UNની ડરામણી ચેતવણી:ભારતમાં ફરીથી વરસી શકે છે બીજી લહેર જેવો કોરોનાનો કહેર

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંયુક્ત રાષ્ટ્ર (UN)ના એક રિપોર્ટ “યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ઈકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટસ (WESP) 2022માં એક ભયભીત કરતી ચેતવણી ઉચ્ચારાઈ છે. યુએનની આ ચેતવણી અનુસાર, ભારતમાં એપ્રિલ અને જૂન 2021 દરમિયાન કોવિડ-19ના ડેલ્ટા વેરિયન્ટની ઘાતક લહેરમાં 2,40,000 લોકોનાં મોત થયાં હતાં તથા આર્થિક સુધારામાં અવરોધ પેદા થયો હતો અને હવે નજીકના સમયમાં પણ આવી જ સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે.

યુએનના WESP 2022 રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે કોવિડ-19ના વધુ ચેપી ઓમિક્રોન વેરિયન્ટની નવી લહેરોને કારણે મૃતકોની સંખ્યા અને આર્થિક નુકસાનમાં ફરીથી વધારો થવાનું અનુમાન છે.

કોવિડ-19ને નિયંત્રિત કરવા સમન્વિત અને સાતત્યપૂર્ણ દૃષ્ટિકોણ જરૂરી
યુએનના આ રિપોર્ટમાં જણાવાયું છે, ‘ભારતમાં ડેલ્ટા સ્વરૂપના સંક્રમણની એક ઘાતક લહેરે એપ્રિલ અને જૂન દરમિયાન ગત વર્ષે 2,40,000 લોકોને મોતના મુખમાં મોકલી દીધા હતા અને આર્થિક સુધારામાં અવરોધ પેદા થયો હતો. નજીકના સમયમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ શકે છે. આ અંગે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક તથા સામાજિક મામલાના વિભાગના અવર મહાસચિવ લિયુ જેનમિને કહ્યું હતું કે કોવિડ-19ને નિયંત્રિત કરવા માટે એક સમન્વિત અને સાતત્યપૂર્ણ વૈશ્વિક દૃષ્ટિકોણ વિના આ મહામારી વૈશ્વિક અર્થવ્યવસ્થાની ગતિ અને સ્થાયી ગ્રોથ સામે સૌથી મોટું જોખમ બની રહેશે.

અત્યારે મહામારીનો ફેલાવો એની ચરમસીમાએ છે અને એનાથી સાવધ રહેવું જરૂરી છે.
અત્યારે મહામારીનો ફેલાવો એની ચરમસીમાએ છે અને એનાથી સાવધ રહેવું જરૂરી છે.

કોરોનાની એન્ડેમિક તરફ ગતિ
કોરોના વાઇરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા કેસો દરમિયાન યુરોપિયન યુનિયનના નિષ્ણાતોએ કહ્યું હતું કે આ ફેલાવો કોવિડ મહામારીને એન્ડેમિક (સામાન્ય અને નિયમિત બીમારી) તરફ લઈ જઈ રહ્યો છે. આ વિશે અમેરિકન ચેપી રોગ નિષ્ણાત ડો. ફોસીએ કહ્યું હતું કે સંક્રમિતોની રેકોર્ડ સંખ્યા પછી પણ દેશ કોરોનાની સાથે રહેવાની નજીક પહોંચી ગયો છે, જ્યાં કોવિડ-19 એક સંભાળી શકાય એવી બીમારી હશે.

ઓમિક્રોન સાથે નેચરલ ઈમ્યુનિટી પ્રાપ્ત થવાનો વિશ્વાસ
યુરોપિયન મેડિસિન એજન્સીના વેક્સિનેશન સ્ટ્રેટેજી ચીફ માર્કો કેવલેરીએ કહ્યું, ‘કોઈ જાણતું નથી કે આપણે કોવિડ રૂપી આ સુરંગના અંતિમ છેડે ક્યારે પહોંચીશું, પણ આપણે ત્યાં હોઈશું.’ તેમણે કહ્યું હતું કે સામાન્ય જનતામાં ઈમ્યુનિટીમાં વધારો તથા ઓમિક્રોનની સાથે ખૂબ નેચરલ ઈમ્યુનિટી હાંસલ થશે. આપણે ઝડપથી એવી દિશામાં આગળ વધી રહ્યા છીએ કે જે એન્ડેમિસિટીની નજીક હશે. જોકે અત્યારે મહામારીનો ફેલાવો એની ચરમસીમાએ છે અને એનાથી સાવધ રહેવું જરૂરી છે.