પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સુરક્ષાદળો દ્વારા બલોચોનું દમન થંભી રહ્યું નથી. તેને લઈને લોકોમાં ભારે રોષ છે. બલોચ વિદ્યાર્થી નેતા જાકિર માજિદ બલોચના ગુમ થયાના બુધવારે 14 વર્ષ થઈ ગયાં. તેનો કોઈ પુરાવો ન મળતા ક્વેટામાં આ મામલે દેખાવો કરાયા હતા. દેખાવોમાં સામેલ વૉઈસ ફોર બલોચ મિસિંગ પર્સનનું કહેવું છે કે બલોચો પર સૈન્ય તથા અન્ય સુરક્ષાદળોના અત્યાચાર વધી રહ્યા છે. બલોચોને નાગરિક અધિકારોથી વંચિત કરાઈ રહ્યા છે. અંદાજે ગત 22-23 વર્ષમાં આશરે 8000 લોકો ગુમ થઈ ચૂક્યા છે.
અહેવાલ અનુસાર બલુચિસ્તાન પ્રાંતના કાર્યકર ગુમ લોકોની યાદીમાં સૌથી ટોચે છે. બલોચ રાષ્ટ્રવાદી કાર્યકર નાગરિક અધિકારોની રક્ષા અને ચીન-પાક. આર્થિક કોરિડોર(સીપીઈસી)નો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે અમુક નોકરીઓ આપી બલોચોને તેમના પ્રાકૃતિક સંસાધનોથી વંચિત કરાઇ રહ્યા છે. તે જાહેરમાં ફરી નથી શકતા અને ન તો અન્ય વિદ્યાર્થીઓની જેમ સામાન્ય રીતે કામ કરી શકે છે. પોલીસ કાર્યવાહીના વિરોધમાં બલુચિસ્તાન વિદ્યાર્થી પરિષદના એક આહવાન પર વિદ્યાર્થીઓ લાહોર, કરાચી, ફૈસલાબાદ અને ઈસ્લામાબાદમાં દેખાવ કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓને અપહરણ અને હત્યાનો ડર
પાક.માં લોકોના ગુમ થવાની શરૂઆત મુશર્રફ શાસનકાળ(1999થી 2008) થી થઈ હતી. મુશર્રફના હટ્યા બાદ પણ સિલસિલો યથાવત્ રહ્યો. બલોચ સંગઠન કહે છે કે બલોચ વિદ્યાર્થી ભલે દેશમાં રહે કે બીજે ક્યાંક હંમેશા અપહરણ, યાતના અને હત્યાનો ડર સતાવે છે. સેના બલોચ રાજકીય પક્ષો પર ફેક આરોપ લગાવી બેન મૂકવામાં સફળ રહી હતી.
કોર્ટ સરકાર પાસે ગુમ લોકોના પુરાવા માગી રહી છે
ઈસ્લામાબાદ હાઈકોર્ટે વર્તમાન શાહબાઝ સરકારથી લઇને પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સુધી તમામ પૂર્વ અધિકારીઓને નોટિસ જારી કરવા આદેશ કર્યો છે. તેનાથી એ સ્પષ્ટ થઈ શકે કે કેટલા લોકો ગુમ છે. કોર્ટે બળજબરીથી ગુમ કરવા અંગે સરકારના મૌનને અઘોષિત મૌન સ્વીકૃત ગણાવ્યું છે. જોકે આ મામલે કોર્ટ તરફથી સૈન્યને કોઈ નોટિસ ફટકારાઈ નથી.
આપવીતી : માનવાધિકાર કાર્યકરને 12 વર્ષ કેદમાં રખાયા
બલોચોના ગુમ થવાની તપાસ માટે પાક. પહોંચેલા નોર્વેના માનવાધિકાર કાર્યકર અહેસાન અર્જેમન્ડી સાથે ક્રૂરતાની હદો વટાવા. અર્જેમન્ડીએ કહ્યું કે 31 જુલાઈ 200ઠના રોજ બલુચિસ્તાન આવ્યો તો મારી યાત્રા પર રોક લગાવાઈ. 6 ઓગસ્ટે માંડથી કરાચી આવતી બસમાં સવાર થવાના આગામી દિવસે સૈન્યના જવાનોએ બલુચિસ્તાન અને સિંધ વચ્ચે બસમાંથી નીચે ફેંકી દીધો. 5 મહિના સુધી હેરાનગતિ કરાઈ. મારવામાં આવ્યો, ઊંધો લટકાવ્યો. પગના નખ ઉખાડી નાખ્યા. મરચું ભભરાવ્યું. 12 વર્ષ આરોપ વિના કસ્ટડીમાં રાખ્યો. ઓગસ્ટ 2021માં મને મુક્ત કર્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.