લોકોમાં એવો ભ્રમ છે કે 20 વર્ષની ઉંમર પછી વજન વધવાનું શરૂ થઇ જાય છે, કેમ કે એવું મનાય છે કે આ ઉંમર પછી મેટાબોલિઝમ (શરીર જે દરે કેલરી બર્ન કરે છે) ધીમું થવા લાગે છે. ખાસ કરીને આધેડ ઉંમરમાં. એવી ધારણા રહી છે કે પુરૂષોની સરખામણીમાં મહિલાઓનું મેટાબોલિઝમ ધીમું હોય છે. તેથી તેમને વજન ઘટાડવામાં તકલીફ પડે છે. વાસ્તવમાં આ બધી જ માન્યતાઓ ખોટી છે.
ડ્યૂક યુનિવર્સિટીના લેટેસ્ટ સ્ટડીમાં દાવો કરાયો છે કે 60 વર્ષની ઉંમર સુધી મેટાબોલિઝમ રેટ ઘટતો નથી. સંશોધકોએ 29 દેશના 1 અઠવાડિયાથી માંડીને 90 વર્ષની ઉંમરના 6,600 લોકો પર કરાયેલા આ સ્ટડી દ્વારા જાણ્યું કે 1 વર્ષ સુધીના બાળકોમાં મેટાબોલિઝમનો દર સૌથી વધુ હતો જ્યારે 20 વર્ષના થવા સુધીમાં દર વર્ષે 3% ઘટાડો થયો પણ તે પછી 60 વર્ષની ઉંમર સુધી તે સ્થિર રહ્યો. પુરૂષો અને સ્ત્રીઓના મેટાબોલિક રેટમાં પણ કોઇ તફાવત નથી. પેનિંગ્ટન બાયોમેડિકલ રિસર્ચ ઇન્સ્ટિ.ના લીન રેડમેન કહે છે કે આ મહત્ત્વપૂર્ણ માહિતી છે. તેને અભ્યાસક્રમમાં જોડાશે. વિસ્કોન્સિન મેડિસિન યુનિ.ના પ્રો. રોજલિન એન્ડરસન જણાવે છે કે હું આ તારણોથી ચકિત છું, મેટાબોલિઝમ અંગેના ભ્રમ દૂર કરવા પડશે.
સ્ટડીનું નેતૃત્ત્વ કરનારા ડ્યૂક યુનિ.ના માનવવિજ્ઞાની ડૉ. હર્મન પોન્ટજરના કહેવા મુજબ મેટાબોલિક રિસર્ચ મોંઘું હોય છે. તેથી અગાઉ થયેલા સંશોધનોમાં ઓછા લોકો જોડાયા પણ નવા સ્ટડીમાં 80 મોટી સંસ્થાઓના સંશોધકો જોડાયા હતા. તેમની પાસે 40 વર્ષમાં એકત્ર કરેલા અડધો ડઝન લેબના ડેટા અને મેટાબોલિઝમમાં ફેરફારો અંગે પૂરતી માહિતી હતી.
સ્ટડીની સૌથી ચોંકાવનારી વાત એ છે કે બાળક જન્મે ત્યારે તેનો મેટાબોલિક રેટ તેની માતા જેટલો હોય છે પણ તે 12 મહિનાનું થાય એટલે આ રેટ સૌથી તેજ બની જાય છે. 60 વર્ષની ઉંમર પછી ઘટવા લાગે છે. તે પછી દર વર્ષે 0.7%ના દરે ઘટે છે. આ સિલસિલો 95 વર્ષની ઉંમર સુધી ચાલે છે.
દર વર્ષે અડધાથી 1 કિલો વજન વધવા છતાં મેટાબોલિઝમ રેટ ઘટતો નથી
સાયન્સ જર્નલમાં પ્રકાશિત આ સ્ટડીમાં જણાવાયું છે કે આધેડ વયે ઘણાં લોકો વધતી કમર માટે મેટાબોલિઝમને જવાબદાર ગણાવે છે, જે ખોટું છે કેમ કે મેટાબોલિઝમ તો ત્યાં સુધી સ્થિર જ રહે છે. વોશિંગ્ટન યુનિ.ની સ્કૂલ ઑફ મેડિસિનના ડૉ. સેમ્યુઅલ ક્લીન કહે છે કે પુખ્તાવસ્થામાં એક વર્ષમાં વજન 500થી 800 ગ્રામ સુધી પણ વધી રહ્યું હોય તો તેનાથી મેટાબોલિઝમ રેટ ઘટતો નથી. ગર્ભાવસ્થા દરમિયાન પણ કેલરીની માગ જરૂરિયાત પ્રમાણે જ રહે છે, પછી ભલે ગર્ભમાં શિશુ ઉછરી રહ્યું હોય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.