બાંગ્લાદેશ હિંસા:ઈસ્કોન 150 દેશમાં દેખાવો કરશે

ઢાકા/કોલકાતા/નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિરો, દુર્ગા પંડાલોમાં કટ્ટરવાદીઓએ તોડફોડ કરતા લોકોમાં આક્રોશ

બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા વખતે લઘુમતી હિન્દુઓ અને તેનાં ધર્મસ્થળો પર થયેલા હુમલા વિરુદ્ધ ઈસ્કોન 150 દેશોમાં દેખાવો કરશે. ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઈસ્કોન)ના સભ્યોએ આ જાહેરાત કરી છે. કોલકાતા ઈસ્કોનના ઉપાધ્યક્ષ રાધારમન દાસે મંગળવારે કહ્યું કે બાંગ્લાદેશ હિંસાના વિરોધમાં અમે 23 ઓક્ટોબરે એક દિવસ માટે દેખાવો અને પ્રાર્થનાસભા યોજીશું.

બાંગ્લાદેશના કમિલ્લા જિલ્લામાં દુર્ગાપૂજા વખતે એક પંડાલમાં કુરાનનું અપમાન થયાની અફવા ફેલાઈ હતી. ત્યાર પછી સમગ્ર દેશમાં કોમી હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા પાછળ કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઈસ્લામી અને તેના વિદ્યાર્થી સંગઠનનો હાથ હોવાનું કહેવાય છે. આ દરમિયાન તોફાનીઓએ દુર્ગાપૂજા પંડાલો અને હિન્દુ મંદિરોમાં મોટા પાયે તોડફોડ કરી.

એટલું જ નહીં, ઈસ્કોન મંદિરોને પણ મોટા પાયે નિશાન બનાવાયાં. નોઆખલીમાં ઈસ્કોનના બે સાધુઓની પણ ટોળાએ હત્યા કરી. બાદમાં ઈસ્કોન તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુનાઈટેડ નેશન્સે પણ આ મામલામાં હસ્તક્ષેપ કરવાની માંગ થઈ. ઈસ્કોનના સભ્યોએ કોલકાતામાં બાંગ્લાદેશ હાઈ કમિશનની ઓફિસ બહાર પણ દેખાવો કર્યા.

અત્યાર સુધી 71 કેસ નોંધાયા, 450ની ધરપકડ; જરૂર પડશે તો ભારત પ્રતિનિધિમંડળ મોકલશે
બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ 13 ઓક્ટોબરે ભડકેલી હિંસામાં પોલીસે અત્યાર સુધી 71 કેસ નોંધ્યા છે. તેના આધારે પોલીસે પાંચ દિવસમાં 450 લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ, આ મુદ્દે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિશિથ પ્રમાણિકે કહ્યું છે કે બાંગ્લાદેશ હિંસા પર ભારત સરકારની સંપૂર્ણ નજર છે. આ ગંભીર મુદ્દો છે. બાંગ્લાદેશ સરકારે સ્થિતિ કાબૂમાં લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જરૂર પડશે તો ભારત સરકાર પણ આ મુદ્દે બાંગ્લાદેશ સાથે વાત કરશે. તેના માટે ભારત પ્રતિનિધિમંડળ પણ મોકલી શકે છે.

અન્ય સમાચારો પણ છે...