મેહુલ ચોકસીને ઝાટકો:PNB કૌભાંડના આરોપીને ડોમિનિકા હાઇકોર્ટે જામીન ન આપ્યા, કહ્યું- તે ભાગી જશે એવો ખતરો છે

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • સરકારના પક્ષે જામીનનો વિરોધ કરતાં કહ્યું હતું કે ચોકસી ફ્લાઇટ રિસ્ક પર છે અને ઇન્ટરપોલ તેની વિરુદ્ધ નોટિસ ઈસ્યુ કરી ચૂક્યું છે

પંજાબ નેશનલ બેન્ક(PNB) કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસીને ડોમિનિકાની હાઈકોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. કોર્ટે શુક્રવારે તેને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા મુજબ, હાઈકોર્ટે ચોકસીના ભાગી જવાના જોખમને પગલે જામીન આપવાનો ઈનકાર કર્યો છે.

આ પહેલાં ચોકસીના વકીલે કોર્ટમાં દલીલ કરતાં જણાવ્યું હતું કે એક કૈરિકોમ નાગરિક તરીકે મેહુલ જામીનના હકદાર છે, કારણ કે તેના પર લાગેલા આરોપો જામીન મળી શકે એવી ધારાઓ અંતર્ગત આવે છે. વકીલોએ વધુમાં જણાવ્યું હતું કે ચોકસીની તબિયત પણ સારી નથી. આ કારણોસર પણ તેને જામીનની રકમ લઈને જામીન આપવા જોઈએ.

સરકારના પક્ષે જામીનનો વિરોધ કરતાં કહ્યું હતું કે ચોકસી ફ્લાઈટ રિસ્ક પર છે અને ઈન્ટરપોલ તેની વિરુદ્ધ નોટિસ ઈસ્યુ કરી ચૂક્યું છે. જો તેને જામીન આપવામાં આવ્યા તો તેના ભાગી જવાનું જોખમ રહેશે. આ કારણે તેને જામીન ન આપવા જોઈએ.

ચોકસીની પત્ની બોલી- મારા પતિને બદનામ કરવામાં આવી રહ્યો છે
આ પહેલાં મેહુલની કથિત ગર્લફ્રેન્ડ બાર્બરા જેબરિકાના આરોપોને મેહુલની પત્ની પ્રીતિએ ફગાવ્યા હતા. જેબરિકાએ થોડા દિવસો પહેલાં મીડિયા સાથેની વાતચીતમાં મેહુલ પર નકલી આઈડેન્ટિટી અને કિંડનેપિંગની ખોટી થિયોરી રચવા જેવા આરોપ લગાવ્યા હતા. આ અંગે ગુરુવારે પ્રીતિએ જવાબ આપ્યો. પ્રીતિનું કહેવું છે કે તેમના પતિને બદનામ કરાઈ રહ્યા છે.

જેબરિકાના આરોપ અને પ્રીતિના જવાબ

જેબરિકાઃ મેહુલ સાથે જ્યારે વાતચીત શરૂ થઈ તો તેણે પોતાનું નામ રાજ જણાવ્યું હતું.

પ્રીતિઃ એક બાળક પણ ઈન્ટરનેટ પર પોતાની આઈન્ડેટિટી ચેક કરે છે. ગૂગલ સર્ચ અને સોશિયલ મીડિયા પર એને થોડી જ સેકન્ડ્સમાં જાણી શકાય છે.

જેબરિકાઃ ગત વર્ષેના ઓગસ્ટથી આ વર્ષના એપ્રિલની વચ્ચે મેહુલ હંમેશાં મેસેજ કર્યા કરતો હતો, જોકે મેં તેને એક કે બે વખત જ રિપ્લાય આપ્યો. પછી આ વર્ષે એપ્રિલ-મેની વચ્ચે અમારી વાતચીત વધી.

પ્રીતિઃ વ્હોટ્સએપ મેસેજને ફોટોશોપ જેવા સોફ્ટવેર દ્વારા કેન્ટેન્ટને બદલીને સરળતાથી બનાવી શકાય છે. જે મેસેજ વાઈરલ થઈ રહ્યા છે એ તેમના જ છે, એના કોઈ પુરાવા નથી.

જેબરિકાઃ મેહુલની કિડનેપિંગની થિયરી ખોટી છે. મેહુલે મને આગામી વખતે ક્યુબામાં મળવાનું કહ્યું હતું. તે ક્યુબા ભાગવાની ફિરાકમાં જ હતો.

પ્રીતિઃ તે ખોટી માહિતી આપીને પોતાની છબિને ખરાબ કરવાનું રિસ્ક શા માટે લેશે. આ સિવાય તે એ લિન્કનો ખુલાસો શા માટે કરશે, જેનાથી તેની થિયરી નિષ્ફળ થઈ જાય? મારી પત્નીને બદનામ કરવા માટે ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. આ સ્ટેટ(ડોમિનિકા)ની સ્પોન્સર્ડ સ્કીમ છે, જે ખોટી છે.

પ્રીતિએ એ સવાલ પણ કર્યો કે જેબરિકા કોઈને પોતાનું લોકેશન કહી રહી નથી. એવામાં તેની વાતો પર કઈ રીતે ભરોસો મૂકી શકાય?

શું છે સમગ્ર મામલો?
મેહુલ ચોકસી એન્ટિગુઆ-બારાબુડામાં રહેતો હતો. જોકે 23 મેના રોજ તે અચાનક જ ગુમ થઈ ગયો અને બે દિવસ પછી ડોમિનિકામાંથી પકડાયો. ચોકસીનો દાવો છે કે તે પોતાની ગર્લફ્રેન્ડ બાર્બરા જેબરિકાની સાથે હતો. આ દરમિયાન તેમનું અપહરણ કરવામાં આવ્યું. કિડનેપર્સે તેમને માર્યા, જોકે આ સમગ્ર ઘટના દરમિયાન જેબરિકાએ તેમની કોઈ મદદ કરી નથી. આ વાત પરથી ખ્યાલ આવે છે કે તે અપહરણના ષડયંત્રમાં સામેલ હતી.