• Gujarati News
  • International
  • Instagram Health Challenge, Algorithm That Prevents Children From Getting Out Of The Video photo Trap, 'hashtags' Cause Youth Food Disorders

ભાસ્કર ખાસ:ઈન્સ્ટાગ્રામ હેલ્થ ચેલેન્જ, અલ્ગોરિધમ એવું કે વીડિયો-ફોટોની જાળમાંથી બાળકો બહાર જ ના આવી શકે, ‘હેશટેગ’થી યુવાનો ફૂડ ડિસઓર્ડરનો ભોગ બને છે

ન્યૂયોર્ક15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એરિઝોનાની એક માતાએ કહ્યું કે કેવી રીતે તેની બે પુત્રીએ ખાવાનું બંધ કરી દીધું

કોરોનાકાળમાં લૉકડાઉન વખતે એરિઝોનામાં રહેતી મિશેલને માલુમ પડ્યું કે કિશોર વયે તેમની બે પુત્રી ઈન્સ્ટાગ્રામ પર કંઈક વધુ સમય વિતાવતી હતી. શરૂઆતમાં તેમને લાગ્યું કે તેઓ કંટાળો દૂર કરવા ઈન્સ્ટાગ્રામ પર સમય ગાળતી હશે. જોકે, બાદમાં ખબર પડી કે તેમની બંને પુત્રીએ ઈન્સ્ટાગ્રામની હેશટેગ ‘હેલ્થ ચેલેન્જ’માં ભાગ લીધો હતો.

તેમાં પ્રો-ડાયટ, પ્રો-એક્સરસાઈઝ, પ્રો-ઈટિંગ ડિસઓર્ડરની વાતો થતી હતી. આ હેશટેગ પર જતા જ બાળકોને વીડિયો-ફોટોઝની ભરમાર જોવા મળતી. બાળકો પણ તેમાં ફસાઈને આ હેશટેગને ફોલો કરવા લાગતાં. મિશેલની પુત્રીઓએ પણ એવું કર્યું.

ઈન્સ્ટાગ્રામના આ વીડિયો અને ફોટોઝના કારણે તેમણે પોતાની રીતે જ પોતપોતાનું ડાયટ પણ નક્કી કરી લીધું. છ મહિના પછી તે બંનેએ ખાવાનું પણ ખૂબ ઓછું કરી દીધું. મિશેલની એક પુત્રીની હાલત તો એટલી ખરાબ થઈ ગઈ કે તેને ડૉક્ટર પાસે લઈ જવી પડી અને પછી હોસ્પિટલમાં પણ ભરતી થવું પડ્યું. તેમની પુત્રીને એનોરેક્સિયા નામની બીમારી થઈ. આ બીમારીમાં દર્દી પોતાના શરીર પ્રત્યે અત્યંત સજાગ થઈ જાય છે અને શરીર ઘટાડવા ખાવાનું બંધ કરી દે છે અથવા તો ઓછું કરી દે છે.

મિશેલની પુત્રીઓ સાથે પણ આવું જ થયું. મિશેલનું કહેવું છે કે સોશિયલ મીડિયા, ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એવા હેશટેગ ચલાવાય છે, જે અંગે ડૉક્ટરો અને નિષ્ણાતોનાં કોઈ સૂચનો નથી હોતાં. આ બધું બાળકો આંધળુકિયા કરીને ફોલો કરે છે.

આ પ્રકારની હેલ્થ ચેલેન્જ યુવતીઓને તો બહુ જ ફિગર કોન્શિયસ બનાવી દે છે. કિશોરવયે જ યુવતીઓ હેલ્થ ચેલેન્જથી ફૂડ ડિસઓર્ડરનો શિકાર થઈ જાય છે. તેનાથી તેમના શારીરિક જ નહીં, માનસિક આરોગ્ય પર પણ પ્રતિકૂળ અસર પડે છે. કિશોરવયનાં બાળકોનાં વાલીઓએ બાળકોને લઈને સોશિયલ મીડિયા મુદ્દે ખૂબ જ જાગૃત રહેવાની જરૂર છે.

ફ્રાન્સિસે ચેતવ્યા કે ઈન્સ્ટાગ્રામ અલ્ગોરિધમમાં રોકવાની સિસ્ટમ જ નથી
ફેસબુકના પૂર્વ કર્મચારી ફ્રાન્સિસ હોગેને અમેરિકન સંસદમાં જણાવ્યું હતું કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પોતાના અલ્ગોરિધમ એટલે કે યુઝર્સની સાઈટ વિઝિટ કરવાના ટ્રેન્ડને ધ્યાનમાં રાખી, તેમને એ જ પ્રકારના વીડિયો-ફોટો મોકલે છે, જેને તેઓ એકથી વધુ વાર જોઈ ચૂક્યા હોય છે. ઈન્સ્ટાગ્રામની બાળકોની એપ પણ આ જ અલ્ગોરિધમથી કામ કરે છે. બાળકોને કોઈ ખાસ સાઈટ કે હેશટેગના વ્યસની બનાવી દે છે. ફેસબુકે આ અલ્ગોરિધમને રોકવા કોઈ સિસ્ટમ જ નથી બનાવી કારણ કે તેનાથી તો ફેસબુકને મોટો નફો થાય છે.

અન્ય સમાચારો પણ છે...