તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંઘર્ષની સ્થિતિ:ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટી પર એરસ્ટ્રાઈક કરી, 25 મિનિટ સુધી ચાલેલા હુમલામાં હમાસનું સુરંગ નેટવર્ક તબાહ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પેલેસ્ટાઈન સામે પોતાની કાર્યવાહીમાં ઈઝરાયેલ સતત ગાઝા પટ્ટી પર એરસ્ટ્રાઈક કરી રહ્યું છે. બુધવારે સવારે ઈઝરાયેલે કરેલા હવાઈ હુમલામાં ગાઝા પટ્ટીમાં ઓછામાં ઓછા 6 લોકોનો મોત નિપજ્યા હતા અને અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. ઈઝરાયેલ સેનાએ કહ્યું છે કે હમાસના રોકેટ હુમલાનો જવાબ આપવા માટે તેણે આ એર સ્ટ્રાઈક કરી છે.

બુધવારે સવારે કરાયેલી એરસ્ટ્રાઈકમાં ગાઝામાં એક ઈમારત કાટમાળમાં તબદિલ થઈ ગઈ હતી. આ ઈમરાતમાં 40 લોકો હતા. આ ઈમારતમાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે તેમના મકાન પર હુમલો કરવામાં આવ્યો તે અગાઉ દક્ષિણી શહેર ખાન યુનિસની ઈમારત પર હુમલો થયો હતો. ત્યારબાદ આ લોકોએ ઈમારતની બહાર આવી ગયા હતા. પાંચ મિનિટ બાદ આ ઈમારત પર પણ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી.

એસોસિએટ પ્રેસના અહેવાલ પ્રમાણે ઈઝરાયલની સેનાએ ખાન યુનિસ અને રાફાના શહેરની આજુબાજુ કટ્ટરપંથીઓની સુરંગોમાં બનેલા મહત્વના નેટવર્કને નિશાન બનાવ્યું હતું. ઈઝરાયેલી સેનાના જણાવ્યા પ્રમાણે 52 જેટલા લડાકૂ વિમાનોએ કટ્ટરપંથીઓના 40 અંડરગ્રાઉન્ડ સ્થળોને નિશાન બનાવ્યા હતા અને 25 મિનિટ સુધી બોમ્બમારો કર્યો હતો. હમાસ તરફથી સંચાલિત અલ-અક્સા રેડિયોમાં જણાવવામાં આવ્યું છે કે ગાઝા સિટી પર ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં તેના એક રિપોર્ટરનું મોત નિપજ્યું છે. શિફા હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે બુધવારે લાવવામાં આવેલા પાંચ મૃતદેહોમાં રિપોર્ટરના મૃતદેહનો સમાવેશ થતો હતો. એક એપાર્ટમેન્ટ પાસે મિસાઈલો ક્રેશ થવાને લીધે બે લોકોના મોત થયા હતા.

પેલેસ્ટાઈન ક્ષેત્ર પર કટ્ટરપંથી જૂથ હમાસનો કબ્જો છે. ઈઝરાયેલના તાજેતરના હુમલાને પગલે સિટીમાં ઘણી તબાહી સર્જાઈ છે. તમામ ઈમારતો કાટમાળમાં તબદિલ થઈ ગઈ છે. બન્ને વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે, પણ હજુ સુધી આ દિશામાં કોઈ નક્કર પરિણામ મળી શક્યા નથી.