અમેરિકામાં ડેલ્ટા વેરિયેન્ટનો કેર:હોસ્પિટલોમાં ICU બેડની અછત; હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા જૂન કરતાં 20 ગણી વધી

વૉશિંગ્ટન13 દિવસ પહેલા
ફાઇલ તસવીર
  • અમેરિકામાં હજુ અનેકે રસી ના લેતાં સંક્રમણ વકર્યું

અમેરિકામાં કોરોના સંક્રમણથી બચવા માટે મોટા પાયે રસીકરણ કરાયું હોવા છતાં ન્યૂ ઈંગ્લેન્ડ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સંક્રમણ વધ્યું છે. નિષ્ણાતોના મતે, અહીં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે કેર મચાવ્યો છે. આ વિસ્તારની તમામ હોસ્પિટલોનાં આઈસીયુ બેડ ભરાઈ ગયાં છે. એટલું જ નહીં, દર્દીઓ અચાનક વધી જતાં હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફની પણ અછત સર્જાઈ છે.

સરકારી કર્મચારીઓ રસીકરણ નહીં કરાવનારાને તાત્કાલિક રસી મુકાવવાની અપીલ કરી રહ્યા છે, કારણ કે એવું મનાય છે કે 90% રસીકરણ પછી જ હર્ડ ઈમ્યુનિટી વિકસિત થશે. મેસાચ્યુસેટ્સની સૌથી મોટી હેલ્થ સિસ્ટમ યુમાસ મેમોરિયલ હેલ્થના વડાના મતે, હાલમાં જ સ્થાનિક હોસ્પિટલોમાં ભરતી થનારા દર્દીઓની સંખ્યા જૂનની તુલનામાં 20 ગણી વધી ગઈ છે. અહીંની હોસ્પિટલોમાં તમામ આઈસીયુ બેડ ભરાઈ ગયા છે.

એસોસિયેટેડ પ્રેસના આંકડા પ્રમાણે, અમેરિકામાં પાંચ સૌથી વધુ રસીકરણ કરનારા રાજ્યોમાં ન્યૂ ઈંગ્લેન્ડ, વર્મોન્ટ, કનેક્ટિકટ, મેઈન, રોડ આઈલેન્ડ અને મેસાચ્યુસેટ્સ છે, જ્યારે ન્યૂ હેમ્પશાયર દસમા ક્રમે છે. આમ છતાં, અનેક લોકોએ હજુ રસી લીધી નથી અને તેઓ અસરુક્ષિત છે. આ સ્થિતિમાં કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટના કેસ સતત વધી રહ્યા છે.

બીજી તરફ, વર્મોન્ટ રાજ્યમાં કોરોનાના આંકડા પર દેખરેખ રાખતા મઈકલ પિસિયાકે કહ્યું કે, ‘આ ખૂબ જ હતાશાજનક સ્થિતિ છે. અમે ઈચ્છીએ છીએ કે, આ સ્થિતિમાં ખાસ કરીને બાળકો સુરક્ષિત રહે. જોકે, અમારી અપીલ છે કે, સ્કૂલે જતાં બાળકોનાં માતાપિતા તેમનાં બાળકોના આરોગ્ય અને શિક્ષણ બંનેને લઈને ખૂબ જ ચિંતિત ના થાય.’ નોંધનીય છે કે કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા શુક્રવારે સાત લાખને પાર થઈ ગઈ હતી.