તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Many Countries, Including India, Will Be Affected. His Foundation Contributes Billions Of Rupees A Year To Charitable Causes.

બિલ ગેટ્સના છૂટાછેડા:ભારત સહિત ઘણાં દેશો પર અસર પડશે, તેમનું ફાઉન્ડેશન સખાવતી કાર્યો માટે વર્ષે અબજો રૂપિયાની મદદ કરે છે

ન્યૂયોર્ક3 મહિનો પહેલાલેખક: મોહમ્મદ અલી
બિલ - મેલિન્ડા ગેટ્સની તસવીર
  • બિલ ગેટ્સ પરિવાર અમેરિકામાં સૌથી વધુ જમીનોનો માલિક, ખાધાખોરાકીની રકમ જાણવા લોકોની ઉત્સુકતા વધી

વિશ્વના ચોથા સૌથી ધનિક બિલ ગેટ્સે 27 વર્ષના લગ્નજીવન બાદ વોશિંગ્ટનની કિંગ કાઉન્ટી કોર્ટમાં છુટાછેડા માટે અરજી કરી દીધી છે. 65 વર્ષના બિલ અને 56 વર્ષની મેલિન્ડા ગેટ્સ વચ્ચે કંઇક ગરબડ હોવાની ગયા વર્ષની એક ઘટનાથી ખબર પડી ગઇ હતી. ત્યારે બિલે માઇક્રોસોફ્ટના તથા વિશ્વના જાણીતા રોકાણકાર વૉરન બફેટની કંપની બર્કશાયર હેથવેના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓ પરિવાર સાથે વધુ સમય ગાળવા માગતા હતા.

ભારત સહિત ઘણાં દેશો પર અસર થશે
ઘણાં મીડિયાગૃહોએ અમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ અને મેકેન્ઝી સ્કોટના છુટાછેડા સાથે સરખામણી કરી પણ બિલ-મેલિન્ડાનો કેસ અલગ છે. તેમના છુટાછેડાની અસર માત્ર માઇક્રોસોફ્ટ, ગેટ્સ પરિવારની કંપનીઓ અને તેમની મિલકતો સુધી જ મર્યાદિત નહીં રહે. ભારત સહિત વિશ્વના ઘણાં દેશોમાં ચાલતા સ્વાસ્થ્ય કાર્યક્રમો, ક્લાઇમેટ ચેન્જ પોલિસી અને સામાજિક મુદ્દા પર પણ અસર પડી શકે છે. તેનું કારણ બિલ-મેલિન્ડાનું ફાઉન્ડેશન છે, જે દુનિયાભરમાં આ ક્ષેત્રોમાં કાર્યરત છે અને સંલગ્ન પહેલ પાછળ અત્યાર સુધીમાં 50 અબજ ડોલર (અંદાજે 3.5 લાખ કરોડ રૂ.)થી વધુ રકમ ખર્ચી ચૂક્યું છે. ફાઉન્ડેશન આવા સખાવતી કાર્યો પાછળ દર વર્ષે 37 હજાર કરોડ રૂ. વાપરે છે.

દુનિયાભરમાં ફાઉન્ડેશનના કામકાજ પર અસર થઇ શકે
​​​​​​​કોરોના મહામારી સામે લડવા પણ તેણે અંદાજે 8 હજાર કરોડ રૂ.ની મદદ કરી. કોરોનાની વેક્સિન શોધવાની પહેલમાં પણ બિલ ગેટ્સે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. 92 ગરીબ દેશ સહિત ડઝનબંધ દેશો માટે કોવેક્સ નામથી એક આંતરરાષ્ટ્રીય પહેલ શરૂ થઇ છે, જેમાં ગેટ્સ ફાઉન્ડેશનની મહત્ત્વની ભૂમિકા છે. સ્ટેનફોર્ડ યુનિ.ના પોલિટિકલ સાયન્સના પ્રો. રૉબ રાઇખ કહે છે કે બિલ-મેલિન્ડાના છુટાછેડાની દુનિયાભરમાં તેમના ફાઉન્ડેશનના કામકાજ પર અસર થઇ શકે છે.

અમેરિકામાં સૌથી વધુ જમીનો ગેટ્સ પરિવાર પાસે છે
બિલ-મેલિન્ડા તરફથી માત્ર એટલું જ જણાવાયું છે કે તેઓ પરોપકારના કાર્યો સાથે મળીને કરતા રહેશે. બફેટે પણ ગેટ્સ ફાઉન્ડેશનને અબજો ડોલરનું દાન આપેલું છે. તેઓ હયાત નહીં હોય ત્યારે પણ તેમની સંપત્તિનો મોટો હિસ્સો ફાઉન્ડેશનને મળવાનો છે. ધનિકો તેમની સંપત્તિના મોટા હિસ્સાનું દાન કરે તે માટે 2010માં બફેટ અને બિલે ‘ગિવિંગ પ્લેજ’ નામની પહેલ કરી હતી. મહત્ત્વની વાત એ છે કે અમેરિકામાં સૌથી વધુ જમીનો ગેટ્સ પરિવાર પાસે છે. તેથી દુનિયાને એ જાણવામાં રસ હશે કે આ છુટાછેડાથી મેલિન્ડાને ખાધાખોરાકીપેટે કેટલી રકમ મળશે?

ધનિકો પર જંગી ટેક્સના બાઇડેનના કાયદાને પણ નિષ્ણાતો છુટાછેડાનું કારણ ગણાવી રહ્યા છે
બિલ ગેટ્સના છુટાછેડાનું એક કારણ ધનિકો પર વધારાના ટેક્સની બાઇડેન સરકારની નીતિ પણ મનાય છે, જે અંતર્ગત પરિણીત અને અઢળક કમાતા લોકોએ 4% મેરેજ પેનલ્ટી ટેક્સ ભરવાની જોગવાઇ છે. મની મેનેજમેન્ટ એક્સપર્ટ એલવિના લો કહે છે કે છુટાછેડાના ઘણાં કારણ હોઇ શકે છે પણ પેનલ્ટી ટેક્સથી બચવાની વાત કરીએ તો ગેટ્સ 4 અબજ ડોલર (અંદાજે 30 હજાર કરોડ રૂ.) બચાવી લેશે. એક કારણ એ પણ મનાય છે કે ગેટ્સની નાની દીકરી ફોએબ એડેલી ગેટ્સ ગત સપ્ટે.માં 18 વર્ષની થઇ ગઇ હોવાથી હવે તે પુખ્ત બની ચૂકી છે. તેનો ભાઇ રોરી અને બહેન જેનિફર પણ પુખ્ત છે. તેથી મિલકતોની વહેંચણીમાં ગેટ્સને કોઇ કાનૂની તકલીફ નહીં પડે.

અન્ય સમાચારો પણ છે...