છ મહિના બાદ 'ઈમરજન્સી મંજૂરી':વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવેક્સિનના ઈમરજન્સી ઊપયોગની મંજૂરી આપી, હવે દુનિયાભરમાં આપણી વેક્સિન લગાવી શકાશે

એક મહિનો પહેલા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ સ્વદેશી વેક્સિન કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. દિવાળીના એક દિવસ પહેલા WHOએ 18 વર્ષથી વધુ વયના લોકોને કોવેક્સિન લગાવવાની મંજૂરી આપી દીધી છે. કોવાક્સિન ભારતમાં જ વિકસાવવામાં આવી છે. તેને હૈદરાબાદના ICMR અને ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી છે.

એક નિવેદનમાં WHOએ જણાવ્યું હતું કે, વિશ્વભરના નિષ્ણાતોની બનેલી અમારી ટીમે નિર્ણય લીધો છે કે કોવેક્સિન કોરોનાથી રક્ષણ માટે WHOના ધોરણોને પૂર્ણ કરે છે. વેક્સિનનો લાભ તેના જોખમ કરતા વધુ છે. આ વેક્સિન દુનિયા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કોવેક્સિનની સમિક્ષા WHOના સ્ટ્રેટેજિક એડવાઈઝરી ગ્રુપ ઓફ એક્સપર્ટ્સ ઓન ઈમ્યૂનાઈઝેશન (SAGE)એ કરી હતી.

મોદીએ WHO સામે કોવેક્સિનનો મુદ્દો ઉઠાવ્યો હતો
તાજેતરમાં જી-20ની બેઠકમાં ઇટાલીની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ WHOના વડા ડો. એંતોનિયો ગુતારેસ સાથે કોવેક્સિનની મંજૂરી અંગે ચર્ચા કરી હતી. પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે, ભારત આવતા વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સિનનો 5 અબજ ડોઝ તૈયાર કરે તેવી શક્યતા છે.

ગત મીટિંગમાં અપ્રૂવલના સંકેત મળી ગયા હતા
અગાઉ WHOની સમિતિએ 26 ઓક્ટોબરે કોવેક્સિન અંગે બેઠક યોજી હતી. તે દિવસે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો, પરંતુ WHOના સભ્યોએ સંકેત આપ્યો હતો કે આગામી બેઠકમાં ઈમરજન્સી મંજૂરી આપી શકાય છે. WHO મેડિસિન અને હેલ્થ પ્રોડક્ટ્સના ADG મેરીએન્જેલા સિમાઓએ કહ્યું હતું કે અમને ભારતની વેક્સિન ઈન્ડસ્ટ્રી પર વિશ્વાસ છે. ભારત બાયોટેક સતત અમને ડેટા પ્રદાન કરી રહ્યું છે

ભારતમાં વેક્સિનેશન માટે કોવેક્સિનનો ઉપયોગ થઈ રહ્યો છે
ભારતમાં હાલમાં કોરોના વેક્સિનેશન માટે ત્રણ વેક્સિન ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ની કોવિશિલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક-વીનો સમાવેશ થાય છે. જોકે, અમેરિકાની ફાઈઝર અને મોર્ડના સહિત દેશમાં જ બનેલી જાયકોવ-Dને પણ ઈમરજન્સી અપ્રૂવલ મળી છે પરંતુ આ ત્રણેય વેક્સિન સામાન્ય માણસ માટે હાલમાં ઉપલબ્ધ નથી.

2 દિવસ અગાઉ ઓસ્ટ્રેલિયાએ ટ્રાવેલ અપ્રૂવલ આપ્યું
ભારતના વેક્સિનેશન સર્ટિફિકેટને ઓસ્ટ્રેલિયા સહિત પાંચ દેશોએ 1 નવેમ્બરે ટ્રાવેલિંગની મંજૂરી આપી હતી. એટલે કે હવે ભારતમાં કોવેક્સિન લગાવનાર કોઈ પણ ભારતીય વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે ઓસ્ટ્રેલિયા જઈ શકશે અને તેને ત્યાં 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇન નહીં થવું પડે.

અન્ય સમાચારો પણ છે...