સીઝફાયરનો વિરોધ:હમાસ સાથે સમજૂતી કરવામાં પોતાના જ દેશમાં ઘેરાયા ઇઝરાયેલના PM નેતન્યાહુ, સાંસદે કહ્યું, વ્યાજ સાથે કિંમત ચૂકવવી પડશે

તેલ અવીવ5 મહિનો પહેલા
  • બંધક ઈઝરાયેલી નાગરિકાને પરત બોલાવ્યા સિવાય કરાયેલું સીઝફાયર આતંકવાદ માટે એક ઈનામઃ ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર
  • યુદ્ધવિરામ આતંકવાદ અને નબળાઈની સામે આત્મસમર્પણઃ બેન ગ્વિરે

ઈઝરાયેલ-પેલેસ્ટાઈનની વચ્ચે 11 દિવસ ચાલેલા યુદ્ધ પછી ગુરુવારે રાતે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે. સંઘર્ષવિરામની જાહેરાત પછી પેલેસ્ટાઈનમાં ઉત્સવ જેવો માહોલ છે. સીઝફાયર લાગુ થયા પછી ગાઝા સિટીમાં પેલેસ્ટાઈનના લોકો રસ્તાઓ પર નીકળી આવ્યા અને ઉજવણી કરી હતી. હમાસા એને પોતાની જીત ગણાવી છે. જોકે સીઝાફાયરને લઈને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ પોતાના જ દેશમાં ઘેરાઈ ગયા છે. બેન્જામિન નેતન્યાહુના કેટલાક નજીકના રાજકીય સહયોગીઓ સહિત ઘણા દક્ષિણપંથી સાંસદોએ તેમને હમાસની સાથેના સીઝફાયરને લઈને ચેતવ્યા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ભારતે ઈઝરાયેલને સપોર્ટ કર્યો છે. જોકે હુમલાની શરૂઆત સૌપ્રથમ હમાસે કરી પછીથી ઈઝરાયેલે વળતો પ્રહાર કર્યો હતો. યુદ્ધમાં ઈઝરાયેલને આર્થિક નુકસાન ઓછું થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.

ગુરુવારે સાંજે ઉચ્ચ સ્તરીય સુરક્ષા કેબિનેટની બેઠક બોલાવાઈ
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના સુરક્ષા મંત્રીમંડળે ગાઝાપટ્ટીમાં 11 દિવસના સૈન્ય અભિયાનને રોકવા માટે એકતરફી સીઝફાયરને મંજૂરી આપી છે. ઈઝરાયેલની કેબિનેટે એની પુષ્ટિ કરી છે. નેતન્યાહુએ ગાઝામાં ચાલી રહેલા સૈન્ય અભિયાનની સાથે-સાથે વિદેશી નેતાઓ તરફથી સીઝફાયરને લઈને થઈ રહેલા રાજકીય પ્રયત્નો પર ચર્ચા કરવા માટે ગુરુવારે સાંજે ઉચ્ચ-સ્તરીય સુરક્ષા કેબિનેટની બેઠક બોલાવી હતી. બેઠકમાં કેબિનેટના મંત્રીઓએ સીઝફાયરના પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું.

ન્યૂ હોપના નેતા ગિદેયોન સારેએ સીઝફાયરની ટીકા કરી
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના રિપોર્ટ મુજબ કેબિનેટમાં મતદાન પહેલાં ન્યૂ હોપના નેતા ગિદેયોન સારેએ નેતન્યાહુ સરકારની સીઝફાયરની યોજનાની ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે સીઝફાયર હમાસ અને અન્ય આતંકી ગ્રુપની વિરુદ્ધની ઈઝરાયેલની કાર્યવાહીને ગંભીર રીતે નુકસાન પહોંચાડશે. ગિદેયોન સારેએ કહ્યું હતું કે હમાસને મજબૂત થતું રોકવા, ગાઝામાં બંધક બનાવવામાં આવેલા ઈઝરાયેલી સૈનિકો અને નાગરિકોના પરત ફર્યા સિવાય સીઝફાયર કરવું એ રાજકીય નિષ્ફળતા ગણાશે અને ભવિષ્યમાં વ્યાજ સહિત એની કિંમત ચૂકવવી પડશે. સહયોગી ગણાતા ગિદેયોન સાર હવે ઈઝરાયેલી પીએમ નેતાન્યાહૂુના મોટા આલોચક બની ચૂક્યા છે. તેમણે નેતાન્યાહુની સાથે દક્ષિણપંથી સરકારની રચનાનો પણ ઈન્કાર કર્યો છે.

હમાસ-પેલેસ્ટાઈને ઈઝરાયેલ પર ચાર હજાર રોકેટ છોડ્યા
પૂર્વી જેરુસલેમમાં અલ-અક્સા મસ્જિદમાં અથડામણ પછી છેલ્લા 11 દિવસમાં હમાસ અને પેલેસ્ટાઈનનાં અન્ય જૂથોએ ઈઝરાયેલ પર ચાર હજાર જેટલાં રોકેટ છોડ્યા. હમાસ દ્વારા રોકેટ છોડવા પર ઈઝરાયેલની જવાબી કાર્યવાહીમાં ગાઝાપટ્ટી પર જોરદાર હુમલો કરવામાં આવ્યો, જેમાં 227 પેલેસ્ટાઈનના લોકોના જીવ ગયા, જ્યારે હમાસે ઈઝરાયેલ પર કરેલા હુમલામાં ઈઝરાયેલના 11 લોકોનાં મૃત્યુ થયાં. એવિગ્ડોર લિબરમેનના અધ્યક્ષ ઈઝરાયેલ બેયટેનુએ સીઝફાયરને નેતન્યાહુની વધુ એક નિષ્ફળતા ગણાવી છે. ટીવી ચેનલ 12 ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે આતંકી ગ્રુપ પ્રત્યે સરકારની અગાઉની નરમાઈને કારણે હમાસ ઈઝરાયેલને ધમકી આપવાની સ્થિતિમાં આવી ગયું છે અને સીઝફાયર એને મજબૂત બનાવી શકે છે. લિબરમેને નેતન્યાહુ પર જ હમાસને મજબૂત કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે હમાસ આજે જ્યાં છે ત્યાં તેને પહોંચાડવામાં નેતન્યાહુની ભૂમિકા છે. નેતન્યાહુએ હમાસને મજબૂત અને સક્ષમ બનાવ્યું છે.

