ઈટાલીમાં ક્યારેક માફિયા અને ગુનાખોરીનાં ઠેકાણાં હવે યુક્રેનથી આવેલા લોકો માટે સુરક્ષિત આશ્રય સ્થાન બની રહ્યાં છે. રશિયા-યુક્રેનથી વિસ્થાપિત થયેલા આશરે 60 હજાર યુક્રેની નાગરિકોએ ઈટાલી પાસે આશરો માગ્યો છે. માનવીય કટોકટીનો સામનો કરવા અને તેમની જરૂરિયાતોને પહોંચી વળવા ઈટાલી સરકારે ઈનોવેટિવ પહેલ કરી છે. સરકાર માફિયાઓ દ્વારા છોડાવેલી સંપત્તિઓમાં યુક્રેનિયન શરણાર્થીઓને શરણ આપી રહી છે. ચાલુ વર્ષે માર્ચમાં આ યોજનાની જાહેરાત કરી હતી.
ગત 40 વર્ષમાં ઈટાલીએ માફિયાઓ પાસેથી 36 હજારથી વધુ સંપત્તિઓ જપ્ત કરી છે. એકલા 2021માં જ સંગઠિત અપરાધીઓની 16 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઈ હતી. તેમાં આલિશાન બંગલાથી લઈને એપાર્ટમેન્ટ, અંડરગ્રાઉન્ડ ગેરેજથી માંડીને ખેતીની જમીન પણ છે. આ વિવિધ સંપત્તિનું મેનેજમેન્ટ પડકારજનક છે. 48 ટકા તો સામુદાયિક વપરાશ માટે એનજીઓ અને સ્થાનિક તંત્રને મફતમાં લીઝ પર અપાઈ છે પણ અડધી જમીન હજુ વપરાશમાં નથી. તેની સારસંભાળનો ખર્ચ સ્થાનિક સરકારો પર નાખી દેવાયો છે. યુરોપિયન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓન કોઓપરેટિવ એન્ડ સોશિયલ એન્ટરપ્રાઈઝીઝના રિસર્ચર્સ કેટરિના ડી બેનેડિક્ટ્સ જણાવે છે કે આ સંપત્તિઓની સારસંભાળ સ્થાનિક સરકારની ક્ષમતાથી બહાર છે.
નિષ્ણાતો અનુસાર તેને ખાલી છોડવી મોટી ચૂક હોઈ શકે છે. સિસિલીના ચર્ચિત માફિયાવિરોધી અભિયોજક જિયોવાની ફાલ્કોન અને પાઓલો બોર્સિલિનોની ક્રૂર હત્યાઓનાં 4 વર્ષ પછી 1996માં ઈટાલિયન સંસદે અપરાધિક તપાસ બાદ સ્થાનિક સરકારોને માફિયાની માલિકી હેઠળની સંપત્તિ આપવાનો કાયદો પસાર કર્યો હતો.
2019માં સરકારે કાયદામાં એક સુધારો કર્યો જે આ જપ્ત સંપત્તિઓમાંથી અમુક તો વ્યક્તિઓને વેચવાની મંજૂરી આપશે. સરકારના આ નિર્ણયનો સામાન્ય નાગરિક, વર્કર્સ અને કાનૂની નિષ્ણાતો વિરોધ કરી રહ્યા છે. કેમ કે આ સંપત્તિઓને બજારમાં પાછી લાવવાનો મતલબ તેને સંગઠિત અપરાધીઓ દ્વારા ફરીથી ખરીદવાનું જોખમ ઊભું કરવું છે.
યુદ્ધના 100 દિવસ... દેશ છોડનારા 20 લાખ લોકો યુક્રેન પાછા ફર્યા
કીવ | યુક્રેન પર રશિયાના હુમલાને 100 દિવસ વીતી ચૂક્યા છે અને આ યુદ્ધનો ક્યાંય અંત દેખાતો નથી. સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સી મુજબ 24 ફેબ્રુઆરીથી હુમલાને લીધે આશરે 70 લાખ લોકો યુક્રેન છોડી બીજા દેશોમાં જતા રહ્યા અને આશરે આટલા જ લોકો દેશમાં વિસ્થાપિત થયા. અનુમાન અનુસાર વિસ્થાપિત થનારાઓમાં બે તૃતીયાંશ તો બાળકો છે. સૌથી વધુ 37 લાખ લોકો પોલેન્ડ ગયા. જોકે યુક્રેને વળતો હુમલો કર્યો તો દેશ છોડી જનારા વતન પણ પાછા ફરવા લાગ્યા. આશરે 20 લાખ લાખ લોકો યુક્રેન પાછા ફરી ચૂક્યા છે.
યુક્રેને સિવેરોડોનેત્સ્કનો 20% વિસ્તાર મુક્ત કરાવ્યો
યુક્રેનના સૈન્યએ સિવેરોડોનેત્સકમાં રશિયાના કબજામાંથી 20 ટકા વિસ્તારને મુક્ત કરાવી લીધો છે. જોકે રશિયાના નિયંત્રણમાં આવેલા વિસ્તારમાં ખારકીવ, લુહાન્સ્ક, દોનેત્સ્ક, મારિયુપોલ, ખેરસાનનો મોટો વિસ્તાર સામેલ છે. રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પોસ્કોવ અનુસાર હુમલા લક્ષ્ય પ્રાપ્ત કરવા સુધી જારી રહેશે.
રશિયાનો પરાજય નક્કી, ભારત પુન:નિર્માણમાં મદદ કરશે : જેલેન્સ્કી
રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કીએ ઉત્સાહ વધારવા મહાત્મા ગાંધીના કથનનું પુનરાવર્તન કર્યું કે શક્તિ ડરના અભાવમાં નિહિત છે, નહીં કે શરીરના હાડકાંની તાકાતમાં. એક રિપોર્ટમાં યુક્રેની અધિકારીના હવાલાથી કહેવાયું કે યુદ્ધ બાદ યુક્રેનના પુન:નિર્માણમાં ભારત યુક્રેનને સાથ આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.