અમેરિકામાં 6 જાન્યુઆરી 2021ના રોજ કેપિટલ હિલ(અમેરિકી સંસદ) પર પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમર્થકો દ્વારા કરાયેલા હુમલા અંગે ગુરુવારે સુનાવણી થઈ હતી. તેને 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામોને પલટવાનો પ્રયાસ મનાયો હતો. આ મામલે સુનાવણી કરી રહેલી અમેરિકી કોંગ્રેસ કમિટી સમક્ષ ટ્રમ્પની દીકરી ઇવાન્કાએ સાક્ષીમાં ચૂંટણીમાં છેતરપિંડી અને ગેરરીતિ કરાઈ હોવાના તેમના પિતા દ્વારા મુકાયેલા આરોપોને નકારી કાઢ્યા હતા. ઈવાન્કાએ કહ્યું કે પિતાના એ દાવા પર મને વિશ્વાસ જ નથી કે 2020ની ચૂંટણીમાં કોઈ ગેરરીતિ થઇ હતી. હું એટર્ની જનરલ બર્રનું સન્માન કરું છું. તેમણે કહ્યું હતું કે મારા પિતા ચૂંટણી હારી ગયા છે. હું એ વાતને નથી માનતી કે ચૂંટણીમાં કોઈ ગરબડ થઈ હતી. મારા પિતા દ્વારા મુકાયેલા ગેરરીતિના આરોપો જુઠ્ઠા હતા.
સમિતિએ કહ્યું - ટ્રમ્પે સત્તાપલટાનો પ્રયાસ કર્યો, રમખાણોમાં સામેલ : અગાઉ સાંસદોની સમિતિએ તેના રિપોર્ટમાં આરોપ મૂક્યો હતો કે 6 જાન્યુઆરી 2021ની કેપિટલ હિલ હિંસા કોઈદુર્ઘટના નહોતી. આ ટ્રમ્પનું અંતિમ સ્ટેન્ડ હતું. ટ્રમ્પે રમખાણો કરાવ્યાં કે જેથી સત્તાપલટો કરી શકાય. આવા ભીષણ આરોપ અમેરિકાના 246 વર્ષના ઈતિહાસમાં અભિયોગ દરમિયાન ક્યારેય કોઈ બીજા રાષ્ટ્રપતિ વિરુદ્ધ નથી લગાવાયા. 7 હાઉસ ડેમોક્રેટ અને 2 રિપબ્લિકનવાળી પેનલે તપાસ દરમિયાન બે સાક્ષીઓને પણ બોલાવ્યા જેમાં કેરોલિન એડવર્ડ્સ પણ સામેલ છે જે હુમલામાં ઘવાયેલા પ્રથમ પોલીસ અધિકારી હતા. .
ઇવાન્કાના પતિ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિની સાક્ષી
ઈવાન્કા ટ્રમ્પ અને તેમના પતિ જેરેડ કુશનર ઉપરાંત અનેક લોકોની સાક્ષી લેવાઈ હતી. તેમાં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ, તેમના ચીફ ઓફ સ્ટાફ જનરલ માર્ક, એટર્ની જનરલ વિલિયમ બર્ર સહિત તત્કાલીન ટ્રમ્પ સરકારના પ્રમુખ અધિકારીઓની સાક્ષીના વીડિયો રજૂ કરાયા. એક વીડિયોમાં ટ્રમ્પ હુમલાને ઉશ્કેરતા દેખાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.