દાવોસના મંચ પરથી PM મોદીની અપીલ:મિશન LIFEને ગ્લોબલ મૂવમેન્ટ બનાવે પૂરી દુનિયા, "થ્રો અવે કલ્ચર" બની રહ્યું છે ગંભીર પડકાર

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ના મંચ પરથી વિશ્વ સમક્ષ ભારતની ઉપલબ્ધિઓ રજૂ કરી છે. દાવોસ એજન્ડા શિખર સમ્મેલનને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધિત કરતા PM મોદીએ કહ્યું કે ભારતીય યુવાનોમાં આજે એન્ટરપ્રેન્યોરશિપ નવી ઉંચાઈ પર છે. તેમનો દ્રષ્ટિકોણ આ સ્ટાર્ટ-અપ્સની સંખ્યાથી જ અંદાજ લગાવી શકાય છે.

PM મોદીએ વિશ્વને લાઈફ સ્ટાઈલને લીધે ક્લાઈમેટમાં સર્જાઈ રહેલા પડકારો માટે પણ સાવચેત કર્યું અને કહ્યું કે "થ્રો અવે કલ્ચર" અને ઉપભોક્તાવાદે ક્લાઈમેટ માટે મોટા પડકારોનું સર્જન કર્યું છે. તેમણે વિશ્વ સમક્ષ મિશન LIFE માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ ખૂબ જરૂરી છે કે મિશન LIFE એક ગ્લોબલ મૂવમેન્ટ બને. આ સંજોગોમાં જ આગામી પેઢીઓને સુરક્ષિત રાખી શકાશે.

કોરોના કાળમાં ભારતનું વન અર્થ, વન હેલ્થ વિઝન સૌએ જોયું
તેમણે કહ્યું કે કોરોના કાળમાં સમગ્ર વિશ્વએ જોયું છે કે કેવી રીતે ભારતે વન અર્થ, વન હેલ્થ વિઝન પર આગળ વધી સૌને મદદ કરી છે. અનેક દેશોને આવશ્યક દવાઓ, વેક્સિન આપી કરોડો લોકોનું જીવન બચાવ્યું છે. વડાપ્રધાને કહ્યું કે ભારત જેવા મજબૂત લોકશાહી દેશ સમગ્ર વિશ્વને એક સુંદર ઉપહાર આપ્યો છે, જેમાં અનેક આશાઓની પોટલી છે. આ પોટલીમાં અમે ભારતીયોનો લોકશાહી પ્રત્યેનો અતૂટ વિશ્વાસ છે. તેમાં ભારતીયોનો મિજાજ અને ટેલેન્ટ છૂપાયેલ છે.

PMએ વિશ્વ સમક્ષ ભારતની ઉપલબ્ધિ રજૂ કરી

  • આજે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો દવા ઉત્પાદક દેશ છે
  • આજે ભારત વિશ્વમાં વિક્રમજનક સોફ્ટવેર એન્જીનિયર મોકલી રહ્યું છે
  • 50 લાખથી વધારે સોફ્ટવેર ડેવલપર્સ ભારતમાં કામ કરી રહ્યા છે
  • આજે યુનિકોર્ન્સની સંખ્યામાં ભારત ત્રીજા ક્રમ પર છે
  • 10 હજારથી વધારે સ્ટાર્ટ-અપ્સ છેલ્લા 6 મહિનામાં નોંધાયા છે
  • ભારત પાસે વિશ્વનું સૌથી મોટું અને સફલ ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ છે
  • છેલ્લા છ મહિનામાં ભારતમાં UPIના માધ્યમથી 4.4 અબજ ટ્રાન્ઝેક્શન થયા છે.

ભારતમાં કારોબાર માટે નિર્માણ પામેલા વાતાવરણ અંગે માહિતી આપી
PM મોદીએ સૌને ભારતમાં બિઝનેસ કરવા માટે બની રહેલા વાતાવરણ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આજે ભારત ઈઝી ઓફ ડૂઇંગ બિઝનેસને ઉત્તેજન આપી રહ્યું છે. સરકારની દરમિયાનગીરી ઓછામાં ઓછી છે. ભારતે પોતાના કોર્પોરેટ ટેક્સને પણ સરળ બનાવ્યા છે. તેને વિશ્વમાં સૌથી સ્પર્ધાત્મક બનાવવામાં આવ્યા છે. ભારતીયોમાં ઈનોવેશનની, નવી ટેકનોલોજીને સ્વીકારવાની જે ક્ષમતા છે, એન્ટરપ્રેન્યોરશિપની જે સિ્પિરિટ છે, તે આપણા દરેક ગ્લોબલ પાર્ટનરને નવી ઊર્જા આપી શકે છે. માટે ભારતમાં રોકાણ કરવાનો આ ઉત્તમ સમય છે. વર્ષ 2014માં જ્યારે ભારતમાં ગણતરીના જ રજિસ્ટર્ડ સ્ટાર્ટ-અપ્સ હતા. ત્યારે આજે તેની સંખ્યા 60 હજારને પાર થઈ ચુકી છે. આ પૈકી 80થી વધારે યુનિકોર્ન્સ છે, જેમાં 40થી વધારે તો 2021માં જ નિર્માણ પામેલા છે.