જીવનમાં સંજોગો મુશ્કેલ હોય ત્યારે એવું લાગે છે કે આપણે હવે કશું જ નહીં કરી શકીએ. ત્યારે લોકોના વ્યક્તિત્વનાં જુદાં જુદાં પરંતુ છુપાયેલાં પાસાં સામે આવે છે. ધ જર્નલ ઓફ જનરલ સાઇકોલોજીમાં છપાયેલા એક સંશોધન અહેવાલ પ્રમાણે વિપરીત સંજોગોમાં અંતર્મુખી સ્વભાવ ધરાવનારા લોકોમાં આત્મસન્માનની ભાવના વધી જાય છે, પરંતુ તેઓ સંજોગો બદલવા માટે કંઈક કરવાના બદલે બધું જ ભગવાન ભરોસે છોડી દે છે. આ લોકો નસીબમાં પણ વિશ્વાસ કરવા લાગે છે. તેઓ એવું માને છે કે તેમના કંઈ કરવાથી કશું થવાનું જ નથી.
એવી જ રીતે, બહિર્મુખી સ્વભાવ ધરાવતા લોકો સંજોગોને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરે છે. મુશ્કેલીઓનો ઉપાય શોધવા મહેનત કરે છે. તેમને લાગે છે કે આવું કરવાથી સંજોગો બદલાઇ શકે છે. તેઓ વધુ સકારાત્મક થઇ જાય છે અને તમામ લોકો સાથે સામંજસ્ય બેસાડવાનો પ્રયાસ કરે છે. બહિર્મુખી સ્વભાવ ધરાવનારા વિપરીત સંજોગોમાં પણ ખુશ રહે છે, જ્યારે અંતર્મુખી લોકોને વધુ ગુસ્સો આવે છે. તેઓ ચીડિયા પણ થઇ શકે છે અને ક્યારેક તેમનો તણાવ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય એવું પણ બને છે.
મુશ્કેલ સંજોગોમાં અંતર્મુખી લોકોના વિચારો પૈસાને લઇને પણ બદલાઇ જાય છે. તેઓ પૈસા બચાવવાનું કે રોકાણ માટે પણ વિચારવાનું બંધ કરી દે છે. ઊલટાનું ખર્ચ કરવાનું વધારી દે છે. તેઓ બિનજરૂરી ચીજો પણ ખરીદવા લાગે છે. આ માટે ઉધાર લેતા પણ નથી ખચકાતા. આ કારણસર તેમની મુશ્કેલીઓ વધી જાય છે.
પોલેન્ડની યુનિવર્સિટી ઓફ લુબલિનના માલગોર્જાટા સોબોલે પોતાના સાથીદારો સાથે આ સંશોધન કર્યું છે. તેઓ કહે છે કે આ સંશોધનમાં સામેલ તમામ લોકો પોલેન્ડના છે. એક જ સમાજના લોકો પર થયેલા સંશોધનના કારણે આપણે એવું ના કહી શકીએ કે બધા સમાજના લોકો આવું જ વર્તન કરે છે, પરંતુ આ સંશોધન પ્રમાણે એટલું તો સ્પષ્ટ થઇ ગયું છે કે બહિર્મુખી લોકો સ્થિતિને વધુ સારી રીતે સંભાળે છે.
અન્ય એક અહેવાલ પ્રમાણે કોઇ વ્યક્તિનું અંતર્મુખી કે બહિર્મુખી હોવું તેના જિન પર નિર્ભર કરે છે. તેને બદલી ના શકાય, પરંતુ નાના નાના પરિવર્તન કરી શકાય છે, જેના કારણે અંતર્મુખી લોકો ઘણી બાબતમાં બહિર્મુખી લોકોથી ચઢી જાય છે. મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા, અબ્રાહમ લિંકન, એપલના કો-ફાઉન્ડર સ્ટિવ વોઝનિક, વિજ્ઞાની આઇન્સ્ટાઇન જેવા દુનિયાના અનેક મહાન લોકો અંતર્મુખી જ હતા.
અંતર્મુખીઓ વિચારવાનું થોડું ઓછું કરે, લખીને બોલવાની તૈયારી શરૂ કરે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.