદાયના લોકો પણ સામેલ થયા હતા.

હિન્દુ અને શીખ સમુદાયના લોકોએ ભારત સરકારને ઝડપથી ત્યાંથી કાઢવાની અપીલ કરી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે હાલ અફઘાનિસ્તાનની સ્થિતિ સહેજ પણ સારી નથી અને તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ મંદિર કાબુલમાં આવેલા 'કરતે પરવાન' ગુરુદ્વારાથી 4-5 કિલોમીટર અંતરે આવેલું છે. કરતે પરવાન ગુરુદ્વારામાં ગયા સપ્તાહે જ શંકાસ્પદ તાલિબાન લડાકુઓએ તોડફોડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...