નવી વ્યૂહનીતિ:ઘણા દેશો હાલ બાળકોને ફક્ત રસીનો એક ડોઝ આપી રહ્યા છે

વોશિંગ્ટન13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માયોકાર્ડિટિસની આડઅસરથી બચવાના ઉપાય

અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં બાળકોને કોરોના વેક્સિન આપવાનું શરૂ થઇ ચૂક્યું છે. ઘણા દેશોએ નવી રણનીતિ અપનાવી છે. બાળકોને રસીના બે ડોઝને બદલે એક જ ડોઝ અપાઇ રહ્યો છે. હોંગકોંગ, બ્રિટન, નોર્વે સહિત ઘણા દેશોએ 12 વર્ષ કે તેથી વધુ વયનાં બાળકોને ફાઇઝર બાયોએન્ટેકની રસીનો એક જ ડોઝ આપવાનું નક્કી કર્યું છે.

ડેન્માર્ક અને સ્વિડને પણ બાળકોને મોડર્નાની રસીનો એક જ ડોઝ આપવાનો બુધવારે નિર્ણય લીધો. ડૉક્ટર્સે વેક્સિનના બે ડોઝ બાદ બાળકોમાં સામે આવી રહેલી માયોકાર્ડિટિસની આડઅસરને કારણે આ નિર્ણય લીધો છે. માયોકાર્ડિટિસને કારણે બાળકોને છાતીમાં બળતરા થાય છે. ડૉક્ટર્સનું માનવું છે કે એમઆરએનએ વેક્સિનના બે ડોઝ આપ્યા પછી આવું થાય છે.

અમેરિકાના સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા મુજબ જૂનના આંકડા અનુસાર દર 10 લાખ વેક્સિનેટેડ બાળકોએ માયોકાર્ડિટિસના 70 કેસ સામે આવ્યા હતા પણ તેના કારણે વેક્સિનના બંને ડોઝની આડઅસર અંગે ગંભીરતાથી નિર્ણય કરવા અંગે વિચારવું પડ્યું છે. અમેરિકામાં ઘણાં પેરન્ટ્સમાં તેમના બાળકને વેક્સિન અપાવવા અંગે ખચકાટ પણ છે.

ઇઝરાયલમાં સૌથી વધુ કેસ, 54 ગંભીરમાંથી એક જ મોત
ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ અનુસાર, ઇઝરાયલમાં માયોકાર્ડિટિસના સૌથી વધુ કેસ 16 વર્ષથી મોટા કિશોરોમાં સામે આવ્યા છે. તેવાં દર 1 લાખ બાળકોએ 11 બાળકોમાં માયોકાર્ડિટિસનાં લક્ષણો સામે આવ્યાં છે. ઇઝરાયલમાં આવા 54 ગંભીર કેસમાંથી એકનું મોત થયું. રિસર્ચ મુજબ, 16થી 19 વર્ષના કિશોરોમાં વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ 9 ગણા કેસ સામે આવ્યા.

છોકરાઓમાં માયોકાર્ડિટિસના વધુ કેસ, હૃદય પર અસર
યુનિ. ઑફ પિટર્સબર્ગના ડૉ. વેલિડ ગેલાર્ડના કહેવા મુજબ, આંકડા દર્શાવે છે કે બંને ડોઝ લઇ ચૂક્યા હોય તેવાં બાળકોમાં માયોકાર્ડિટિસના વધુ કેસ સામે આવ્યા છે. યુનિ. કોલેજ ઑફ લંડનના ડૉ. જેરેમી બ્રાઉનના જણાવ્યાનુસાર એવું મનાય છે કે માયોકાર્ડિટિસને કારણે બાળકોના હૃદય પર ખરાબ અસર પડે છે પણ હાલ તે અંગે રિસર્ચ ચાલી રહ્યું છે.

અમેરિકામાં કોરોનાને કારણે દોઢ લાખ બાળકો અનાથ થયાં
કોરોનાને કારણે અમેરિકામાં લગભગ દોઢ લાખ બાળકો અનાથ થયાં. મેડિકલ જર્નલમાં પ્રકાશિત લેખ અનુસાર અનાથ થયેલાં મોટા ભાગનાં બાળકો અશ્વેત અને હિસ્પેનિક સમુદાયના છે. અધિકારીઓનું કહેવું છે કે કોરોનાકાળ દરમિયાન અમેરિકાના અનાથાશ્રમોમાં બાળકો 15% વધ્યાં. કોરોનાને કારણે કેલિફોર્નિયામાં સૌથી વધુ બાળકો અનાથ થયાં છે. મિસિસિપી બીજા ક્રમે છે.અન્ય સમાચારો પણ છે...