જાપાનમાં શિંજો આબેની પાર્ટીને બહુમતી:ત્રણ દિવસ અગાઉ ચૂંટણી પ્રચાર સમયે જીવ ગુમાવેલો, હવે 10 વર્ષ બાદ મળી વિક્રમજનક બેઠક

ટોક્યો3 મહિનો પહેલા

જાપાનના ભૂતપુર્વ વડાપ્રધાન શિંજો આબેની હત્યા થયા બાદ યોજાયેલી ચૂંટણીમાં તેમના પક્ષ લિબરલ ડેમોક્રેટીક પાર્ટી (LDP)નો વિજય થયો છે. સત્તારૂઢ LDPના કોમિટો ગઠબંધનને 76 બેઠક પર બહુમતી હાંસલ થઈ હતી. આ ચૂંટણીમાં 52.05% મતદાતાએ મતદાન કર્યું હતું,જે વર્ષ 2019ની તુલનામાં વધારે હતું. જોકે, જાપાનના ચૂંટણી ઈતિહાસમાં આ બીજા ક્રમની સૌથી ઓછું છે.

આ જીત બાદ LDP પાસે 248 સભ્યના ઉપલા ગૃહમાં 146 બેઠક થઈ ગઈ છે. જ્યારે, વિપક્ષી ડેમોક્રેટીક પાર્ટીની 23 બેઠકથી ઘટી 20 થઈ ગઈ છે. LDPનું આ વર્ષ 2013 બાદ સૌથી સારું પ્રદર્શન છે. જાપાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે જીત બાદ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ આબે માટે મૌન ધારણ કર્યું હતું. ત્યારબાદ તેમણે મીડિયા સમક્ષ કહ્યું કે હિંસાએ અમારી લોકશાહી વ્યવસ્થાના પાયા તથા ચૂંટણી પ્રક્રિયાને જોખમમાં નાંખી દીધા છે. જોકે હું આ ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર હતો.

કિશિદાની ખુરશી ત્રણ વર્ષ માટે સુરક્ષિત
આ જીત સાથે હવે કિશિદાને આગામી ત્રણ વર્ષ સુધી ચૂંટણીમાં જીત મેળવવાની કોઈ જરૂર રહેશે નહીં, જેથી તેમણે પોતાની નીતિને આગળ વધારવા માટે સંપૂર્ણપણે છૂટ મળશે. જોકે, કોરોના મહામારી તથા યુક્રેન યુદ્ધથી જે મોંઘવારીની સ્થિતિ તથા રાષ્ટ્રીય સુરક્ષાને લગતો મુદ્દો ઉપસ્થિત થયો છે તે તેમની સમક્ષ એક મોટો પડકાર તરીકે ઉભરી આવેલ છે. જાપાનના વડાપ્રધાને જીત બાદ પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું કે અમે નવા આર્થિક મોડેલનો ઉદ્દેશ આર્થતંત્રને ફરીથી પાટે ચડાવવાનો છે. આ સાથે રાજકીય, સુરક્ષા તથા બંધારણીય સુધારા અંગે સતત કામગીરી આગળ વધારવામાં આવશે.

ત્રણ દિવસ અગાઉ ચૂંટણી પ્રચાર સમયે હુમલો થયો હતો
ત્રણ દિવસ અગાઉ ચૂંટણી પ્રચાર સમયે જાપાનના નારા શહેરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શિંજો આબેની ચૂંટણી પ્રચાર સમયે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની તપાસ જાપાનની પ્રીમિયમ ઇન્વેસ્ટિગેશન એજન્સી NPA (નેશનલ પોલીસ એજન્સી) કરી રહી છે.