ભાસ્કર ઈન્ટરવ્યૂ:જિનપિંગ ઈચ્છે છે કે ઓછામાં ઓછું 2035 સુધી ચીન પર શાસન કરતા રહે... એટલા માટે આક્રમક રાષ્ટ્રવાદ તેમની મજબૂરી છે

પર્થએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન કેવિન રુડ માને છે કે ચીન પર નિયંત્રણ માટે ક્વાડ જરૂરી

ચીન દુનિયા સમક્ષ જેટલું આક્રમક દેખાય છે તેનું કારણ વૈશ્વિકથી વધુ ઘરેલુ છે. 2007થી 2010 સુધી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન રહેલા કેવિન રુડ માને છે કે શી જિનપિંગ ચીનની સત્તામાં જળવાઈ રહેવા આક્રમક રાષ્ટ્રવાદને વેગ આપી રહ્યા છે. રુડ પહેલા એવા પશ્ચિમી રાષ્ટ્રાધ્યક્ષ છે જે ચીની ભાષામાં પારંગત છે. ભાસ્કરના રિતેશ શુક્લ સાથે વિશેષ વાતચીતમાં તેમણે વર્તમાન વૈશ્વિક પરિદૃશ્ય અંગે મુક્તપણે વાત રજૂ કરી. વાંચો સંપાદિત અંશો...

  • વર્તમાન વ્યૂહાત્મક પરિવેશમાં દુનિયા કઈ પરિસ્થિતિમાં છે?

1945થી દુનિયાના મુખ્ય દેશો વચ્ચે સંબંધો ધીમે ધીમે નબળા થતા ગયા છે પણ સ્થિતિ ગંભીર 2014માં થઈ જ્યારે અમેરિકા અને રશિયાના સંબંધો તૂટ્યા. પછી 2017માં ટ્રમ્પે ફ્રી ટ્રેડનો વિરોધ કરી આંતરરાષ્ટ્રીય વ્યાપારિક સંબંધોમાં પણ હિલચાલ પેદા કરી. ટ્રમ્પે ઉ.કોરિયાને મિત્ર ગણાવી માનવાધિકારોની વૈશ્વિકતા સામે સવાલો ઊભા કરી દીધા. તાલિબાનનો અફઘાન પર કબજો વૈશ્વિક માનવાધિકારો અને વ્યક્તિગત સ્વતંત્રતા પર પ્રહાર છે. એક લાઈનમાં કહું તો આજે વ્યૂહાત્મક સંબંધો મર્યા નથી, ઈજાગ્રસ્ત છે.

  • શું ફરીથી શીતયુદ્ધની સ્થિતિ છે? ચીન, રશિયાના સ્થાને છે?

શીતયુદ્ધ શબ્દનો પ્રયોગ યોગ્ય નથી. રશિયા-અમેરિકા વચ્ચે પરમાણુ યુદ્ધની સ્થિતિ પણ વેપાર નહોતો. ચીન સાથે અમેરિકાનો વેપાર ગાઢ છે. એટલું જરૂર છે કે 2012 બાદ ચીન આક્રમક બની ગયું છે. અસલ મુદ્દો દુનિયાની સપ્લાય ચેઈન પર નિયંત્રણનો છે. ટેક્નોલોજીમાં બંને દેશોમાં એકબીજા પર નિર્ભરતા ઘટી ગઈ છે. હવે ચીન નથી ઈચ્છતો કે તેની કંપનીઓ અમેરિકી એક્સચેન્જ પર લિસ્ટ થાય. લિસ્ટ થવા પર કાર્યવાહી કરે છે. મારું માનવું છે કે આ શીતયુદ્ધની પરિસ્થિતિ નથી.

  • ચીન શું ઈચ્છે છે?

ટ્રેડ વૉરની શરૂઆત બાદ ચીન ઈચ્છે છે કે તે સપ્લાય ચેઇન, ટેક્નોલોજી અને શેરબજારમાં અમેરિકા પરની નિર્ભરતા ખતમ કરે. આત્મનિર્ભર રાષ્ટ્રવાદ અને બેવડી મુદ્રાનીતિ પર જિનપિંગનું ધ્યાન વધુ છે.

  • બેવડી મુદ્રાનીતિ શું છે? અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતને આંખ બતાવવી ચીન માટે જરૂરી કેમ છે?

જિનપિંગ કોઇપણ રાજનેતાની જેમ ઈચ્છે છે કે આગામી વર્ષે તે ફરીથી કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી બને. તાકાતોને આંખ બતાવી જિનપિંગ ચીનમાં રાષ્ટ્રવાદને વેગ આપવા માગે છે.

  • તો શું બંને મહાસત્તા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ શકે છે?

2020ના દાયકામાં મને એવી સંભાવના નહોતી દેખાઈ રહી. એક વાત ભૂલવી ન જોઈએ કે જિનપિંગ 2035 સુધી આરામથી શાસન કરી શકે છે. તે ઈચ્છે પણ છે કે જો દુર્ઘટનાવશ પણ યુદ્ધની સ્થિતિ સર્જાય તો ચીન હારથી બચી શકે. સમજી-વિચારીને યુદ્ધ ના કરી શકાય દુર્ઘટનાની અવગણના ન કરી શકાય.

દુર્ઘટનાની સંભાવના ક્યાં બની શકે છે?
તાઇવાન અને પૂર્વ ચીનની ખાડીમાં દુર્ઘટના થવાની સંભાવના બની શકે છે. જો 2024 સુધી તાઇવાનમાં સ્વતંત્ર તાઈવાનની આશા રાખનાર પાર્ટી ફરીથી સરકાર બનાવે તો આ સંભાવના પ્રબળ થઈ જશે.

  • ભારતની આ પરિસ્થિતિમાં શું ભૂમિકા હશે?

હું જાણું છું કે ભારતના સંબંધો રશિયા સાથે સારા છે. રશિયાના રાષ્ટ્રવાદી, ચીનના પિછલગ્ગુ તરીકે ઓળખાવાનું પસંદ નથી કરતા. બાઈડેનના રાષ્ટ્રપતિ બન્યા બાદ રશિયા-અમેરિકા વચ્ચે કડવાશ ઘટી રહી છે. એક વિશ્લેષક તરીકે મારું માનવું છે કે ભારત સામે 3 પડકાર છે. પ્રથમ - ચીન સાથે સરહદી વિવાદ, બીજો- પાકિસ્તાન અને આતંકવાદ તથા ત્રીજો - હિન્દ મહાસાગરમાં ચીન સાથે અથડામણ. 2007માં ક્વાડમાં ભારત અને અમેરિકા બંનેએ રસ દાખવ્યો નહોતો. 2020માં સરહદી વિવાદ બાદ ક્વાડ ફરી જીવંત બન્યું. ભવિષ્યમાં તે આગળ વધી શકે છે. ચીનને આ પસંદ નથી.

અન્ય સમાચારો પણ છે...