• Gujarati News
 • International
 • Learn About The Taliban A To Z, A Hardline Group Against Which Even The Superpower America Has Taken Up Arms

અફઘાનિસ્તાનમાં ફરી આતંકનો ઓછાયો:જાણો તાલિબાન અંગે A to Z, આ એવું કટ્ટર જૂથ છે, જેની સામે મહાસત્તા અમેરિકાએ પણ હથિયાર હેઠાં મૂક્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • લગભગ બે દશકા બાદ અમેરિકા 11 સપ્ટેમ્બર, 2021 સુધીમાં અફઘાનિસ્તાનમાંથી પોતાના તમામ સૈનિકોને હટાવવાની તૈયારી કરી રહ્યું છે
 • તાલિબાન એક સુન્ની ઈસ્લામિક આંદોલન હતું, જે દક્ષિણી અફઘાનિસ્તાનમાં 1994ની આસપાસ શરૂ થયું હતું

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ત્રાસ ફરી શરૂ થયો છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો પરત ફરશે ત્યારે તાલિબાન ફરી આ સુંદર પહાડી દેશમાં હાવિ થઈ જશે, એવી શક્યતા અનેક લોકોએ વિચારી હતી, જે હવે હકીકત બનવા જઈ રહી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની શી ભૂમિકા છે અને અમેરિકી સેના ત્યાં રહે કે જતી રહે તો એની શી અસર થશે એ જાણવું મહત્ત્વનું છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાએ તાલિબાનને વર્ષ 2001માં સત્તા પરથી ઉખેડી ફેંક્યા હતા, પરંતુ ધીમે-ધીમે આ ગ્રુપ પોતાને મજબૂત કરતું ગયું અને ફરી એક વખત તેનો દબદબો જોવા મળી રહ્યો છે.

લગભગ બે દશકા બાદ અમેરિકા 11 સપ્ટેમ્બર, 2021 સુધી અફઘાનિસ્તાનમાંથી પોતાના તમામ સૈનિકોને હટાવવાની તૈયારી કરી રહ્યું છે, જેને પગલે હવે ફરી તાલિબાની જૂથનું નિયંત્રણ ફરી વધી શકે છે, સાથે જ એવી આશંકા પણ થવા લાગી છે કે તાલિબાનીઓ ફરી સત્તા કબજે કરવા, અફઘાનની સ્થિર સરકારને અસ્થિર બનાવી શકે છે, એટલે કે અફઘાનિસ્તાનમાં ફરી એવી સ્થિતિ ઊભી થવાની આશંકા છે કે જે ત્યાં 22-24 વર્ષ પહેલાં જોવા મળતી હતી. ત્યારે જાણીએ તાલિબાનનો અર્થ શું થાય છે, તાલિબાન કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું, તાલિબાન આટલું ખાસ કેમ છે અને તેનું વર્ચસ્વ ફરી વધશે તો ચિંતાની વાત કેમ છે?

તાલિબાન શું છે?
તાલિબાન એક સુન્ની ઈસ્લામિક આંદોલન હતું, જે દક્ષિણી અફઘાનિસ્તાનમાં 1994ની આસપાસ શરૂ થયું હતું. પશ્તો ભાષામાં તાલિબાનનો અર્થ થાય છે ઈસ્લામિક કટ્ટરપંથને માનનારાઓ વિદ્યાર્થીઓ. શરૂઆતમાં આ એક રાજકીય આંદોલન ગણાતું હતું, જેના સભ્યો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના મદરેસાઓમાં ભણતા વિદ્યાર્થીઓ હતા.

