મોંઘવારી રેકોર્ડ સ્તરે:અમેરિકામાં મોંઘવારી 9.1% છેલ્લાં 41 વર્ષમાં સૌથી વધારે

ન્યુયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ, જીવનજરૂરી ચીજો અને ઘરનાં ભાડાંમાં બેફામ વધારો

અમેરિકામાં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી જતા દુનિયાભરના અનેક અર્થશાસ્ત્રીઓના અનુમાનો ધ્વસ્ત થઈ ગયા છે. જૂન 2022માં અમેરિકામાં મોંઘવારી દર 9.1%એ પહોંચી ગયો છે, જે છેલ્લા 41 વર્ષનો સર્વોચ્ચ આંકડો છે. 1981 પછી પહેલીવાર કોઈ મહિને મોંઘવારી દર આટલો વધુ છે. અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ દેશમાં મોંઘવારી કાબુમાં રાખવામાં સતત નિષ્ફળ જઈ રહી છે, જેના અનેક કારણ છે.

અમેરિકામાં મોંઘવારી વધવાના સૌથી મહત્ત્વના કારણ પેટ્રોલ, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ ઘર ભાડાંમાં સતત ભારે વધારો થયો તે છે. અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટે 13 જુલાઈએ મોંઘવારીના આંકડા જાહેર કર્યા હતા. લેબર ડિપાર્ટમેન્ટના મતે, જૂનમાં ગયા વર્ષની તુલનામાં કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ 9.1% વધ્યો છે. એટલે કે ગયા મે મહિનાની તુલનામાં તેમાં 1.3%નો વધારો થયો છે. માસિક આધારે 2005 પછી આ સૌથી મોટો વધારો છે.

અર્થશાસ્ત્રીઓનાં અનુમાન કરતા વધુ મોંઘવારી
અમેરિકન મીડિયાના કેટલાક અહેવાલો પ્રમાણે, અમેરિકા સહિત દુનિયાના અનેક અર્થશાસ્ત્રીઓએ મે મહિનામાં મોંઘવારી માસિક આધારે 1.1% અને વાર્ષિક આધારે 8.8% વધશે એવું અનુમાન કર્યું હતું. જોકે, આ અનુમાનો ખોટાં પડ્યાં છે. અમેરિકામાં ફુગાવાના તાજા આંકડા આ અનુમાનોથી ઘણાં વધારે છે.

એકમાત્ર ઉપાય| ફુગાવો કાબૂમાં લેવા ફેડરલ વ્યાજ દર વધારાય તેવી શક્યતા
અમેરિકામાં મોંઘવારી સતત વધવાથી અમેરિકન ફેડરલ રિઝર્વ બેેન્ક પર પોતાની મોનિટરી પોલિસી કડક કરવાનું દબાણ વધી ગયું છે. હવે જાણકારો અનુમાન લગાવી રહ્યા છે કે, ફેડરલ રિઝર્વ આ મહિનાના અંતે વ્યાજદરો ફરી વધારી શકે છે. કેન્દ્રીય બેંકના વ્યાજ દર વધારવાથી માર્કેટમાં લિક્વિડિટી ઘટે છે અને તેનાથી મોંઘવારી કાબુમાં રાખવામાં મદદ મળે છે. જો અમેરિકી ફેડ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરશે તો દુનિયાભરના બજારો પર અસર થશે.

અન્ય સમાચારો પણ છે...