સીઝફાયર નહિ, પરંતુ એક નિર્ણાયક જીત જોઈએ
કટ્ટર દક્ષિણપંથી જિયોનિજ્મ પાર્ટીના નેતા અને નેતાન્યાહુના એક પ્રમુખ સમર્થક બેજેલ સ્મોટ્રિચે ચેતવણી આપી છે કે જો સીઝફાયર કરારમાં જેરુસલેમ સામેલ છે તો વડાપ્રધાન સરકાર બનાવવાની વાત ભૂલી જાય. બેજેલ સ્મોટ્રિચે ટ્વીટ કર્યું હતું કે હું તમને (નેતાન્યાહુ)ને હમાસની વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીનું શ્રેય આપી રહ્યો છું. જો ભગવાન ના કરે ને હમાસ સાથેના કરારમાં સ્પષ્ટ રૂપથી અથવા તો પરોક્ષ રીતે જેરુસલેમની ભૂમિકા છે તો તમે સરકાર બનાવવાનું ભૂલી જજો.
બેજેલ સ્મોટ્રિચે નેતન્યાહુને કહ્યું હતું કે માઉન્ટ ટેમ્પલ કે પૂર્વી જેરુસલેમમાં શેખ જર્રાહમાંથી પેલેસ્ટાઈનના લોકોને કાઢવાની યોજનાને લઈને તેમણે હથિયાર ન નાખવાં જોઈએ. સ્મોટ્રિચ અને તેમની પાર્ટીના અન્ય તમામ પાંચ સાંસદોએ પણ આ પ્રકારનો સંદેશ ટ્વીટથી કર્યો. તેમણે કહ્યું હતું કે સીઝફાયર નહિ, પરંતુ એક નિર્ણાયક જીત જોઈએ.

સીઝફાયર દક્ષિણ ઈઝરાયેલના લોકોના મોઢા પર થૂંકવા સમાન
પેલેસ્ટાઈનનું કટ્ટરવાદી ગ્રુપ રમઝાન દરમિયાન ટેમ્પલ માઉન્ટમાં પ્રાર્થના અને જેરુસલેમમાંથી પેલેસ્ટાઈનના લોકોને હટાવવાના મુદ્દે ઈઝરાયેલના વિરોધમાં છે. 10 મેના રોજ અલ-અક્સ મસ્જિદમાં અથડામણ પછી બંને પક્ષો તરફથી હુમલાઓ ચાલુ હતા. આ પહેલાં કટ્ટર દક્ષિણપંથી ઓટજમા યેહુદિત ગ્રુપના પ્રમુખ ઈતામાર બેન ગ્વિરે પણ કહ્યું હતું કે સીઝફાયરની સ્થિતિમાં તેઓ નેતન્યાહુનું સમર્થન ન કરે. દક્ષિણ ઈઝરાયેલના લોકો મજબૂત અને દૃઢનિશ્ચયી છે, જોકે દુર્ભાગ્યથી ઈઝરાયેલની સરકારમાં આ વાત નથી. હું આજે ઈઝરાયેલી સરકારના નિર્ણયથી શરમ અનુભવું છુે અને એ વાત માનું છું કે સીઝફાયર દક્ષિણ ઈઝરાયેલના લોકોના મોઢા પર થૂંકવા સમાન છે.

ઈઝરાયેલે ભવિષ્યમાં હજારો આતંકવાદીઓને છોડવા પડી શકે
બેન ગ્વિરે કહ્યું હતું કે આ રીતે યુદ્ધવિરામ આતંકવાદ અને નબળાઈની સામે આત્મસમર્પણ છે. વડાપ્રધાને એ સમજવું જોઈએ કે આપણે તેને કોઈપણ ભોગે સ્વીકાર કરીશું નહિ. નેતન્યાહુની તેમની પાર્ટીના કેટલાક લોકોએ પણ નિંદા કરી છે. લિકુડના ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર ગાડી યેવરકને કહ્યું હતું કે 2014માં હમાસ દ્વારા પકડવામાં આવેલા સૈનિકોના શબ પરત કરવા સિવાય અને હાલ બંધક બનાવાયેલા ઈઝરાયેલી નાગરિકાને પરત બોલાવ્યા સિવાય કરાયેલું સીઝફાયર આતંકવાદ માટે એક ઈનામ છે. નેતાન્યાહુના મંત્રીએ કહ્યું હતું કે ઈઝરાયેલ સરકારનું નૈતિક કર્તવ્ય છે કે તે બંધક નાગરિકોને પરત બોલાવે. જો આપણે હાલ તકનો લાભ ઉઠાવીશું નહિ તો ઈઝરાયેલે ભવિષ્યમાં હજારો આતંકવાદીઓને છોડવા પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...