90ના દશકાની શરૂઆતમાં જ્યારે સોવિયત સંઘ અફઘાનિસ્તામાંથી પોતાના સૈનિકોને પરત બોલાવી રહ્યા હતા એ સમયે તાલિબાનનો વિકાસ થયો હતો. માનવામાં આવે છે કે પશ્તો આંદોલન પહેલાં ધાર્મિક મદરેસાઓમાંથી શરૂ થયું, જેના માટે સાઉદી આરબે ફંડિંગ કર્યું. આ આંદોલનમાં સુન્ની ઈસ્લામની કટ્ટર માન્યતાઓનો પ્રચાર કરવામાં આવતો હતો. એ બાદ તાલિબાની અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ફેલાયેલા પશ્તુન વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાની સ્થાપનાની સાથે-સાથે શરિયા કાનૂનના કટ્ટરપંથી સંસ્કરણોને લાગુ કરવાનો વાયદો કરવા લાગ્યા હતા. આ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો પ્રભાવ ઝડપથી વધ્યો. સપ્ટેમ્બર 1995માં તેમણે ઈરાનની સરહદ સાથે સંલગ્ન હેરાત પ્રાંત પર કબજો જમાવ્યો, જેના ઠીક એક વર્ષ પછી તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો જમાવ્યો.

અફઘાનિસ્તાનમાં તાલિબાની સમર્થકોની સંખ્યા વધુ છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાની સમર્થકોની સંખ્યા વધુ છે.

90ના દશકામાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો
1990ના દશકામાં તાલિબાને અફઘાનિસ્તાનના રાજધાની કાબુલ પર કબજો જમાવ્યો અને બીજા બે વર્ષમાં એટલે કે 1998 આવતા આવતા તેમણે અફઘાનિસ્તાનના 90 ટકા વિસ્તારમાં કબજો જમાવી દીધો. સોવિયત સૈનિકોએ અફઘાનિસ્તાનમાં એક્ઝિટ બાદથી ગૃહ યુદ્ધનો સામનો કરી રહેલા અફઘાની લોકો બુરહાનુદ્દીન રબ્બાનીના શાસનથી કંટાળી ગયા હતા. ત્યારે તાલિબાન એક બદલાવ લાવશે તેવી અફઘાની લોકોમાં આશા જન્મી હતી.

કટ્ટરપંથી કાયદાથી તાલિબાને દેખાડ્યો અસલી રંગ
તાલિબાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિપદેથી બુરાહાનુદ્દીન રબ્બાને સત્તા પરથી હટાવ્યા. રબ્બાની સોવિયત સૈનિકોના અતિક્રમણના વિરોધ કરનારા અફઘાન મુઝાહિદ્દીનના સંસ્થાપક સભ્યોમાંથી એક હતા. ભ્રષ્ટાચાર પર અંકુશ, અરાજકાતની સ્થિતિમાં સુધારો, રસ્તાઓનું નિર્માણ અને તેમના નિયંત્રણવાળા વિસ્તારોમાં ઉદ્યોગોને પ્રોત્સાહન જેવી સુવિધાઓ આપવાને કારણે શરૂઆતમાં તાલિબાનીઓ લોકપ્રિય પણ થયા, પરંતુ આ દરમિયાન જ તાલિબાને સજા આપવા માટે ઈસ્લામિક પદ્ધતિઓને લાગુ કરી, એટલે કે હત્યા અને વ્યભિચારના દોષિતોને સાર્વજનિક સ્થળોએ ફાંસી આપવી તેમજ ચોરી જેવા ગુનામાં દોષિતોના અંગ કાપી નાખવા જેવી સજાઓ સામેલ હતી.

આ ઉપરાંત પુરુષોને ફરજિયાત દાઢી રાખવી અને મહિલાઓએ આખું શરીર ઢંકાય જાય તેવા બુરખાનો ઉપયોગ કરવો અનિવાર્ય બનાવી દીધું. તાલિબાને ટેલિવિઝન, સંગીત અને સિનેમા પર પણ પ્રતિબંધ મૂકી દીધો અને 10 વર્ષ અને એનાથી વધુની ઉંમરની યુવતીઓને સ્કૂલે જવા પર પ્રતિબંધ મૂકી દીધો.

