ઓસ્ટ્રેલિયા પ્રવાસના છેલ્લા દિવસે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે પત્રકાર પરિષદ યોજી હતી. પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું- અમે અગાઉ પણ અલગતાવાદી તત્ત્વોની ગતિવિધિઓ પર વાત કરી હતી. આવા કૃત્યને સહન કરવામાં આવશે નહીં, જે આપણા સંબંધોને નુકસાન પહોંચાડે છે. પીએમ અલ્બેનીઝે આશ્વાસન આપ્યું કે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મોદીએ કહ્યું, "એક વર્ષમાં અલ્બેનીઝ સાથે આ મારી છઠ્ઠી મુલાકાત છે. આ સાબિત કરે છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો કેટલા ઊંડા છે. ક્રિકેટની ભાષામાં બંને દેશોના સંબંધો T-20 મોડમાં આવી ગયા છે." મોદીએ આ વર્ષે ભારતમાં યોજાનારા ODI વર્લ્ડ કપ માટે અલ્બેનીઝને આમંત્રણ આપ્યું હતું.
PM અલ્બેનીઝને વર્લ્ડ કપ માટે ભારત આવવાનું આમંત્રણ
પીએમ મોદીએ અલ્બેનીઝ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટચાહકોને આ વર્ષના વર્લ્ડ કપ માટે ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું- વર્લ્ડ કપની સાથે ભારતમાં દિવાળીનો તહેવાર પણ ઊજવવામાં આવશે. હું ઈચ્છું છું કે પીએમ અલ્બેનીઝ આ સમયગાળા દરમિયાન ભારતની મુલાકાત લે.
બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક યોજી હતી
પ્રેસ બ્રીફિંગમાં પીએમ અલ્બેનીઝે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા બિઝનેસ અને ટેક્નોલોજી શેરિંગના સંદર્ભમાં બંને દેશોને મદદ કરવા માટે બેંગલુરુમાં વાણિજ્ય દૂતાવાસ ખોલશે. આ પહેલાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જેમાં G20, વેપાર અને સંરક્ષણ ક્ષેત્ર સાથે સૈન્ય સહયોગ વધારવાની વાત થઈ હતી.
આ બેઠકમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સહિત ઓસ્ટ્રેલિયાના અનેક અધિકારીઓ પણ હાજર હતા. આ પછી બંને નેતાઓએ કેટલાક મહત્ત્વના એમઓયુ પર હસ્તાક્ષર પણ કર્યા. આ સાથે જ પીએમ મોદીને સિડનીના એડમિરલ્ટી હાઉસમાં ગાર્ડ ઓફ ઓનરથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
એન્થોની ભારત પ્રવાસની રાહ જોઈ રહ્યા છે
ઑસ્ટ્રેલિયન મીડિયા સાથેની વાતચીતમાં એન્થોની અલ્બેનીઝે કહ્યું- ભારતમાં સપ્ટેમ્બરમાં G-20 સમિટ યોજાવા જઈ રહી છે. આ અવસર પર મને વડાપ્રધાન મોદીને મળવાની તક મળશે. હું ઈચ્છું છું કે બંને દેશો એ ક્ષેત્રોમાં પણ આગળ વધે, જેના પર અત્યારસુધી વધારે કામ થયું નથી.
ભારતીયોને સંબોધન
મોદીની ઓસ્ટ્રેલિયાની બીજી મુલાકાત
પીએમ મોદીની ઓસ્ટ્રેલિયાની આ બીજી મુલાકાત છે. આ પહેલાં તેઓ 2014માં સિડની ગયા હતા. મોદીના પ્રારંભિક સમયપત્રક મુજબ તેઓ ક્વાડ મિટિંગ માટે ઓસ્ટ્રેલિયા જવાના હતા. જોકે યુએસમાં ચાલી રહેલી દેવાંની સમસ્યાને કારણે, જી7 સમિટ દરમિયાન મિટિંગને જાપાન ખસેડવામાં આવી હતી. આમ છતાં પીએમએ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ રદ કર્યો નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.