ચીનની કઠણાઈ:5 દિવસમાં વધુ 20 શહેરોમાં લૉકડાઉન, બેજિંગમાં જોખમ વધ્યું

બેઈજિંગ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુનિયા લૉકડાઉનમુક્ત, ચીનમાં 34 કરોડની વસતી ઘરોમાં કેદ

કોરોનાકાળના લગભગ અઢી વર્ષમાં આજે આખી દુનિયા ઓપન અપ થઈ ચૂકી છે. જોકે ચીન સિવાય કોઈ પણ દેશમાં લૉકડાઉન નથી. 5 દિવસમાં ચીનના વધુ 20 શહેરોમાં લૉકડાઉન લગાવવાની ફરજ પડી છે. ચીનમાં હવે લૉકડાઉનવાળાં શહેરોની સંખ્યા વધીને 46 થઈ ચૂકી છે. સાથે જ લૉકડાઉનમાં વસતી પણ 21 કરોડથી વધીને 34 કરોડ પહોંચી ગઈ છે. લગભગ 2.5 કરોડની વસતી ધરાવતું શાંઘાઈ શહેર પહેલાથી લૉકડાઉનમાં છે અને હવે 2.15 કરોડની વસતી ધરાવતા બેઈજિંગમાં પણ લૉકડાઉનનો ખતરો વધ્યો છે.

શાંઘાઈમાં હજુ પણ રોજ 12 હજાર લોકો પોઝિટિવ મળી રહ્યા છે. ચીન તેની ઝીરો કોવિડ પોલિસીને કડક રીતે અમલી બનાવવા મથી રહ્યું છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ પદાધિકારી અને રાષ્ટ્રપતિ જિનપિંગના નજીકના લી ક્વાંગે શુક્રવારે કોરોના વિરુદ્ધ મુકાબલો કરવા તમામ સ્તરે સૈન્ય આદેશ જારી કર્યા છે. કોવિડ પોલિસીનું પાલન દરેક સ્તરે કરાવાશે.

જિનપિંગની હઠ - કહ્યું ઝીરો કોવિડ નીતિ અમલી રહેશે
ચીનમાં ઝીરો કોવિડ નીતિ ફેલ થવા છતાં જિનપિંગ તેમની ઝીરો કોવિડ નીતિ પર અડગ છે. જિનપિંગે શુક્રવારે પહેલીવાર રાષ્ટ્રના નામે તેમના સંબોધનમાં કહ્યું કે ઝીરો કોવિડ નીતિથી જ કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી શકાશે. કોઈ પણ દેશ ચીનની આ નીતિ સામે આંગળી ન ચીંધે. ઝીરો કોવિડ નીતિમાં સંક્રમણના કેસ આવતા દર્દીઓને ફરજિયાત રૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.

બેજિંગમાં 2થી 90 વર્ષના લોકોનું ટેસ્ટિંગ થશે
શાંઘાઈની જેમ સંક્રમણ બેકાબૂ ન થાય તે માટે બેઈજિંગમાં વધુ કડકાઈ કરાઈ છે. હવે બેઈજિંગમાં લૉકડાઉન લગાવાયું નથી પણ દરરોજ 1000થી વધુ કેસ આવવાના કારણે 2 વર્ષથી 90 વર્ષ સુધીના તમામ લોકોના ટેસ્ટિંગના આદેશ જારી કરાયા છે. બેઈજિંગના 70માંથી 60 સબ-વે લૉકડાઉનની જાહેરાત વિના જ બંધ કરી દેવાયા છે. જાહેર સ્થળો પણ બંધ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...