તાલિબાને યુવતીઓ માટે દહેજ આપવા બાબતે પણ નવા નિયમ બનાવ્યા હતા (ફાઈલ)
તાલિબાને યુવતીઓ માટે દહેજ આપવા બાબતે પણ નવા નિયમ બનાવ્યા હતા (ફાઈલ)
કોઈ યુવતીને સજા આપતો તાલિબાની. આ ફોટો જે-તે સમયે ઘણો જ વાઇરલ થયો હતો (ફાઈલ)
કોઈ યુવતીને સજા આપતો તાલિબાની. આ ફોટો જે-તે સમયે ઘણો જ વાઇરલ થયો હતો (ફાઈલ)

તાલિબાન સરકારને માન્યતા આપનારા દેશ

 • તાલિબાન પર માનવાધિકારના ઉલ્લંઘન અને સાંસ્કૃતિક દુર્વ્યવહાર સાથે જોડાયેલા અનેક આરોપો લાગવાના શરૂ થઈ ગયા હતા, જેનું એક વરવું ઉદાહરણ વર્ષ 2001માં ત્યારે જોવા મળ્યું જ્યારે તાલિબાને ઈન્ટરનેશનલ સ્તરે વિરોધ હોવા છતાં મધ્ય અફઘાનિસ્તાનના બામિયાનમાં ભગવાન બુદ્ધની પ્રતિમાને નષ્ટ કરી દીધી.
 • તાલિબાનીઓને છાવરવામાં અને તેને મજબૂત બનાવવામાં પાકિસ્તાન સતત ઈનકાર કરતો રહ્યો હતો, પરંતુ આ વાતમાં કોઈ જ શંકા નથી કે શરૂઆતમાં તાલિબાની આંદોલન સાથે જોડાયેલા લોકો પાકિસ્તાનના મદરેસાઓમાંથી નીકળ્યા હતા.
 • અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનનું નિયંત્રણ હતું ત્યારે પાકિસ્તાન દુનિયાના તે ત્રણ દેશોમાં સામેલ હતું, જેને તાલિબાન સરકારે માન્યતા આપી હતી. પાકિસ્તાન ઉપરાંત સાઉદી આરબ અને સંયુક્ત આરબ અમીરાતે પણ તાલિબાન સરકારનો સ્વીકાર કર્યો હતો. આટલું જ નહીં, તાલિબાન સાથેના પોતાના રાજન્યાયિક સંબંધો તોડવાવાળા દેશોમાં પણ પાકિસ્તાન સૌથી છેલ્લો દેશ હતો.

9/11ની ઘટના અને તાલિબાનના વળતા પાણી
11 સપ્ટેમ્બર, 2001ના રોજ ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો, જે બાદ વિશ્વભરના લોકોનું ધ્યાન તાલિબાન પર ગયું. હુમલાનો મુખ્ય આરોપી ઓસામા બિન લાદેન અને અલ કાયદાના આતંકીઓને શરણ આપવાનો આરોપ તાલિબાન પર લાગ્યો.

7 ઓક્ટોબર, 2001ના રોજ અમેરિકાના નેતૃત્વમાં સૈન્ય ગંઠબંધને અફઘાનિસ્તાન પર હુમલો કરી દીધો અને ડિસેમ્બરના પહેલાં સપ્તાહમાં તાલિબાનનું શાસન ખતમ થઈ ગયું. તાલિબાની જૂથના અનેક લોકોએ પાકિસ્તાનના ક્વેટા શહેરમાં આશરો લીધો અને ત્યાંથી લોકોને નિર્દેશ કરવા લાગ્યા. જોકે હંમેશાંની જેમ જ પાકિસ્તાન સરકાર ક્વેટામાં તાલિબાનીઓની હાજરીનો ઈનકાર કરતી રહી.

