• Gujarati News
  • International
  • International Vaccine Issue | Brazil Suspends Covaccine Deal, Cancels 32 Crore Contract And Orders 20 Million Doses

કોવેક્સિન વિવાદ ગરમાયો:ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યા બાદ બ્રાઝિલે કોવેક્સિનની ડીલ રદ કરી; ભારત બાયોટેકે પણ જવાબ આપ્યો

7 મહિનો પહેલા
ફાઇલ ફોટો
  • ડીલમાં આરોપ લગાવાયો કે બ્રાઝિલ પાસે ફાઇઝરની વેક્સિન ખરીદવાનો વિકલ્પ પણ હતો, પરંતુ તેણે ભારત બાયોટેક પાસેથી મોંઘી વેક્સિન ખરીદી
  • 32 કરોડ ડોલરનો કોન્ટ્રેક્ટ અને 2 કરોડ ડોઝનો ઓર્ડર રદ
  • ભારત બાયોટેકે કહ્યું- ડીલમાં તમામ નિયમોનું પાલન કરાયું

બ્રાઝિલે ભારત સાથે કોવેક્સિન માટે કરેલી ડીલને રદ કરવાનો નિર્ણય લીધો છે. બ્રાઝિલમાં આ ડીલને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા હતા અને ઘણા સવાલો ઊઠ્યા હતા, ત્યાર બાદ બ્રાઝિલે 32 કરોડ ડોલરના આ કોન્ટ્રેક્ટને રદ કરી દીધો છે.

મંગળવારે બ્રાઝિલના આરોગ્યમંત્રી માર્સેલોએ આની જાહેરાત કરી હતી. ડીલ પ્રમાણે બ્રાઝિલને ભારત બાયોટેક પાસેથી કુલ 2 કરોડ વેક્સિનના ડોઝ ખરીદવાના હતા, પરંતુ ત્યાર પછી આ સોદા અંગે બ્રાઝિલમાં ઘણા સવાલો ઊભા થવા લાગ્યા અને રાષ્ટ્રપતિ જૈર બોલસોનારો સામે ભ્રષ્ટાચાર કરવાનો આરોપ પણ લગાવાયો હતો.

ભારત બાયોટેકે સ્પષ્ટતા કરી
કોવેક્સિનને લઈને સર્જાયેલા વિવાદમાં વેક્સિન બનાવનાર કંપની ભારત બાયોટેકે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે બ્રાઝિલ સાથેની ડીલમાં તમામ નિયમોનું પાલન કરાયું છે. આ ડીલમાં 8 મહિનાનો સમય લાગ્યો હતો. 29 જૂન સુધીમાં કંપનીને ન તો કોઈ એડવાન્સ આપ્યા છે કે ન તો કંપનીને કોઈ વેક્સિનની સપ્લાય કરાઈ છે.

સુપ્રીમ કોર્ટમાં કેસ જતાં બ્રાઝિલે ડીલ રદ કરી
વ્હિસલ બ્લોવર દ્વારા સતત બ્રાઝિલની સરકારને ઘેરવામાં આવી હતી. સરકાર દ્વારા પણ આ અંગે ઘટસ્ફોટ કરાયા હતા, પરંતુ આનો કોઈ ફેર પડ્યો નહીં. હવે જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે બ્રાઝિલ સરકારે આ ડીલને રદ કરવાનો નિર્ણય લીધો છે.

બ્રાઝિલના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યાં સુધી આ અંગે તપાસ પૂરી નથી થતી ત્યાં સુધી કોવેક્સિન માટે જે ડીલ થઈ છે એ સસ્પેન્ડ રહેશે. જોકે બ્રાઝિલના આરોગ્ય મંત્રાલય દ્વારા સતત દાવા કરાયા છે કે આ ડીલમાં કોઇપણ પ્રકારનું કૌભાંડ થયું નથી.

જૈર બોલસોનારોની ફાઇલ તસવીર.
જૈર બોલસોનારોની ફાઇલ તસવીર.

ડીલમાં કયા કયા કૌભાંડના આરોપો લગાવાયા
આ ડીલ સામે આક્ષેપ લગાવાયો હતો કે બ્રાઝિલ દ્વારા આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ પર ભારત બાયોટેકની કોવેક્સિન ખરીદવા માટે દબાણ બનાવાયું હતું. રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોને પણ આ સમગ્ર ઘટનાની જાણ હતી. તેમ છતાં ડીલને રોકવામાં આવી નહોતી અને બ્રાઝિલને મોંઘી કોવેક્સિન ખરીદવી પડી હતી.

બ્રાઝિલમાં આ ડીલ અંગે ઘણાં કૌભાંડ થયાં હોવાના ઘટસ્ફોટ પણ થયા હતા. ત્યારથી જ રાષ્ટ્રપતિ જૈર જનતાના નિશાન પર હતા. સંસદીય પેનલ પણ કોરોના પ્રબંધન સામે તપાસ કરી રહી છે, જેની સામે આ કેસ ઊઠ્યો છે.

રાષ્ટ્રપતિની ખુરશી પણ સંકટમાં ઘેરાઈ
બીજો સવાલ એ પણ સામે આવે છે કે બ્રાઝિલ પાસે ફાઇઝરની વેક્સિન ખરીદવાનો ઓપ્શન પણ હતો, પરંતુ તેણે ભારત બાયોટેક પાસેથી મોંઘી વેક્સિન ખરીદી, જો કૌભાંડના આક્ષેપો સાચા હશે તો રાષ્ટ્રપતિના પદ સામે પણ સંકટ ઊભું થઈ શકે છે.

જાન્યુઆરીમાં કોવેક્સિનને ઇમર્જન્સી યુઝની અનુમતિ મળી હતી
ભારતમાં ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ કોવેક્સિનને કેટલીક લિમિટેશન સાથે ઇમર્જન્સી વપરાશ કરવાની અનુમતિ જાન્યુઆરી અપાઈ હતી. આ વેક્સિનને ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ સાથે મળીને તૈયાર કરી છે. કંપનીએ આ વેક્સિનના ઇમર્જન્સી વપરાશ માટે આવેદન આપ્યું હતું. જોકે હવે એના પર પણ સંકટ આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...