અલ-કાયદાનો વડો અલ જવાહિરી ડ્રોન-સ્ટ્રાઇકમાં ઠાર:12 મહિનાથી કાબુલમાં છુપાયો હતો, બાઇડને કહ્યું - અમે શોધીને માર્યો, તાલિબાન ભડક્યું

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ડ્રોન હુમલામાં અલ-કાયદાના નેતા અલ-જવાહિરીને મારી નાખ્યો છે. ગુપ્ત બાતમી મળ્યા બાદ રવિવારે બપોરે જવાહિરી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. 2011માં સ્થાપક ઓસામા બિન લાદેનની હત્યા બાદ જવાહિરીએ અલ-કાયદાની કમાન સંભાળી હતી.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલો અનુસાર, આ ડ્રોન હુમલો અમેરિકી ગુપ્તચર એજન્સી CIAની વિશેષ ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર સત્તામાં આવી ત્યારથી જવાહિરી કાબુલમાં રહેતો હતો. જ્યારે તાલિબાન અમેરિકન કાર્યવાહી પર રોષે ભરાયું છે અને તેને દોહા સમજૂતીનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

બાઇડને કહ્યું- શોધીને માર્યો, ઓપરેશન સફળ
અલ-જવાહિરીની હત્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે કહ્યું- અમે જવાહિરીને શોધીને મારી નાખ્યો છે. અમેરિકા અને તેના લોકો માટે ખતરો ઊભો કરનારી કોઈપણ વ્યક્તિને અમે છોડીશું નહીં. અમે અફઘાનિસ્તાનમાં આતંકીઓ પર હુમલા ચાલુ રાખીશું.

9/11 હુમલાનો આરોપી હતો અલ-જવાહિરી
11 સપ્ટેમ્બર, 2001ના રોજ, 19 આતંકવાદીએ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે ચાર કોમર્શિયલ પ્લેનને હાઇજેક કરીને અથડાવ્યા હતા. અમેરિકામાં એને 9/11 હુમલા તરીકે ઓળખવામાં આવે છે. આ હુમલામાં 93 દેશના 2 હજાર 977 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં ઓસામા બિન લાદેન, અલ-જવાહિરી સહિત અલ-કાયદાના તમામ આતંકવાદીઓને અમેરિકી તપાસ એજન્સીએ આરોપી બનાવ્યા હતા.

અમેરિકાએ 2011માં પાકિસ્તાનના એબોટાબાદ વિસ્તારમાં ઓસામા બિન લાદેનને ઠાર કરી દીધો હતો.
અમેરિકાએ 2011માં પાકિસ્તાનના એબોટાબાદ વિસ્તારમાં ઓસામા બિન લાદેનને ઠાર કરી દીધો હતો.

અમેરિકાના હુમલામાં જવાહિરી બે વખત બચી ગયો હતો
જવાહિરીને મારવા માટે અમેરિકાએ પહેલાં પણ ઘણીવાર પ્રયાસ કર્યો હતો. 2001માં જવાહિરી અફઘાનિસ્તાનના તોરા બોરામાં છુપાયો હોવાની જાણ થઈ હતી. જોકે હુમલો થાય એ પહેલાં જ જવાહિરી ભાગી ગયો હતો. જોકે આ હુમલામાં તેની પત્ની અને બાળકોનાં મોત થયાં હતાં.

એ જ સમયે 2006માં અમેરિકી ગુપ્તચર એજન્સીએ ફરીથી જવાહિરીને મારવા માટે જાળ બિછાવી હતી. એ સમયે તે પાકિસ્તાનના ડમડોલામાં છુપાયો હોવાની માહિતી મળી હતી. જોકે મિસાઈલ હુમલો થાય એ પહેલાં જ જવાહિરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

એપ્રિલમાં રિલીઝ કર્યો હતો અંતિમ વીડિયો
અલ-જવાહિરીએ આ વર્ષે એપ્રિલમાં 9 મિનિટનો વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં તેણે ફ્રાન્સ, ઈજિપ્ત અને હોલેન્ડને ઈસ્લામિકવિરોધી દેશ ગણાવ્યા છે. વીડિયોમાં જવાહિરીએ ભારતમાં હિજાબ વિવાદ અંગે પણ વાહિયાત નિવેદન આપ્યું હતું.

હવે જાણીએ 11 વર્ષ સુધી અલ-કાયદાના ચીફ રહેલા જવાહિરી વિશે

  • અલ જવાહિરીનો જન્મ 19 જૂન 1951ના રોજ ઇજિપ્તના એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. અરબી અને ફ્રેન્ચ ભાષા બોલતો જવાહિરી વ્યવસાયે સર્જન હતો. 14 વર્ષની ઉંમરે તે મુસ્લિમ બ્રધરહૂડનો સભ્ય બન્યો હતો.
  • 1978માં કૈરો યુનિવર્સિટીમાં ફિલસૂફીની વિદ્યાર્થિની અજા નોવારી સાથે લગ્ન કર્યા. કોન્ટિનેન્ટલ હોટલમાં યોજાયેલા લગ્ને એ સમયના ઉદારવાદી કૈરોમાં સૌનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતું, કારણ કે લગ્ન પુરુષોને સ્ત્રીઓથી અલગ કરી દેવાયા હતા. ફોટોગ્રાફરો અને સંગીતકારોને દૂર રાખવામાં આવ્યા હતા. એટલે સુધી કે હસવાની અને મજાક કરવાની પણ મનાઈ હતી.
  • જવાહિરીએ ઈજિપ્તિયન ઈસ્લામિક જેહાદ (EIJ)ની રચના કરી હતી. તે એક આતંકવાદી સંગઠન હતું, જેણે 1970ના દાયકામાં ઇજિપ્તમાં બિનસાંપ્રદાયિક શાસનનો વિરોધ કર્યો હતો. તેની ઇચ્છા ઇજિપ્તમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાની હતી.
  • 1981માં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદાતની હત્યા બાદ ધરપકડ કરાયેલા અને ત્રાસ સહન કરાયેલા સેંકડો લોકોમાં જવાહિરીનો સમાવેશ થાય છે. ત્રણ વર્ષ જેલમાં રહ્યા બાદ તે દેશ છોડીને સાઉદી અરેબિયા આવ્યો હતો.
  • સાઉદી આવ્યા બાદ તેણે ત્યાંના મેડિસિન વિભાગમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. અલ-જવાહિરી સાઉદી અરેબિયામાં અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનને મળ્યો હતો.
  • લાદેન 1985માં અલ-કાયદાને પ્રોત્સાહન આપવા પાકિસ્તાનના પેશાવર ગયો હતો. આ દરમિયાન અલ-જવાહિરી પણ પેશાવરમાં હતો. અહીંથી બંને આતંકવાદીઓ વચ્ચેના સંબંધો મજબૂત થવા લાગ્યા.
  • 2001માં, અલ-જવાહિરીએ EIJ ને અલ-કાયદા સાથે મર્જ કર્યું. આ પછી બંને આતંકીએ સાથે મળીને દુનિયાને હચમચાવવાનું ષડયંત્ર શરૂ કર્યું.
  • અમેરિકાના હુમલામાં ઓસામા બિન લાદેનના મોત બાદ જવાહિરીએ સંગઠનનું નેતૃત્વ સંભાળ્યું હતું. 2011માં તે અલ-કાયદાનો વડો બન્યો હતો.