અસુરક્ષા અને સતત હિંસા
મોટી સંખ્યામાં વિદેશી સૈનિકોની હાજરી છતાં પણ તાલિબાન ધીમે-ધીમે પોતાને મજબૂત કરતું રહ્યું અને અફઘાનિસ્તાનમાં પોતાના પ્રભાવને વધાર્યું. એનું પરિણામ એ આવ્યું કે અફઘાનિસ્તાનમાં સતત અસુરક્ષા અને હિંસાનું વાતાવરણ ફરી દેખાવા લાગ્યું, જે 2001 બાદથી શાંત પડી ગયું હતું.

સપ્ટેમ્બર 2012માં તાલિબાનીઓએ કાબુલમાં અનેક હુમલા કર્યા તેમજ નાટો કેમ્પને પણ ટાર્ગેટ બનાવ્યા. વર્ષ 2013માં શાંતિની આશા ત્યારે જાગી જ્યારે તાલિબાને કતારમાં પોતાની ઓફિસ ખોલવાની જાહેરાત કરી. જોકે ત્યારે તાલિબાન અને અમેરિકાની સેનાનો એકબીજા પર વિશ્વાસનો અભાવ હતો, જેને પગલે હિંસા તો યથાવત્ જ રહી.

ઓગસ્ટ 2015માં તાલિબાને સ્વીકાર્યું કે સંગઠને મુલ્લા ઉમરના મોતને બે વર્ષ સુધી જાહેર ન કર્યું. મુલ્લા ઉમરનું મોત કથિત સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે પાકિસ્તાનની એક હોસ્પિટલમાં થયું હતું. આ સમયગાળામાં જ તાલિબાનીઓએ મુલ્લા મંસૂરને પોતાના નવા નેતા તરીકે પસંદ કર્યો.

90 દશકામાં તાલિબાનનો ત્રાસ અસહ્ય હતો. 9/11ની ઘટના બાદ અમેરિકાએ અફઘાનિસ્તામાં હુમલો કરી તાલિબાનીઓને ખદેડ્યા (ફાઈલ)
90 દશકામાં તાલિબાનનો ત્રાસ અસહ્ય હતો. 9/11ની ઘટના બાદ અમેરિકાએ અફઘાનિસ્તામાં હુમલો કરી તાલિબાનીઓને ખદેડ્યા (ફાઈલ)

અમેરિકા અને તાલિબાન વચ્ચે કરાર
2013ના સમયગાળા દરમિયાન તાલિબાને ફરી 2001ની હારને ભુલાવીને કોઈ દેશની રાજધાની પર પોતાનું પ્રભુત્વ જમાવી દીધું હતું. રણનીતિક રીતે ઘણા મહત્ત્વના શહેર કુંડુઝ પર તેમણે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. મુલ્લા મંસૂરની હત્યા અમેરિકી ડ્રોન હુમલામાં મે, 2016માં થયું, જે બાદ સંગઠનની કમાન તેના ડેપ્યુટી રહેલા મૌલવી હિબ્તુલ્લાહ અખુંઝાદાને સોંપવામાં આવી. હાલ તેના જ હાથોમાં તાલિબાનનું નેતૃત્વ છે.

ફેબ્રુઆરી 2020માં અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ. અનેક તબક્કાની વાતચીત પછી આ સમજૂતી થઈ હતી. એ બાદ તાલિબાને શહેરો અને સૈન્ય ઠેકાણાં પર હુમલાઓ શરૂ કર્યા, તેમજ ખાસ લોકોને પોતાના ટાર્ગેટ બનાવવાની શરૂઆત કરી. તાલિબાનના હુમલાને પગલે અફઘાનિસ્તાનની જનતા ફરી આતંકિત થઈ ગઈ.

