ઓઝોન દિવસ:​​​​​​​ ધરતીનું સુરક્ષા કવચ "ઓઝોન" કરી રહ્યું છે જીવસૃષ્ટીનું રક્ષણ, ભૌતિકવાદ તરફની આંધળી દોડે અમેરિકાના કદ કરતાં પાડ્યું ત્રણ ગણું મોટું ગાબડું

એક મહિનો પહેલા
 • સુર્યમાંથી નિકળતા પારજાંબલી કિરણો કેન્સર, આંખના મોતિયાનું કારણ બની શકે છે.
 • ઓઝોન પડ 1% ઘટે અને 2% સુધી અલ્ટ્રાવાયોલેટ કિરણો માણસો સુધી પહોંચે તો રોગોનું જોખમ ઘણું વધી શકે

"ઓઝોન (OZONE)"પૃથ્વીનું સુરક્ષા કવચ છે. તે માનવજાત સહિત સમગ્ર જીવસૃષ્ટી પાલન-પોષણ કરી જીવન જીવી શકે તેવા આદર્શ વાતાવરણનું સર્જન કરે છે. અભેદ કિલ્લાની માફક ધરતીની સપાટીથી આશરે 15થી 30 કિલોમીટર ઊંચાઈએ ઓઝોન ગેસનું આવરણ છે. સૂર્યમાંથી નિકળતા મોટાભાગના એટલે કે 98 ટકા અલ્ટ્રાવાયોલેટ (UV) એટલે કે પારજાંબલી કિરણો ઓઝોનના ક્ષેત્રમાં શોષાઈ જાય છે અને ધરતી સુધી તેને પહોંચવા દેતા નથી. પણ ઔદ્યોગિકરણના માહોલમાં ભૌતિકતા તરફ મુકેલી આંધળી દોડને લીધે માનવજાતે પોતાના જ સુરક્ષા કવચ પર આકરા પ્રહાર કર્યાં છે. ધરતી પર જળ,જમીનને પ્રદૂષિત કરવા ઉપરાંત અનેક કિલોમીટરની ઉંચાઈ સુધી તેની ઘાતક અસરનું સર્જન કર્યું છે. આજે સ્થિતિ એવી છે કે ઓઝોનના પડમાં 9.6 મિલિયન સ્વેર માઈલનું વિશાળ કદ ધરાવે છે, જે વિસ્તારની દ્રષ્ટીએ અમેરિકા ખંડ કરતા ત્રણ ગણું મોટું કદ છે.

આજે સમગ્ર વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ઓઝોન શું છે, તેનો સમગ્ર જીવસૃષ્ટી પર કેવા આશીર્વાદ રહેલા તે અંગે ચર્ચા કરશું. ઓઝોનના પડને થતા નુકસાનને અટકાવવા અને તેનું રક્ષણ કરવા 16 સપ્ટેમ્બર,1987ના રોજ સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વના 45 દેશોએ મોનટ્રીયલ પ્રોટોકોલ (Montreal Protocol)પર હસ્તાક્ષર કર્યાં હતા. આ પ્રોટોકોલ અંગે વિશ્વના મોટાભાગના દેશોએ પોતાની સહમતી દર્શાવી છે. જેથી આ દિવસને આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ઓઝોન અને ઓઝોન પડ શું છે, તે કેવી રીતે કામ કરે છે

 • પૃથ્વીનું વાતાવરણ 4 આવરણ ધરાવે છે. આ પૈકી બીજા આવરણ એટલે કે પૃથ્વીની સપાટીથી 15-30 કિમી ઊંચાઈ પર ઓઝોનનું પડ ફેલાયેલું છે.
 • ઓઝોન એ કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. ઓઝોન એ ઓક્સિજનના ત્રણ અણુઓથી બનેલો છે. તેની રાસાયણીક સંરચના O3 છે. સુર્યમાંથી નિકળતા સૌથી જોખમી UV કિરણો પૈકી 98 ટકા કિરણો ઓઝોનના આ પડમાં શોષાઈ જાય છે, આ સંજોગોમાં ધરતી પર તેને પહોંચતા અટકાવે છે.
 • સુર્યમાંથી નિકળતા UV કિરણો ત્વચાના કેન્સરનું કારણ બની શકે છે. તેનાથી આંખના મોતિયા (Cataract) જેવી બિમારીનું જોખમ વધારે છે. માનવીની ઈમ્યૂન સિસ્ટમ (Immune SYStem)ને નુકસાન પહોંચાડે છે, આ તમામ જોખમોથી ઓઝોન સુરક્ષા પ્રદાન કરે છે.

