અમેરિકાની 71 વર્ષીય લેખિકાને તેના પતિની હત્યાના આરોપમાં જન્મટીપની સજા ફટકારાઈ છે. રસપ્રદ વાત એ છે કે નેન્સી ક્રેમ્પટન બ્રૉફી નામની આ મહિલાએ એક પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છે- ‘હાઉ ટુ મર્ડર યોર હસબન્ડ’ એટલે કે પોતાના પતિની હત્યા કેવી રીતે કરવી. લેખિકાને નોર્થ વેસ્ટર્ન સ્ટેટ ઓરગૉનના જજે સજા સંભળવાતા કહ્યું કે તેઓ 25 વર્ષ બાદ પેરોલ માટે અરજી કરી શકશે.
નેન્સીએ પતિ ડેનિયલની જૂન 2018માં હત્યા કરી હતી. પોલીસે ઘટનાના ત્રણ મહિના બાદ તેની ધરપકડ કરી હતી. નેન્સી ક્રેમ્પટનના કેસનો ટ્રાયલ મહિના સુધી ચાલ્યો. આ દરમિયાન જાણવા મળ્યું કે કેવી રીતે તેણે પોતાના પતિને મારવા માટે ઈબેથી ગન બૈરલ ખરીદી. તેની પાછળનું કારણ હતું કે તે પોતાના પતિના લાઇફ ઇન્શ્યોરન્સના હજારો ડૉલર્સ મેળવવાની આશા રાખી રહી હતી. નેન્સીના પતિ ડેનિયલ બ્રૉફી એક શૅફ હતા. તેમની હત્યા જૂન 2018માં ત્યારે થઈ જ્યારે તેઓ પોતાના કુલિનરી ઇન્સ્ટિટ્યૂટમાં ક્લાસ આપવાની તૈયારી કરી રહ્યા હતા. પોર્ટલેન્ડના મુલ્નોમાહ કાઉન્ટી કોર્ટે સજા ફટકારી.
તમામ પુરાવા નેન્સીની વિરુદ્ધ હતા, સીસીટીવીમાં પણ જોવા મળી હતી
કોર્ટમાં નેન્સીએ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે અનેક દલીલો કરી હતી. તેણે કહ્યું હતું કે તેને આવું કંઈ પણ યાદ નથી. જોકે સીસીટીવી ફુટેજમાં તેે ડેનિયલના ઇન્સ્ટિટ્યૂટની આસપાસ જોવા મળી હતી. નેન્સીના વકીલે ગત સપ્તાહે કહ્યું હતું કે તેઓ ચુકાદાની વિરુદ્ધ અપીલ કરશે. તેમણે એવું પણ કહ્યું હતું કે કપલે જીવન માટે વર્ષો સુધી આર્થિક તંગી વેઠી હતી, તેથી તેમની પાસે ડેનિયલને મારવાનું કોઈ કારણ નહોતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.