20 વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં યુએસ સેના અને તાલિબાનીઓ વચ્ચે યુદ્ધ થયા બાદ હવે કરાર થયા છે, જે અંતર્ગત અમેરિકાએ તાલિબાન સાથે હથિયાર હેઠાં મૂક્યાં છે અને ઘરવાપસીનું મન બનાવ્યું છે.
20 વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં યુએસ સેના અને તાલિબાનીઓ વચ્ચે યુદ્ધ થયા બાદ હવે કરાર થયા છે, જે અંતર્ગત અમેરિકાએ તાલિબાન સાથે હથિયાર હેઠાં મૂક્યાં છે અને ઘરવાપસીનું મન બનાવ્યું છે.

હવે વધશે તાલિબાનીઓનો ખતરો

 • અમેરિકા સાથે શાંતિ સમજૂતી થયા બાદ તાલિબાનીઓએ પત્રકારો, જજ, શાંતિ કાર્યકર્તા અને ઉચ્ચ પદો પર બેઠેલી મહિલાઓને ટાર્ગેટ બનાવવામાં આવી. બે દશકામાં તાલિબાને પોતાની રણનીતિ બદલી, પરંતુ કટ્ટરપંથી વિચારધારા યથાવત્ જ રાખી.
 • અફઘાનિસ્તાનના અધિકારીઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે આંતરરાષ્ટ્રીય મદદ વગર અફઘાનિસ્તાન સરકારની સામે અસ્તિત્વ બચાવવાનું સંકટ ઊભું થશે, પરંતુ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડને એપ્રિલ-2021માં જાહેરાત કરી દીધી કે 11 સપ્ટેમ્બર સુધીમાં બધા જ અમેરિકી સૈનિકો પરત ફરશે.
 • બે દશકા સુધી અમેરિકા જેવી મહાશક્તિને થકાવ્યા બાદ તાલિબાન હવે મોટા વિસ્તારોમાં પોતાનો કબજો મજબૂત બનાવવાનું શરૂ કર્યું છે. ત્યારે અમેરિકી સેના બહાર થયા બાદ કાબુલમાં સરકાર અસ્થિર થશે તેવો ખતરો તોળાય રહ્યો છે.

અફઘાનિસ્તાન સરકાર 6 મહીનામાં પડી શકે છે:20 વર્ષમાં 149 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા બાદ અફઘાનિસ્તાનથી ખાલી હાથે પરત ફર્યું અમેરિકા

ફરી મજબૂત બની રહ્યું છે તાલિબાન
માનવામાં આવે છે કે વર્ષ 2001 પછી પહેલી વખત તાલિબાન એટલું મજબૂત જોવા મળી રહ્યું છે. નાટોના આંકલન મુજબ હાલ તાલિબાનીઓની સંખ્યા 85 હજારની આસપાસ છે. હાલ તાલિબાનીઓનો કેટલા વિસ્તાર પર કબજો છે એ સ્પષ્ટ નથી પરંતુ અનુમાન છે કે અફઘાનિસ્તાનના પાંચમા ભાગથી લઈને એક તૃતિયાંશ ભાગની વચ્ચેના વિસ્તાર પર નિયંત્રણ છે.

તાલિબાન એટલું ઝડપથી વધી રહ્યું છે કે એ વાત ઘણા લોકોની ચિંતા વધી રહી છે. અફઘાનિસ્તામાં અમેરિકી નેતૃત્વવાળા મિશનના કમાન્ડર જનરલ ઓસ્ટિન મિલરે જૂનમાં જ ચેતવણી આપી હતી કે અફઘાનિસ્તાન ગૃહ યુદ્ધ તરફ વધી શકે છે.

જૂન મહિનામાં જ અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ પણ અફઘાનિસ્તાનની સ્થિતિનું આંકલન કર્યું હતું. જે બાદ તેવું કહેવામાં આવે છે કે અમેરિકી સૈનિકોની એક્ઝિટના છ મહિનામાં જ અફઘાનિસ્તાન સરકાર પડી ભાંગશે અને ફરી શરિયા કાનૂન, મહિલાઓ માટે દોજખભરી જિંદગી અને તાલિબાનીઓનું શાસન શરૂ થશે.