ઓઝોન અંગે સંશોધન

 • ફ્રાંસના ભૌતિકશાસ્ત્રી ચાર્લ્સ ફેબરી (Charles Fabry)અને હેનરી બુસન (Henry Buson)એ વર્ષ 1913માં ઓઝોનના પડની શોધ કરી હતી. તેમણે પોતાના સંશોધનમાં સાબિત કર્યું હતું કે ઓઝોન ઓક્સિજનના ત્રણ પરમાણુ જોડીને તૈયાર થતો ગેસ છે,જે વાતાવરણમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં એટલે કે 0.02 ટકા છે.

શા માટે ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે

 • વિશ્વમાં સૌ પ્રથમ વખત વર્ષ 1985માં એન્ટાર્કટીકમાં ઓઝોનના પડમાં ગાબડાં પડી રહ્યાનું માલુમ પડ્યું હતું. વિશ્વમાં ઔદ્યોગિકરણનો વ્યાપ વધતા ધરતીના વાતાવરણમાં પ્રદૂષણ વધવા લાગ્યું. ખાસ કરીને ક્લોરો ફ્લોરો કાર્બન (CFC)ગેસ કે જે ક્લોરીન, ફ્લોરિન અને કાર્બનના અણુઓથી બનેલ છે તે ઓઝોનના પડને નુકસાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા.
 • ત્યારબાદ વિશ્વભરના દેશોએ આ ગેસના ઉપયોગને અટકાવવા માટે સંમત થયેલા અને વર્ષ 1987માં 16 સપ્ટેમ્બરના રોજ મોન્ટ્રીયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1994માં 16 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસની ઉજવણી માટે જાહેરાત કરવામાં આવી. વર્ષ 1995માં પ્રથમ વખત ઓઝોન દિવસ ઉજવવામાં આવ્યો હતો.

ઓઝોનનું પડ તૂટવાથી શું થાય?

 • આ લેયરમાં કાંણું હોવાને કારણે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા ધરતી સુધી પહોંચી જશે. આ કિરણો સ્કિન કેન્સર, મેલેરિયા, મોતિયો અને ચેપી રોગો થવાનું જોખમ વધારે છે. જો ઓઝોન લેયરનો વિસ્તાર 1% પણ ઘટે અને 2% સુધી અલ્ટ્રાવાયોલેટ કિરણો માણસો સુધી પહોંચે તો રોગોનું જોખમ ઘણું વધી શકે છે.

આ લેયરને કેમ નુકસાન પહોંચી રહ્યું છે?

 • એવી કોસ્મેટિક પ્રોડક્ટ્સ અને સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં ક્લોરોફ્લોરો કાર્બન જોવા મળે છે. આ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે.
 • સ્મોક ટેસ્ટના ધોરણો પર ખરા ન ઉતરનારા વાહનોમાંથી નીકળતો ધૂમાડો. તેમાં વધારે કાર્બન હોય છે, જે ધોવાણનું કારણ બને છે.
 • લણણી પછી વધેલા ભાગને બાળીને બહાર નીકળતો કાર્બન સ્થિતિને વધુ ખરાબ કરી રહ્યું છે.
 • આ સિવાય પ્લાસ્ટિક અને રબરના ટાયરો અને કચરો બાળવાથી પણ આ લેયરને નુકસાન થઈ રહ્યું છે.
 • વધારે ભેજવાળા કોલસાને બાળી નાખવાથી સૌથી વધારે ખરાબ અસર થઈ રહી છે.

ઓઝોનના પડમાં કેટલું મોટું ગાબડું છે

 • ગયા વર્ષે 14-20 સપ્ટેમ્બર દરમિયાન થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઓઝોનના પડમાં પડેલુ ગાબડૂં આશરે 9.6 મિલિયન સ્વેર માઈલ (અથવા 24.9 મિલિયન સ્ક્વેર કિલોમીટર) કદ ધરાવે છે. એક અંદાજ પ્રમાણે આ કદ અમેરિકા ખંડ વિસ્તાર કરતા ત્રણ ગણું છે. દક્ષિણ ધ્રુવની ઉપર સમતાપ આવરણ (Stratosphere)પરથી આ તારણ મેળવવામાં આવ્યું હતું.
 • આ અગાઉ વર્ષ 2018માં NASAને ઓઝોનના પડમાં રિકવરી આવી રહી હોવાનું માલુમ પડ્યું હતું. નાસાના સંશોધન પ્રમાણે વર્ષ 2005 અને ત્યારબાદ ઓઝોનમાં પડમાં 20 ટકા જેટલો સુધારો થયો છે અને આ ગતિથી જો ઓઝોનનું પડ સંધાતુ રહેશે તો વર્ષ 2060 સુધીમાં તે સંપૂર્ણપણે અગાઉ જેવું થઈ શકે છે.